સુરત શહેરના સિંગણપોર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એપી સલયીયાની બદલી ઈકો સેલમાં થતા તેમને વિદાય સમારોહ આપવા સ્ટાફ દ્વારા આ વિસ્તારના જ કુમકુમ ફાર્મ હાઉસમાં મોટો જલ્સો કર્યો હતો. આઠ વાગ્યે કરફ્યુ લાગી ગયા બાદ યોજાયેલા આ જલ્સાનો વીડીયો કોઈ રીતે સોશ્યલ મીડીયામાં વહેતો થઈ ગયો હતો, પરિણામે પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડી ગયા હતા. ઉપર સુધી આ મામલો પહોંચી જતા આખરે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે તેની તપાસના આદેશ આપ્યા છે, જે તપાસ એસીપી ડી.જે. ચાવડા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ, ઓળખીતાઓ, સ્થાનિક આગેવાનો સહિતના હાજર રહ્યાં હતા અને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ઉપરાંત મોટા સમારોહ યોજવા પર સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ પાબંદી હોવા છતા તેનો પણ ભંગ કરાયો હતો. કરફ્યુ સમયમાં કોઈ પણ સમારોહ યોજી ન શકાતો હોઈ પોલીસે પોતે જ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. આ મામલે સામાન્ય પ્રજાએ ભારે ટીકા કરી હતી. લોકોએ પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા કે, કોઈ સામાન્ય વ્યક્તિ જો કદાચ જરાસરખી ભૂલ કરે તો તેની સામે ગુનો નોંધવામાં આવે છે. દંડ વસૂલવામાં આવે છે. મારમારવામાં આવે છે હવે પોલીસે જ કાયદાના ધજાગરા ઉડાવી રહી છે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા ?

આ મામલે મીડીયાને જણાવતા ડીસીપી ભાવના પટેલે કહ્યું હતું કે, ગઈકાલ રાતે સિંગણપોર પીઆઇની બદલી અંગે સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ચોકી બનાવવા આર્થિક મદદ કરનારા દાતાઓ પણ ઉપસ્થિત હતા. જોકે, કાયદાનું ઉલ્લંઘન મામલે તપાસ સોંપવામાં આવી છે.
હવે જોવું એ રહ્યું કે, તપાસ બાદ ખરેખર કેવા પગલા લેવામાં આવે છે.
અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group