સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી
સુરત. આજ રોજ 27 નવેમ્બરના રોજ વેડ રોડ ખાતે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલના નિવાસ સ્થાને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી હતી. જેમાં ફરી સુરતમાં કોરોનાની લહેર ફેલાય રહી હોવાથી કોરોનાની આચારસંહિતાનું કડકાઈથી પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. ફરી એકવાર એક ઘંટી પર બે રત્નકલાકાર બેસાડવા માટેનું કહેવાયું છે. જોકે, ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ રીતની ગાઈડલાઈનનું પાલન કરવા દબાણ કરાયું હતું પરંતુ હિરા ઉદ્યોગે તેનો પૂરેપૂરો અમલ ન કર્યો હોવાનું સામે આવ્યું હતું. પરિણામે મહાપાલિકાએ કારખાના બંધ કરાવવાનું શરૂ કર્યું હતું. એવા વીડીયો પણ સામે આવ્યા હતા કે મનપા અધિકારીઓ તપાસાર્થે જાય ત્યારે કારીગરોને અગાસી પર ભગાવી મુકવામાં આવતા હતા. કેટલાક ઉદ્યોગકારો રાજકીય વગનો ઉપયોગ કરી અધિકારીઓને અંદર પ્રવેશ કરવા દેતા ન હતા અથવા તો દંડ ન વસૂલવા દેતા હતા. કેટલાક અધિકારીઓને ફોડી લેતા હોવાના આરોપ પણ થયા હતા. હવે જોવું એ રહ્યું કે નવેસરથી શરૂ કરાયેલી કવાયદ બાદ કેટલા ઉદ્યોગકારો તેનો અમલ કરે છે અને કરાવડાવે છે. નોંધનીય છે કે, લોકડાઉન બાદ હીરા ઉદ્યોગ કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું.
બેઠકમાં મનપા કમિશનર બંછાનિધી પાનીએ કરેલા સૂચન
– હીરાની એક ઘંટી ઉપર બે રત્નકલાકારોએ જ કામ કરવું.
– કેન્ટીન બંધ રાખવામાં આવે.
– માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ફરજિયાતપણે પાલન કરાવવું.
– ટિફીન લાવતા રત્નકલાકારોને દિવસમાં ત્રણ સ્લોટમાં ૩૦–૩૦ મિનિટ માટે જમવા માટે છોડવા.
– એરકન્ડીશન ઓફિસમાં વેન્ટીલેશનની વ્યવસ્થા કરવી તેમજ બારી–બારણાં ખુલ્લા રાખવા.
– રત્નકલાકારો તેમજ ઓફિસ કર્મચારીઓનું કોવિડ– ૧૯નું ટેસ્ટીંગ કરાવવું.
પોલીસ કમિશનર અજય તોમરે નીચે મુજબના સૂચનો રજૂ કર્યા હતા.
– રત્નકલાકારો તેમજ કર્મચારીઓ માટે ફેકટરીમાં પીવા માટે ગરમ પાણીની વ્યવસ્થા કરવી.
– ફેટકરીમાં જુદી–જુદી જગ્યાએ ઇન્હેલરની વ્યવસ્થા કરવી.
– ટોળું ન થાય તે માટે કર્મચારીઓને એકસાથે રજા આપવી નહીં.
– કોવિડ– ૧૯ ની જનજાગૃતિ માટે ડાયરાના સ્વરૂપે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવું.
– સ્થાનિક વિસ્તારમાં કોવિડ– ૧૯ ની ગાઇડ લાઇનનું પાલન કરવા તેમજ સાવચેતી રાખવા માટે ઓડીયો સાથેની રીક્ષાઓ ફેરવવી.
કોરોનાની વિકટ પરિસ્થિતિમાં હીરા ઉદ્યોગના હિત માટે સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ તરફથી જે પ્રકારનો સહકાર મળી રહયો છે તે માટે ગોવિંદભાઇ ધોળકીયાએ બંને અધિકારીઓનો આભાર વ્યકત કરી તેઓને બિરદાવ્યા હતા. બેઠકમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા, લાલજીભાઇ પટેલ, રામકૃષ્ણ એક્ષ્પોર્ટના ગોવિંદભાઇ ધોળકીયા, જે.બી. બ્રધર્સના જીતુભાઇ શાહ, નીતિન અદાણી, દિલીપભાઇ, નાગજી સાકરીયા, શિતલ ડાયમંડના વલ્લભભાઇ તથા સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા અને મંત્રી દામજી માવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.