ગુજરાતમાં ટ્રાયલ માટે વેક્સિન આવી, વડાપ્રધાને કહ્યું તમામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખીશું

ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના વેક્સિન ‘આત્મનિર્ભર’ ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે  અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચી છે. ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી આ વેક્સિન સાંજે દિલ્હીથી ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. ત્યાંથી સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાય હતી. અહીં 1000 જેટલા વોલન્ટિયરને કોરોનાની વેક્સિન આપવાનું આયોજન કરાયું છે. બે દિવસ કમિટિની મિટિંગ ચાલશે અને પછી વોલન્ટિયરને આ વેક્સિનનો ડોઝ ટ્રાયલ માટે અપાશે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનના ટેસ્ટિંગ માટે 1000 વોલન્ટિયરને સ્ટેન્ડબાય રખાયા છે. દરેક વોલન્ટિયરને વેક્સિન આપ્યા બાદ એક કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.  માત્ર સ્વસ્થ લોકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવશે. એક કલાકના ઓબ્ઝર્વેશન બાદ તેમને જવા દેવામાં આવશે. ત્યારબાદ નિયમિત વેક્સિનની શું અસર થઇ તેનું મોનિટરિંગ સોલા સિવિલની ટીમ દ્વારા થશે.

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે…

આ પહેલા વડાપ્રધાન મોદીએ  દેશમાં કોરોના અને વેક્સિનની સ્થિતિને લઈને મુખ્યમંત્રીઓ સાથે વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વેક્સિનની સ્થિતિ અને ડિસ્ટ્રિબ્યુશનને લઈને જે ચર્ચા થઈ છે એમાં અમે સિસ્ટમ મુજબ આગળ વધીશું. વેક્સિનના કેટલા ડોઝ હશે, કિંમત કેટલી હશે; આ સવાલોના જવાબ અમારી પાસે નથી. મોદીએ વધુમાં કહ્યું હતું કે RTPCR ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. ગામડાંનાં હેલ્થ સેન્ટર્સ પર વધારે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સિજન જેવી વસ્તુઓ પ્રમાણમાં રહે. જાગૃતતા લાવવાના અભિયાનમાં કોઈ કમી ન રહે. વેક્સિનનું રિસર્ચ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારત સરકાર દરેક ડેવલપમેન્ટને ઝીણવટપૂર્વક જોઈ રહી છે. એ પણ નક્કી નથી કે વેક્સિનનો એક ડોઝ હશે કે બે ડોઝ. કિંમત પણ નક્કી નથી. આ સવાલોના જવાબો અમારી પાસે નથી. જે વેક્સિન બનાવનાર છે, કોર્પોરેટ વર્લ્ડની પણ કમ્પિટિશન છે. અમે ઈન્ડિયન ડેવલપર્સ અને અન્ય મેન્યુફેક્ચરર્સ સાથે કામ કરી રહ્યા છીએ. વેક્સિન આવ્યા પછી એ પ્રાથમિકતા છે કે એ તમામ લોકો સુધી પહોંચે. અભિયાન મોટું હશે તો લાંબું ચાલશે. આપણે એક થઈને ટીમ તરીકે કામ કરવું પડશે. વેક્સિનને લઈને ભારત પાસે જેવો અનુભવ છે એ મોટા મોટા દેશો પાસે નથી. ભારત જે પણ વેક્સિન આપશે એ વૈજ્ઞાનિક રીતે યોગ્ય હશે. વેક્સિન ડિસ્ટ્રિબ્યુશન રાજ્યો સાથે મળીને કરાશે છતાં પણ આ નિર્ણય અમે સાથે મળીને કરીશું. તેમણે કહ્યું હતું, એક સમયે અજાણી તાકાત સામે લડવાનો પડકાર હતો. દેશના સંગઠિત પ્રયાસોએ તેનો સામનો કર્યો. નુકસાન ઓછામાં ઓછું થયું. રિકવરી અને ફેટિલિટી રેટમાં ભારત સારી સ્થિતિમાં છે. ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. PM કેરના માધ્યમથી ઓક્સિજન અને વેન્ટિલેટર્સ ઉપલબ્ધ કરાવવાની વાત પર ભાર અપાઈ રહ્યો છે.

Leave a Reply

Translate »