સ્મીમેર મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટએ કોરોના રસી મૂકાવી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા

કોરોના વાયરસના પ્રતિકાર સામે દેશના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ હેલ્થવર્કરોને પહેલા તબક્કામાં સ્વદેશી વેક્સિનથી રસીકરણ થઈ રહ્યું છે, ત્યારે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો. આર.કે.બંસલ અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.વંદના દેસાઈએ પણ રસી મૂકાવી આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. જાતે રસી લઈને તેમણે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સહિત લોકોની રસી અંગે પ્રવર્તતી ગેરમાન્યતા દૂર થાય અને જાગૃત્તિ આવે એ માટે પ્રેરણાદાયી કદમ ભર્યું છે.


સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો. આર.કે.બંસલે જણાવ્યું હતું કે, છેલ્લા નવ મહિનાથી સતત કોરોના સામે જંગ લડી રહ્યાં છીએ. વેક્સિનેશન ડ્રાઈવના બીજા દિવસે આજે વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, ‘હું પણ એક આમ આરોગ્યકર્મી છું’ એવા હકારાત્મક દૃષ્ટિકોણ સાથે રસી મૂકાવી છે, ભારતમાં બનેલ સ્વદેશી વેક્સિનના વિવિધ ટેસ્ટિંગ થયા છે, અને તે કોરોના વાયરસ સામે કારગર નીવડી રહી છે. વેક્સિન લેવામાં કોઈ જોખમ નથી. સ્વદેશી રસી દેશને કોરોનામુક્ત કરવાંમાં સફળ સાબિત થશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
સ્મીમેરના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.વંદના દેસાઈએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, આજના આ પહેલા ડોઝ લીધા પછી ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લઈશ. સ્વદેશી રસી સુરક્ષિત અને અસરકારક છે. કોરોનાની મહામારીના સમયે વેક્સિન એક નવું હથિયાર સાબિત થશે. હેલ્થવર્કર અને તબીબી સ્ટાફના રસીકરણ થકી લોકોમાં જનજાગૃતિ આવશે તે ચોક્કસ છે. સામૂહિક રસીકરણ દ્વારા મહામારી પર કાબૂ મેળવી શકાશે. આગામી દિવસોમાં અમારી ટીમ કાર્યરત રહીને કોરોના રસીકરણના આ અભિયાનને વધું વેગવંતુ બનાવીશું એમ તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Translate »