સુપ્રીમ કોર્ટે ગણતંત્ર દિવસે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની તપાસની માંગ સાથે કરવામાં આવેલી અરજીઓને રદ કરી દીધી છે. કોર્ટે અરજદારોને સરકાર સમક્ષ અપીલ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં કરાયેલી એક અરજીમાં ઘટનાની તપાસ માટે સેવાનિવૃત્ત જજની અધ્યક્ષતામાં હાઇકોર્ટના બે જજ સાથે ત્રણ સભ્યોની કમિટીની રચનાની માંગ કરાઇ હતી.
સુનવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે સરકાર આની તપાસ કરી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરી રહી છે. ચીફ જસ્ટિસે જણાવ્યું કે, અમે પીએમ મોદીનું નિવેદન પણ જોયું કે, કાયદો તેનું કામ કરશે. આનો અર્થ છે કે, સરકાર પૂછપરછ કરી રહી છે.
કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ દરમિયાન હિંસા થઇ હતી. પ્રદર્શનકારીઓ લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા અને ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો. હિંસામાં ૩૦૦થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા હતા.
આજે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યનની બેંચે આ તમામ અરજીઓ અંગે સુનવણી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ઘટનાની તપાસ માટે સેવાનિવૃત્ત જજની અધ્યક્ષતામાં હાઇકોર્ટના બે જજ સાથે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવે. સાથે જ હિંસા અને તિરંગાના અપમાન માટે જવાબદાર લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે.