સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં ભાજપ: મનપા-નપાના હોદ્દેદારોને મળી બનાવશે બ્લૂપ્રિન્ટ

ગુજરાતમાં સંભવત: ફેબ્રુઆરીમાં યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપાએ તૈયારીઓ આદરી દીધી છે. ભાજપે તેના ચૂંટણી-ઈન્ચાર્જ નિયુક્ત કરી દીધા છે. હવે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી જે સંસ્થાઓમાં ભાજપશાસનમાં છે એ તમામ મહાપાલિકાના હોદ્દેદારો તથા જિલ્લા પંચાયતમાં પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. અને તેઓએ શું કામ કર્યાં છે? તેના લેખાજોખા લઈને આખી ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે.
સીઆર પાટીલે મીડીયાને જણાવ્યું હતું કે,  સૌપ્રથમ અમદાવાદ મહાપાલિકાથી આ શરૂઆત કરાશે અને ત્યાંના મેયર સહિતના ભાજપના પદાધિકારીઓ તથા અમદાવાદ ભાજપના હોદ્દેદારોને મળી પાંચ વર્ષની કામગીરી, ગત ચૂંટણીઢંઢેરાનાં વચનો કેટલા પૂરાં થયાં છે અને કયાં બાકી છે તથા આગામી પાંચ વર્ષ માટેનાં સંભવિત આયોજનો સહિતના મુદ્દાઓ પણ ચકાસીને દરેક મહાપાલિકા અને જિલ્લા પંચાયત મુજબ પક્ષનું માઈક્રો પ્લાનિંગ ગોઠવશે.

2022ની વિધાનસભાની 182 સીટ જીતવાના લક્ષ્યની અત્યારથી જ તૈયારી 
પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, તમામ પાલિકાઓ અને જિલ્લા પંચાયતો ઉપરાંત પાલિકાઓ અને તાલુકા પંચાયત જીતવાનો લક્ષ્ય પણ રાખ્યો છે. તેમણે આ ચૂંટણીમાં રિપીટ-નો-રિપીટની કોઈ થિયરી નથી. પક્ષના જે માપદંડ છે અને જેઓ જીતી શકે તેમ છે તેના આધારે જ ટિકિટ અપાશે. પાટીલે કહ્યું હતું કે જેઓ સતત ચૂંટાતા આવે છે તે તેમના મતક્ષેત્રમાં લોકચાહના ધરાવે છે અને તેથી તેમને રિપીટ નહીં કરવાનું કોઈ કારણ હોવાનો ઈન્કાર કર્યો હતો. પેટાચૂંટણીની જેમ જ આ ચૂંટણીમાં પણ પક્ષ તેના ટાર્ગેટ મુજબ તમામ મહાપાલિકા, જિલ્લા પંચાયત અને પાલિકા તથા તાલુકા પંચાયત કબજે કરશે અને 2022ની વિધાનસભાની જીતનો પાયો નાખશે એમ પાટીલે મીડીયાને જણાવ્યું હતું.

Leave a Reply

Translate »