દેશની સાથોસાથ ગુજરાતમાં પણ અચાનક કોરોનાનું સંક્રમણ વધી ગયુ છે અને આરોગ્ય ક્ષેત્રે અરાજકતા ફેલાય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને તેની વધુ સુનાવણી આજે કરી હતી. રિપોર્ટ મુજબ હાઈકોર્ટે રેમડિશિવિર ઈન્જેક્શનો, આરટીપીસીઆર ટેસ્ટ, ઓક્સિજન સહિતની અવ્યવસ્થાઓને લઈને હાઈકોર્ટની બેન્ચે સરકારો પર અનેક સવાલોનો મારો ચલાવ્યો હતો. વળતો જવાબ આપતા સરકાર વતી એડવોકેટ જનરલ પર પણ હાઈકોર્ટે આકરી પ્રતિક્રિયા આપી હતી અને ઝડપી વ્યવસ્થા ઊભી કરવા ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, 15 માર્ચથી કેસો વધવાના શરૂ થયા જે રોકાતા નથી. રાજ્ય સરકાર પગલાં નથી લઈ રહી એવું અમે નથી કહેતા, પણ જે રીતે પગલાં લેવા જોઈએ, જે ધક્કો આપીને કામ થવું જોઈએ એ થયું નથી. એડવોકેટ જનરલે કહ્યું, કોરાની વકરતી જતી સ્થિતિનો રાજ્ય સરકારને ખ્યાલ છે. આ પહેલાની જાહેર હિતની અરજીમાં અમે માસ્ક બાબતે, હોસ્પિટલોમાં બેડ વધારવા બાબતે વિજિલન્સ વધારવા માટે સૂચનો આપ્યા હતા. આમ છતાં કોરોનાની સુનામી દેખાય છે. અમે આપેલા સૂચનો ઉપર રાજ્ય સરકારે ઠોસ પગલાં લીધા હોય તેવું લાગતું નથી.
રેમડેસિવિરની આડઅસરો વિશે જણાવો અને ઓપન લેટર જાહેર કરો
ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું, માત્ર સરકાર જ નહીં ઉત્પાદકોને પણ લાગ્યું કે કોરોનાની લહેર ઓછી થઈ છે માટે રેમડેસિવિરનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું, રેમડેસિવિર ક્યારે કોને, કઈ રીતે અને કોના સુપરવિઝનમાં આપવા તે બાબતે આપે પોતાના સોગંદનામામાં કંઈ કહ્યું નથી. રેમડેસિવિર લઈ લેશે તો અમૃત લીધું હોય એમ લોકો બચી જશે તે પ્રકારની વાત ચાલી હોય તો ઇન્જેક્શન બાબતે તમારે ઓપન લેટર જાહેર કરવો જોઈએ. રેમડેસિવિરથી શરીરમાં થતી આડઅસરો વિશે પણ જાણ કરવી જોઈએ. એડવોકેટ જનરલે કહ્યું, 1 થી 12 એપ્રિલ વચ્ચે રાજ્યને ચાર લાખ રેમડેસિવિર મળ્યા હતા. જેમાં સરકાર અને ખાનગી ક્ષેત્રમાં વહેંચણી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું, જે દર્દીઓને જરૂરિયાત છે તેમના માટે પૂરતા ઇન્જેક્શન ઉપલબ્ધ છે એવું નિવેદન આપો છો તો સોગંદનામા પર શા માટે નથી કહેતા? એડવોકેટ જનરલે કહ્યું. જો ડોક્ટરો આડેધડ પ્રિસ્ક્રિપ્શન લખશે તો પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં હોય.
RT-PCR ટેસ્ટની સુવિધા ઘણા જિલ્લાઓમાં નથી, લોકો શહેર પર નિર્ભર, તે માટે શું કરો છો ?
હાઈકોર્ટમાં કોરોના ટેસ્ટ મુદ્દે દલીલ થઈ હતી. જેમાં સરકારે કહ્યું કે, ગઈકાલથી ડ્રાઈવ થ્રૂ ટેસ્ટ શરૂ કર્યા છે. 2000 જેટલા ટેસ્ટ કર્યા, જેના પરિણામ 10 થી 24 કલાકમાં આપ્યા છે. કોર્ટે પૂછ્યું ટેસ્ટિંગનો સમય ઘટાડવા શું કરી રહ્યા છો ? જેના જવાબમાં એડવોક્ટ જનરલે કહ્યું- હાલ વધારે સમય લાગી રહ્યો છે. 24 કલાકમાં રિપોર્ટ મળે તેના પ્રયાસ કરી રહ્યા છીએ અને બે થી ત્રણ દિવસમાં આ વ્યવસ્થા ઉભી કરાશે. કોર્ટે પૂછ્યું કે, શું દરેક જિલ્લાઓમાં આરટીસીપીસીઆર ટેસ્ટ થઈ શકે તે માટે લેબોરેટરીઓ છે? એડવોકેટ જનરલે કહ્યું. ડાંગ સિવાય બાકી બધા જિલ્લામાં લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. જોકે, કોર્ટે નવા બનેલા જિલ્લાઓમાં સુવિધા ન હોવાની ટકોર કરી હતી. ઘણાં જિલ્લાઓ શહેર પર આધારિતિ હોવાનું પણ કોર્ટે ટાંક્યું હતું. કોર્ટે કહ્યું રેપીડ ટેસ્ટ માટે તો તમારી જોડે બધી વ્યવસ્થા છે… પણ આર ટી પી સી આર ટેસ્ટ માટે શું કરી રહ્યા છો? કોર્ટે આ પહેલા આરટીપીસીઆર અંગે કરેલી ટકોર બાદ પણ તમામ જિલ્લાઓમાં પુરતી વ્યવસ્થા ઊભી કરાય ન હોવાની ટકોર પણ કરી હતી.
53 ટકા બેડ ખાલી હોવાની વાત પર કોર્ટે શંકા વ્યક્ત કરી
એડવોકે જનરલે કહ્યું, 71021 બેડ ઉપલબ્ધ છે. એડવોકેટ જનરલની રજૂઆત પર ચીફ જસ્ટિસે કહ્યું આ આંકડા પર અમને શંકા છે. કોર્ટે કહ્યું કે જો માત્ર 53% બેડજ ઓક્યુપાય થયેલા હોય તો પછી લોકોને બેડ નથી મળતા આવી ફરિયાદ શાના માટે છે? અમને લાગે છે કે તમારી આ રજૂઆત સાચી લાગતી નથી. કોર્ટે એડવોકેટ જનરલને કહ્યું, માત્ર અમદાવાદ પણ નહીં આખા રાજ્યના આંકડા પર ધ્યાન આપવાની જરૂર છે. એડવોકેટ જનરલે કહ્યું, વડોદરા રાજકોટ અને સુરત અને મોરબીમાં પણ વધુ બેડ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
કોર્ટની સવાલોની ઝડી
- ખાલી બેડની જગ્યા બાબતે ડેશ બોર્ડમાં સાચા આંકડાઓ અપડેટ થતા નથી, રિયલ ટાઇમ અપડેટ થવું જોઈએ
- ગ્રામીણ કે બીજા વિસ્તારોમાં RT-PCR લેબોરેટરી 25થી 30 લાખમાં શરૂ થાય છે, જેમને શરૂ કરવામાં રસ હોય તેમને મદદ કરો
- સીટી-સ્કેન સુવિધા અત્યારે ખૂબ જરૂરી છે, લોકોની લાઈનો ખૂબ લાંબી જોવા મળે છે; એના માટે વિચારો.
- RT-PCR ટેસ્ટનો રિપોર્ટ જલદી મળે અને ઓક્સિજનની વ્યવસ્થા ગોઠવો.
- 108 કે એમ્બ્યુલન્સ માટે રાહ ન જોવી પડે એવી વ્યવસ્થા ગોઠવો.
- કોરોનામાં નાના મકાનમાં રહેતા પરિવારને પ્રોબ્લેમ થાય છે, આવા લોકોને રાખવા માટે કોઈ વ્યવસ્થા કરો.
- કોરોના કેસના આંકડા સાચા નથી એટલે જ રેમડેસિવિરની અછત છે; આ પણ બીજું કારણ.
- જે દર્દીને ઓક્સિજનની જરૂર છે તેને દાખલ કરવામાં આવતા નથી, આ સાચું છે?
- ઓક્સિજનનું બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે, અરેજમેન્ટ જલદી કરાવો.
- તમારી ડોકટરોની એક્સપર્ટ ટીમ દ્વારા લોકો સુધી રેમડેસિવિરના વપરાશની સાઈડ ઇફેક્ટની માહિતી પહોંચાડો.
- દરેક તાલુકામાં અને જિલ્લામાં RT-PCR ટેસ્ટ સુવિધા છે?
- GMDCમાં ડ્રાઇવ થ્રુ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કઈ વ્યવસ્થા છે, એમાં કોર્ટને રસ છે.
- અમે આખા રાજ્યની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો.
- તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે?
દરેક ન્યૂઝપેપરમાં બેડ, ઓક્સિજન મળતાં નથી એનો ઉલ્લેખ છે. - 15થી 16 માર્ચ પછી કેસો વધવાના શરૂ થયા, ત્યાર બાદ કોઈ ઘટાડો જોવાયો નથી.
- રાજ્ય સરકાર જે કામ કરી રહી છે એનાથી વધુ કરવાની જરૂર છે.
- હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી.
- તમે જે રેમડેસિવિરની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટમાં નથી.
- WHO કંઈ કહે છે, ICMR બીજું કહે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવર લેવા ફરે છે, આ શું છે ?