બ્લડ ગ્રુપ મેચ થતા તાત્કાલિક પ્લાઝમા ડોનેટ કરી પૂર્વ મેયરે માનવતા મહેકાવી
- રાજા શેખ, સુરત – 98980 34910
નામ ‘જગદીશ’. ખરેખર તેઓ ઈશ્વરના રૂપ સમા ‘જગદીશ’ બન્યા. આમ તો ડોક્ટર જીવ પણ રાજકીય ભૂમિ પર તેઓ લાંબા સમયથી છે. આખાબોલા ભલે પણ સહજ, સરળ વ્યક્તિત્વ. પ્રજાહિત માટે હંમેશા ઊભા રહેવામાં માનતા. કદાચ ક્યારેય પાર્ટીને આધિન રહેવું પડે પરંતુ લોકોને સાંભળીને નિરાકરણ લાવવામાં વધુ રસ. શહેરના પૂર્વ મેયર જગદીશ પટેલની અહીં વાત થઈ રહી છે. તેઓ આજે 11 દિવસની બાળકી કે જે કોરોના સામે જંગ લડી રહી છે, તેના માટે પ્લાઝમા દાન કર્યું અને નામ જેવુ જ વર્તન કરીને ‘જગદીશ’ની ભૂમિકા નિભાવી હોવાનું કહીં શકાય. તેમનું બ્લડ આ બાળકી સાથે મેચ થયું અને તેઓ તત્કાળ પ્લાઝમાં ડોનેટ કરવા પહોંચી ગયા. નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત ૧૧ દિવસની બાળકીની વ્હારે આવી તેને નવજીવન આપવા તેમણે પ્લાઝમા ડોનેટ કર્યું અને માનવતાની મિશાલ પૂરી પાડી. ઉલ્લેખનીય છે કે તેઓ પોતે ડોક્ટર છે અને પાછલા વર્ષે કોરોના પીકમાં તેઓ લગાતાર એક્ટિવ રહ્યાં. સત્તા પર હતા પરંતુ તેમણે ઓર્ડર આપવાને બદલે ફિલ્ડ વર્ક કર્યું. ત્યાં સુધી કે તેઓ સ્મીમેર હોસ્પિટલમાં રોજ શ્રમ દાન કરતા અને દર્દીઓને ચકાસતા પણ હતા. આ ડ્યુટી તેઓએ જાતે ફિક્સ કરી હતી. બાદમાં તેઓ પણ સંક્રમિત થયા હતા.
શું કહે છે ડોક્ટર જગદીશ પટેલ…
ડો. જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘એક દિવસ પહેલા સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે સુરતમાં માત્ર ૧૧ દિવસની નવી જન્મેલી બાળકી કોરોના સંક્રમિત હોવાની સાથે તેના માતા-પિતા પણ સંક્રમિત છે. બાળકીની સારવાર માટે વ્યવસ્થાતંત્ર અને સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલના તબીબો સતત પ્રયત્નશીલ છે, એવામાં એક સાથી મિત્ર દ્વારા જાણવા મળ્યું કે ૧૧ દિવસની બાળકીને B +ve બ્લડ ગ્રુપ પ્લાઝમાની જરૂર પડી છે. સદ્દભાગ્યે મારુ બ્લડગ્રુપ B +ve છે, અને હું પણ ગત નવેમ્બર મહિનામાં કોરોના સંક્રમિત થયો હતો. જેથી મારા પણ એન્ટિબોડી ડેવલપ થયા હશે એમ માનીને રિપોર્ટ કરાવતાં પ્લાઝમાં ડોનેટ કરવાના બધા જ પેરામિટર મેચ થતા હતા. જેથી સ્મીમેર હોસ્પિટલની પ્લાઝમા બેન્કમાં ૧૧ દિવસની નાનકડી બાળકી માટે પ્લાઝમા ડોનેટ કરી મદદરૂપ થયો છું. મને સંપૂર્ણ આશા છે કે બાળકી કોરોનાને હરાવી હસતી-ખેલતી અને સ્વસ્થ થઈ જશે.’
તેમની અપીલ..
પૂર્વ મેયર ડો. જગદીશ પટેલે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, હાલમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે, કેસો પણ વધી રહ્યાં છે, ત્યારે કોરોનાથી સ્વસ્થ થયેલ દરેક વ્યક્તિએ અવશ્ય પ્લાઝમા ડોનેટ કરવા જોઈએ, જેથી અન્ય સંક્રમિત વ્યક્તિને બચાવવામાં સહાયરૂપ બની શકાય.
નોંધનીય છે કે, ડાયમંડ હોસ્પિટલમાં માતાની પ્રસુતિ થતાં આ બાળકીનો જન્મ થયો હતો, ત્યારબાદ કોવિડ રિપોર્ટમાં બાળકી પોઝિટીવ આવી હતી. હાલ આ નાનકડી બાળકી વેન્ટીલેટર પર છે, જેને સ્વસ્થ કરવાં રેમડેસિવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું છે. પ્લાઝમા થેરાપી વડે બાળકીને સ્વસ્થ કરવાં તબીબો આશાવાદી છે.