કોરોના કાળે લોકોને ઘણુ શીખવી દીધુ છે કે, પૈસા કરતાંયે જીવન વધુ મહત્વનું છે. આપણે સિવિલના એવા કર્મચારીઓની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ દર્દીઓની કાળજી તો રાખે છે, સાથે એમના કિંમતી સામાન સાચવવાની ફરજ બજાવે છે. જ્યારે કોઈ દર્દીને રજા આપવામાં આવે અથવા મૃત્યુ પામે ત્યારે નજીકના સ્વજનો જરૂરી કામમાં કે મૃતકની અંતિમવિધિમાં વ્યસ્ત હોવાના કારણે દર્દીનો સામાન લઈ જવાનું ભુલી જતા હોય છે. પણ નવી સિવિલ સિકયુરીટી ટીમે ફરજ અને માનવતાના માર્ગે ચાલી અત્યાર સુધીમાં સોના, ચાંદી જેવી કિંમતી વસ્તુઓ તથા રોકડ રકમ મળી ૧૦૦થી વધુ દર્દીઓના સ્વજનોને તેમનો સામાન પરત કરી, ફરજ સાથે ઉમદા અને પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
સુરત સિવિલ હોસ્પિટલના ચીફ સિકયુરીટી ઓફિસરશ્રી હરેન ગાંધી જણાવે છે કે, અમારી ટીમે નવતર પ્રયોગ કર્યો છે. જ્યારે દર્દી દાખલ થાય ત્યારે જ તેના નજીકના ત્રણ સંબંધીઓના નંબર લેવામાં આવે છે, દર્દીનું ચેકિંગ કરવામાં આવે છે, એ સમયે એમની પાસે મળેલી કિંમતી વસ્તુની નોંધ ઓર્નામેન્ટ રજિસ્ટરમાં કરી એમના સગાસંબધીઓનો સંપર્ક સાધી સામાન પરત સોંપી દેવામાં આવે છે. શરૂઆતમાં કોરોના સંક્રમિત દર્દીઓની કિંમતી ચીજવસ્તુઓ બાબતે ફરિયાદો આવતા સમસ્યા નિવારણ માટેના પ્રયત્નો કર્યા હતા. અમારી આઠ સભ્યોની ટીમ સાથે ૧૫ જુલાઈથી બે મુહિમ હાથ ધરવામાં આવી હતી. જેમાં પહેલી મુહિમમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસે કિંમતી વસ્તુઓ શું શું છે એની માહિતી એકત્ર કરી સર્વે કરવામાં આવ્યો. જેમાં ૪૦૦ જેટલા દર્દીઓની પાસેથી મળેલી કિંમતી ચીજવસ્તુઓ જેવી કે, સોના-ચાંદીના દાગીના, ચેઈન, રિંગ , મોબાઈલ, રોકડ રકમ, બંગડી, કાનની બુટ્ટી મંગળસૂત્ર જેવી વસ્તુઓ પોતાના પરિવારજનોનો સંપર્ક કરી પરત આપવામાં આવી છે.
ઈન્ડિયન એરફોર્સમાંથી સેવાનિવૃત્ત થયેલાં એક્સ-આર્મીમેન હરેન ગાંધી જણાવે છે કે, સિક્યુરિટીની કામગીરીની સાથે-સાથે કોરોના દર્દીઓની કિમતી વસ્તુની સુરક્ષા કરવાની પણ અમારી નૈતિક ફરજ છે. જેથી હવેથી દર્દી એડમિટ થતાની સાથે જ ચેકિંગ કરી દર્દીઓ પાસે જો કોઈ કિંમત ચીજવસ્તુ મળે તો પરિવારજનોને સોંપી દેવામાં આવે છે. આ કામગીરી માટે એક વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે. જે દર્દીઓના પરિવારને એમની કિંમતી વસ્તુઓ આપી ફોટો લઈ લે છે. કારણ કે ઘણીવાર દર્દીઓ માનસિક રીતે પડી ભાંગ્યા હોય છે ત્યારે એમની પાસે રહેલી કિંમતી વસ્તુઓનું પણ ધ્યાન રહેતું નથી. જેથી આ પ્રયાસ થકી દર્દીની સંભાળ સાથે એમના સોના-ચાંદીના ઘરેણા, રૂપિયાની પણ સિક્યુરિટી રહે છે.”