બ્લેક ફંગસનો હાહાકાર: તેનાથી કોરોના દર્દીઓને બચાવવા માટે શું કાળજી રાખવી?

દેશમાં કોરોના મહામારીની સાથે મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસો એટલા મોટા પ્રમાણમાં વધી ગયા છે કે કેન્દ્ર સરકાર ,ગુજરાત સરકાર સહિત અન્ય રાજ્ય સરકારોએ તેને મહામારી તરીકે ઘોષિત કરી છે. દેશના ટોચના બે ડોકટર AIIMS ના ડીરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા અને મેદાંતાના ચેરમેન ડો.નરેશ ત્રેહાનએ આ બ્લેક ફંગસ કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવા શું ઉપાય કરી શકાય તે અંગે મીડીયાને જાણકારી આપી છે.

બ્લેક ફંગસના લક્ષણો વિશે જાણીએ…..
મેદાંતાના ચેરમેન ડો.નરેશ ત્રેહાનએ મીડીયાને જણાવ્યું હતું કે કોવિડ દર્દીમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસીસના પ્રથમ લક્ષણોમાં દુખાવો, નાક ભરાઈ જવું, ગાલ પર સોજો, મોંઢાની અંદર ફૂગ અને પાપણો સોજી જવી વગેરે લેખાવી શકાય છે. બ્લેક ફંગસથી બચવા માટે કડક તબીબી સારવારની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટીરોઇડનો વિવેકપૂર્ણ ઉપયોગ અને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું એ બ્લેક ફંગસને નિયંત્રિત કરવાના ઉપાય છે.

સ્ટીરોઇડનો વધુ પડતો ઉપયોગ કારણ
મીડીયાને ડો.ગુલેરીયાએ કહ્યું કે હાલમાં કોવિડ દર્દીઓમાં બ્લેક ફંગલ ઇન્ફેક્શનનો વ્યાપ વધ્યો છે. અનિયંત્રિત ડાયાબિટીઝ અને કોરોનાથી ચેપ લાગવાથી મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસનું જોખમ વધી શકે છે. કોરોનાના બીજા કહેરમાં કોરોનાની સારવારમાં સ્ટીરોઇડનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રોગના હળવા અને વહેલા લક્ષણ ન દેખાય તો પણ આપવામાં આવતું સ્ટીરોઇડ અન્ય સંક્રમણનું કારણ બની શકે છે. જો લક્ષણો ન હોવા છતાં દર્દીને વધુ પ્રમાણમાં સ્ટીરોઇડ આપવામાં આવે તો તેઓને હાઈ બ્લડ સુગર લેવલ અને મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસ લાગવાનું જોખમ વધી શકે છે.

આ ઘાતક બીમારીથી કેવી રીતે બચી શકાય?
ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આપણે તેને અટકાવવાના ઉપાયો પર કામ કરવું પડશે. બ્લડ સુગર લેવલ પર સારું નિયંત્રણ રાખવું જોઈએ. જે લોકો સ્ટીરોઇડ પર છે, તેઓએ દરરોજ બ્લડ સુગર લેવલ ચેક કરવું અને અને ધ્યાન રાખવું કે સ્ટીરોઇડ ક્યારે આપવું અને તેના કેટલા ડોઝ આપવાના છે. બ્લેક ફંગસ અંગે કરવામાં આવી રેહલા ખોટા દાવાઓ પર વિશ્વાસ ન કરો. બ્લેક ફંગસ વિશે ઘણા ખોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે કાચો ખોરાક ખાવાથી આ રોગ થાય છે પરંતુ આ વાતની સત્યતા અંગે કોઈ ડેટા નથી. ઓક્સિજનના ઉપયોગ સાથે પણ આને કોઈ લેવાદેવા નથી. હોમ આઇસોલેશનમાં રહેતા લોકોમાં પણ મ્યુકોરમાઈકોસીસ જોવા મળ્યો છે.

Leave a Reply

Translate »