સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઘણી જગ્યાઓ પર સમીકરણ બદલાતા જોવા મળ્યા છે. છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક ત્રીજા મોરચા તરીકે ઊભરીને સામે આવી છે. જોકે, કોંગ્રેસનું વજૂદ વધુ જમીનમાં ધસતુ જોવા મળી રહ્યું છે. રાજકીય નિષ્ણાંતો પણ એવી જ વાત કરી રહ્યાં છે. કોંગ્રેસના વ્યક્તિગત સારી છાપ ધરાવનારા ઉમેદવારો જીતી શકે છે બાકીનાનો ઉલાળિયો થઈ જાય એમ છે. સુરતની વાત કરીએ તો કોંગ્રેસે ‘પાસ’ના દમ પર મેળવેલી 36 બેઠકો પૈકી 20થી વધુ બેઠકો ‘આપ’ આંચકી લે તેવી સંભાવના પણ છે. ઉપરાંત આપ ભાજપને બીજી કેટલી જગ્યાએ પણ નડી શકે એમ છે. જોકે, રાજકીય પંડિતો ભાજપનું જ બોર્ડ બનતા જોઈ રહ્યાં છે પણ તેની સામેનો રોષને કારણે વોટિંગ શેરમાં ખૂબ જ મોટો ફટકો પડે તેવું કહીં રહ્યાં છે અને ઘણી જગ્યાએ આજ બાબત તકલીફ ઊભી કરનારી સાબિત થાય તેવું કહીં રહ્યાં છે.
શું કહે છે, સિનિયર મોસ્ટ પત્રકારો અને રાજકીય પંડિતો?
શહેરના સિનિયર મોસ્ટ પત્રકાર વિક્રમભાઈ વકીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પોતાનો મત વ્યક્ત કરતા અમને જણાવ્યું કે, ગઈ કોર્પોરેશનના ઈલેક્શને થયેલા મતદાનની આસપાસ જ આ વખતનું મતદાન પણ થયું છે. જોકે, આ વખતે ભાજપ વિરુદ્ધનો રોષ લોકોમાં હતો. લોકડાઉન અને દંડ સહિતની બાબતોથી લોકો ખફા દેખાતા હતા. જેથી, ભાજપના કમિટેડ વોટર્સ આ વખતે મતદાનથી અળગા રહ્યાં હોઈ એવું લાગી રહ્યું છે. જોકે, એક વાત છે કે તેઓએ મત બીજી પાર્ટીને ન આપ્યો હોય અને ભાજપને પણ ન આપી નારાજગી વ્યક્ત કરી છે. જેથી, ભાજપને વધુ બેઠક મળે તેવું નહીં બને. કદાચ ભાજપના વફાદારોએ ત્રણ ટર્મ અને 65થી ઉપરનાવાળી નીતિના વિરોધમાં નિષ્ક્રિયતા દાખવી છે અને તે મત આપ જેવી પાર્ટીને ગયા હોય તો આપની બેઠકો સારી આવી શકે છે. બીજી તરફ, કોંગ્રેસ તો પાર્ટી તરીકે લડતી જ નથી. વ્યક્તિગત ઉમેદવારો પોતાના પરર્ફોમન્સ પણ ચૂંટણી લડે છે. જેથી, આ વખતે તેમા તૂટફૂટ વધુ જોવા મળશે . પાસની નારાજગી પણ નડશે. આપને પાટીદાર સમર્થનવાળા વિસ્તારોમાં સારું સમર્થન મળ્યું હોવાનું સ્પષ્ટ છે. જેથી, તે કોંગ્રેસની જ સીટો આંચકશે તેવું બની શકે છે.
અન્ય એક સિનયર પત્રકાર દિનેશભાઈ અનાજવાળાએ જણાવ્યું કે, આખરી એક કલાકમાં આશ્ચર્યજનક રીતે વોટિંગ ખૂબ જ વધ્યું છે , તેના પર આખો દારોમદાર છે. બોર્ડ જરૂર ભાજપનું બનશે પણ તે વધુ સીટો સાથેનું બને તેવું ન કહીં શકાય. નરેન્દ્ર મોદીની નો રિપિટેશન જેવી ફોર્મુલા લાવવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગયા પણ મતદાન જોતા તેઓ ફાવ્યા હોય તેવું લાગતું નથી. પાટીલને પેજ પ્રમુખવાળી વાત પણ સારું મતદાન કરાવવામાં સફળ થઈ નથી. ભાજપમાં આમ તો દરેક એનાલિસીસ મોદી અને શાહ સમક્ષ જતુ હોવાથી તેઓએ ગુજરાતમાં સક્રિયતા વધારવાના આયોજનો કર્યાહતા. ભાજપ પાસે પૈસો, સંગઠન, સત્તા અને યોગ્ય આયોજન હોવાથી તેમના તરફ માહોલ ઊભો કરવામાં તેઓ સફળ રહે છે, બાકી એન્ટી ઈન્કમબન્સી, કોરોના દરમિયાનનો રોષ વધુ તકલીફ ઊભો કરનારો બની રહેતે. બીજી તરફ, જોઈએ તો કોંગ્રેસમાં કોઈ દમ જ રહ્યો નથી. તેમના સિનિયર નેતા પાર્ટીને ચલાવવા કરતા વ્યક્તિગત રેસમાં વધુ લાગેલા રહે છે જેનાથી, ટિકિટો ફાળવણીમાં પણ બેલેન્સ જળવાતુ નથી. સુરતની વાત કરીએ તો વિજય પાનસેરિયા જેવા ખૂબ જ એક્ટિવ અને સફળ નગરસેવકને હુંસાતુંસીમાં રિપીટ નથી કર્યાં. તેવું દરેક જગ્યાએ થયું. સિનિયર નેતાઓએ આખુ માળખુ રફેદફે કર્યું. જેનો ફાયદો કતારગામ, વરાછામાં સીધી રીતે આપને થઈ શકે છે. જોકે, આપ ખૂબ જ મોટો પક્ષ બનીને ગુજરાતમાં ઊભરી નહીં શકે. આપ પાસે દિલ્હીમાં કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા મોટા નેતા છે પણ ગુજરાતમાં નથી. ગોપાલ ઈટાલિયા પ્રદેશ પ્રમુખ છે પણ તે ધીરગંભીર નથી. ભૂતકાળમાં કનુ કલસરિયા જેવા સ્વચ્છ છબિના આપના નેતાની પણ સ્વીકૃતિ ગુજરાતે કરી નથી. બીજી તરફ, ભાજપના કાર્યકર્તાઓમાં પણ નારાજગી હતી. ઘણાં કાર્યકરો નિષ્ક્રિય રહ્યાં . જેની અસર મતદાન પર પડી છે. લિંબાયત જેવા વિસ્તારમાં પણ ભાજપને તકલીફ પડી શકે છે. જોકે પશ્ચિમ વિધાનસભામાં તમામ બેઠક ભાજપ કબજે કરી શકે છે. રાંદેર વિસ્તારના જ એક સિનિયર કોંગ્રેસી નેતાએ પણ નામ ન આપવાની શરતે કહ્યું કે, રાંદેર ઝોનમાં સમ ખાવા પુરતી એક સીટ પણ કોંગ્રેસને મળે તેવુ લાગતું નથી. જોકે, ઘણી જગ્યાએ ક્રોસ વોટિંગ થયું છે હવે તેનો લાભ ભાજપ સિવાયના કયા પક્ષને મળે જે તે કહેવું મુશ્કેલ છે.