આર.એન.બી.ના અધિકારીઓએ પોલીસ બંધોબસ્ત બોલાવી સરકારી આવાસ તોડી પાડી ગરીબ પ્રજાને રસ્તે રઝળતી કરી દીધી જેમાં સાયણ ગ્રામ પંચાયતની ભુંડી ભૂમિકા .
સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે જાણ થતા જ ઘટના સ્થળે પહોચી જઈ આ નિરાધાર બનેલ પ્રજાને સાંત્વન આપી જમવાની વ્યવસ્થા કરી આપી આર.એન.બી.ના અધિકારીને આડે હાથે લીધા.
ઓલપાડ તાલુકાના સાયણ ગામે સુગર રોડ પર આવેલ ૨૮ છાપરીમાં માર્ગ અને મકાન ખાતાના અધિકારીએ પોલીસ બંધોબસ્ત ખડકી દઈ જોહુકમીથી સરકારી આવાસ તોડી પાડી આ ગરીબ પ્રજાને ઘરવિહોણા કરી દેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો.અને સાથોસાથ આ ગરીબ પ્રજાને સાયણ ગ્રામ પંચાયત એ મદદ કરવાને બદલે તમો આ આવાસનું ડીમોલીશન કરવા દેશો નહીતર તમને પોલીસ ઉચકી જશે એવું સુચન કર્યું હતું.
જાણકાર સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાયણ ગામે સાયણ સુગર થી શેખપુર જવાના રોડ પર ૧૫૩ નંબર ફાટક પર ઓવરબ્રીજ નું કામ શરુ થનાર હોય જ્યાં રોડની બન્ને બાજુ આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ,ગોપાલ ઇન્ડસ્ટ્રીઝ,અર્જુન પાર્ક ઇન્ડસ્ટ્રીઝ તેમજ ભરવાડ આવાસ તથા ૨૮ છાપરી આવાસ આવેલ છે.જ્યાં આજરોજ આર.એન.બી. ખાતા દ્વારા આ રોડ પર આવેલ દબાણ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.આ દબાણ દુર કરવા માટે આર.એન.બી.ખાતા દ્વારા આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં જ્યાં આગળથી બ્રિજનું કામ ચાલુ થનાર હોય તે અર્જુન પાર્ક ઇન્ડસ્ટ્રીઝ તરફ ડિમોલીશન કરવાનું છોડી દઈ ગોપાલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીઝ તરફ બે થી ત્રણ જે.સી.બી. મશીન થી રોડ પર નું દબાણ નું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારબાદ આ આર.એન.બી.ના અધિકારી સુથાર,આ.કે. પટેલ,નરેશ પટેલ તેમજ તેમના સ્ટાફે પોલીસની મદદથી ૨૮ છાપરીમા આવેલ સરકારી આવાસો પર પણ બુલડોઝર ફેરવી દઈ જમીનદોસ્ત કરી દીધા હતા.અને આ ગરીબ હળપતિઓને ઘરવિહોણા કરી દેતા લાચાર થઇ જવા પામ્યા હતા.આ ડિમોલીશન થવા પહેલા આ ગરીબ પ્રજા સાયણ ગ્રામ પંચાયતમાં સરપંચને મળવા માટે ગઈ હતી અને આ સરકારી આવાસ પર થતું ડિમોલીશન રોકવા માટે આજીજી કરી હતી પરંતુ આ ગ્રામ પંચાયતના ભ્રસ્ત કારભારીઓએ ડિમોલીશન રોકવાની વાત તો દુર પણ જો તમે આ ડિમોલીશન રોકવામાં આડખીલી બનશો તો પોલીસ તમને પકડીને જેલમાં પૂરી દેશે અને તમારી પાસે દંડ વસુલશે એમ કહી ધમકાવી ત્યાંથી રવાના કરી દીધા હતા.જેથી આર.એન.બી. ખાતાના આ અધિકારીઓ દ્વારા આજરોજ આ સરકારી આવાસ પર બુલડોઝર ફેરવી દઈ ઘરવિહોણા કરી દેતા આ ગરીબ પ્રજાજનોમાં આ આર.એન.બી.ના અધિકારી તેમજ સાયણ પંચાયત સામે રોષ ભભૂકી ઊઠવા પામ્યો છે.
આ ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લા પંચાયત દર્શન નાયક ઘટના સ્થળે પહોચી જઈ આ હળપતિઓની મુલાકાત લઇ સાંત્વન આપી આ અધિકારીઓને આડેહાથે લીધા હતા અને આ ઘરવિહોણા લોકોની જમવાની વ્યવસ્થા કરી આપી હતી અને આ સરકારી આવાસ પર ડિમોલીશન કરવાની તમને મંજૂરી કોણે આપી અને કોના કહેવાથી કરી એવું પૂછતાં જ આ સરકારી બાબુઓએ ચુપકીદી સાધી લીધી હતી.અને આ ડિમોલીશન બાબતે આર.એન.બી. ના અધિકારી તેમજ સાયણ ગ્રામ પંચાયત જો આ ગરીબ પ્રજાને તેમના આવાસ પાછા બનાવી નહી આપે તો સુરત કલેકટર ને લેખિત ફરિયાદ કરશે અને ધારણા પર બેસશે એવી ધમકી….
આ ગરીબને મદદ કરવાને બદલે સાયણ ગ્રામ પંચાયત ઇન્ડસ્ટ્રીઝ ના માલિકને ખોળે બેસી ગઈ.
આ બ્રિજનું નવીનીકરણ માટે રોડની બન્નેબાજુ સરકારી દબાણો દુર કરવાની જવાબદારી માર્ગ મકાન ખાતાની સાથોસાથ સાયણ ગ્રામ પંચાયતની પણ બનતી હોય છે.આ સાયણ પૂર્વમાં આવેલ અર્જુન પાર્ક ઇન્ડસ્ટ્રીઝ ના માલિકો દ્વારા બિન અધિકૃત રીતે રોડની બાજુએ દબાણ કરવામાં આવેલ છે.જે દબાણ આર.એન.બી. ની મદદ થી દુર કરવાને બદલે તેમના ખોળે બેસી જઈ ત્યાનું ડિમોલીશન બંધ કરી દઈ આ રેલવેની પશ્ચિમ બાજુ ડિમોલીશન હાથ ધરી આ સરકારી આવાસ તોડી પાડવામાં સાયણ ગ્રામ પંચાયતે ભુંડી ભૂમિકા ભજવી હોય એવી ગ્રામજનોમાં લોકચર્ચા ઊઠવા પામી છે.