સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આ યુવક ઘરેથી નીકળી ગયો હતો. કરફ્યુ દરમિયાન મિત્રો શોધતા તેની લાશ મળી આવી હતી. મરનાર યુવકે પોતાના સ્ટેટસ પર ઓમ શાંતિ અને રેસ્ટ ઈન પીસ લખ્યું હતું.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણના કલાપી રેસિડેન્સીમાં રહેતા 33 વર્ષીય યુવક પારસ શ્યામ ખન્નાને છેલ્લા ઘણાં સમયથી પત્ની પર શંકા હતી અને તેના કારણે અવારનવાર ઝઘડા થતા હતા. મિત્રોએ પોલીસ સમક્ષ કેફિયત વ્યક્ત કરી હતી કે પારસ ગાડી લેવેચનું કામ કરતો હતો અને લોકડાઉનના સમય ગાળા દરમિયાન ગાડી લે-વેચનો ધંધો ચાલતો ન હતો. આવકના લગભગ તમામ માધ્યમો બંધ હતા. બીજી બાજુ પત્નીના ચારિત્ર પર શંકા કરતો થઈ ગયો હતો. જેને લઈ વારંવાર પારિવારિક ઝઘડાને લઈ પોતે માનસિક તણાવમાં રહેતો થઈ ગયો હતો. સોમવારે રાત્રે પણ ઝઘડો થયો હતો અને પારસ ઘરેથી નીકળી ગયો હતો. પરિવારે ઘણાં ફોન કર્યાં પણ તે ન લાગતા પરિવારે મિત્રોનો સંપર્ક કર્યો હતો અને શોધખોળ શરૂ કરી હતી અને આખરે તેની લાશ મળી આવી હતી. અડાજણ પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.