સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દક્ષિણ ગુજરાતમાં 200 ઓકિસજનયુકત બેડવાળી હોસ્પિટલ બનાવવા માટે નવી દિલ્હીની કંપની બોઇંગ ઇન્ડિયાના પ્રમુખ સલીલ ગુપ્તેને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોનાના દર્દીઓ માટે જ્યારે ઓકિસજનની અછત વર્તાઇ હતી ત્યારે નવી દિલ્હીની કંપની બોઇંગ ઇન્ડિયા કોરોનાના દર્દીઓને કોરોનાથી બચાવવા માટે ભારત સરકારની મદદે આવી હતી અને ઓકિસજનયુકત બેડવાળી હોસ્પિટલ બનાવવાનું કાર્ય આરંભ્યું હતું. બોઇંગ ઇન્ડિયા, દેશમાં ઉત્તરપ્રદેશ અને કર્ણાટક વિગેરે પાંચ જેટલા રાજ્યોમાં 200 ઓકિસજનયુકત બેડવાળી હોસ્પિટલ બનાવવા માટે કામ કરી રહી છે. હાલમાં પણ બોઇંગ ઇન્ડિયા દ્વારા ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે આવેલી વીર બહાદુર સિંઘ સ્પોર્ટ્સ કોલેજ ખાતે 200 ઓકિસજનયુકત બેડવાળી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, ત્યારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે ડાયમંડ, ટેકસટાઇલ, કેમિકલ, રીયલ એસ્ટેટ અને એગ્રી કલ્ચર વિગેરે ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે તેમજ દેશના વિવિધ ખૂણેથી લોકો રોજગાર માટે સુરત આવીને વસ્યા છે ત્યારે મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરની જનતા તેમજ વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોને કોરોનાથી બચાવવા માટે બોઇંગ ઇન્ડિયાને દક્ષિણ ગુજરાતમાં પણ 200 ઓકિસજનયુકત બેડવાળી હોસ્પિટલ બનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.