સુરતના એક્ટિવિસ્ટ એવા અને હાલમાં જ કોરોના સામેના જંગ જીતેલા સંજય ઇઝાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને એક પત્ર લખીને કોરોનામાં દેખાડવામાં આવતા મૃતકના મૃતદેહનો પીએમ ( પોર્સ્ટમોર્ટમ) કરીને તેનું સાચું કારણ નક્કી કરવા માટે માંગ કરી છે. ઇઝાવાએ ચીફ સેક્રટરી, પ્રિન્સિપાલ સેક્રટરી હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર ડીપાર્ટમેન્ટ, પોલીસ મહાનિર્દેશક, સુરત જિલ્લા કલેક્ટર, સુરત જીલ્લા તથા કમિશ્નર ,સુરત મહાનગર પાલિકા કમિશનરને આ મતલબનો પત્ર લખ્યો છે.
ઘણી હોસ્પિટલો નાણાકિય હેતુ માટે બેફામ કામ કરી રહ્યાં છે અને જીવનું જોખમ ઊભું કરે છે
ઇઝાવા દ્વારા જણાવવામાં આવ્યું કે કોવીડ -19 મહામારીના સંદર્ભમાં મૃત્યુ પામેલ દર્દીઓની ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરી મૃત્યુનું કારણ નક્કી કરવા માટે હાલ કોઈ જોગવાઈ નથી. જેના કારણે ગુજરાતભરમાં ઘણી હોસ્પિટલો અને અઈસોલેશન સેન્ટરો કોવીડના દર્દીઓને સારવાર આપવાના બહાને ફક્ત અને ફક્ત નાણાકીય હેતુ માટે બેફામ કામ કરી રહ્યા છે. દર્દીઓનું યોગ્ય નિરિક્ષણ કર્યા વગર અને સારવાર અંગેના સરકારના કોઈપણ માર્ગદર્શનોનું પાલન કર્યા વગર તથા વધુ પડતા દર્દીઓને દાખલ કરીને યોગ્ય સમયે યોગ્ય નિરિક્ષણ કર્યા વગર જીવનું જોખમ ઉભો કરે છે.
મૃત્યુ બાદ પરિવાર પણ ડરના કારણે આગળ નથી આવતા
કોવીડ -19 અંતર્ગત મૃત્યુ થતા હોવાથી પરિવારજનો પણ આ અંગે વધુ કોઈ તપાસ માટે આગળ આવતા નથી અને પોસ્ટમોર્ટમ વગર ડેડબોડીનું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે. આવા સંજોગોમાં દર્દી કયા કારણસર મૃત્યુ પામેલ છે એ અંગે કોઈ ને ખબર હોતી નથી. એટલા માટે દર્દીઓ સાજા થાય એના કરતા દર્દીઓમાં વધુમાં વધુ દવાઓ, ઇન્જેક્શનો, તથા અન્ય મોંઘી સુવિધાઓ આપવામાં હોસ્પિટલઓમાં અને આઈસોલેશન સેન્ટરવાળા હમેશા વ્યસત હોય છે. આ મૃત્યુદર વધવાનું એક મુખ્ય કારણ હોય શકે છે. જેથી ઉપરોક્ત હકીકતો ધ્યાને લઇ કોવીડ -19 અંતર્ગત મૃત્યુ થઇ રહેલ તમામ દર્દીઓનું પોસ્ટમોર્ટમ અચૂકપણે થવું જરૂરી છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાટે રજુઆત કરવામાં આવી છે.