લોકડાઉન દરમિયાન હજ્જારો ગરીબોને રોજ ભોજન , પશુ-પંખીઓ માટે પણ અલાયદી વ્યવસ્થા કરનારા તેમજ કોવિડ કેર સેન્ટર શરૂ કરી કોરોના દર્દીઓને ઉચ્ચકક્ષાની વિના મુલ્યે સારવાર કરનારા પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ હજી પણ રાજકીય ઈચ્છાશક્તિથી ઉપર જઈ માનવીય અભિગમ અપનાવી રહ્યાં છે. હવે શહેરમાં વેક્સિનેશનની જરૂરિયાતને જોતા તેઓના માર્ગદર્શન હેઠળ અડાજણ દિવાળી બાગ, કોમ્યુનિટી હોલ ખાત સંપ્રતિ કોવિડ ફ્રી વેક્સિનેશન સેન્ટર ખુલ્લુ મુક્યું છે. તેનું ઉદ્ઘાટન નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે થયું છે. તેમાં પ્રથમ વેક્સિન નગરસેવક કેતન મહેતાએ લીધી હતી. આ વેક્સિનેશન સેન્ટરમાં કોરોના વેક્સિનની વ્યવસ્થા સરકારી વિભાગ કરશે જ્યારે બાકીની તમામ વ્યવસ્થા શ્રી જૈન શ્વે. મૂ. પૂ. યુવક મહાસંઘ – સુરત દ્વારા કરવામાં આવી છે. બે દિવસમાં 50 લોકોએ અહીં વેક્સિનેશનનો લાભ લીધો છે.
વોર્ડ નં.૧૧ (અડાજણ – ગોરાટ) ના પ્રજાજનો સહિત શહેરના તમામ પ્રજાજનો માટે આ ફ્રી વેક્સિનેશન સેન્ટરમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને લાભ લઈ શકશો. હાલ 50થી વધુની વય ધરાવતા અને વિવિધ બિમારી ધરાવનારા વ્યક્તિઓ વેક્સિન સરકારના નિયમ મુજબ મુકાવી શકશે. સંઘ દ્વારા અહીં વેઇટિંગ રૂમની વ્યવસ્થા, ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા, વેઇટિંગ રૂમમાં ગુરૂ ભગવંતોના પુસ્તકો, દૈનિક પેપર, ટેલિવિઝનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
તમામ પ્રકારની સુવિધાયુક્ત આ ફ્રી વેક્સિનેશન સેન્ટરનો શહેરના પ્રજાજનો વધુમાં વધુ લાભ લે તે માટે પૂર્વ ડે. મેયર નિરવભાઈ શાહ, કોર્પોરેટર કેતનભાઈ મહેતા અને યુવક મહાસંઘના પ્રમુખ નિતિનભાઈ શાહ અને મંત્રી ચંપકભાઈ ધરૂએ અનુરોધ કર્યો છે. આ પ્રસંગે કોર્પોરેટર કેતન મહેતા, કોર્પોરેટર કેયૂરભાઈ ચપટવાલા ઉપસ્થિત રહ્યાં હતા.