કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન યુપીએસસીમાં ઉત્સુક અને હોનહાર વિદ્યાર્થીઓ માટે બનાવશે હાઈટેક લાઈબ્રેરી
- રાજા શેખ 98980 34910
પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (પીમેટ) અને સુરત ઈસ્લામ યતીમખાના સોસાયટીએ ઉત્સુક અને હોનહાર ગરીબ વિદ્યાર્થીઓ માટે યુપીએસસીની તૈયારી માટેના વર્ગો શરૂ કરવાનું નક્કી કર્યું છે. અઠવાગેટ ખાતે આવેલા યતીમખાના કંપાઉન્ડમાં જ આ વર્ગો શરૂ કરવા માટે 10 જુલાઈ 2021ના રોજ મળેલી બંને ટ્રસ્ટની સંયુક્ત બેઠકમાં નક્કી કરાયું. બેઠકમાં હાજર પીમેટના પ્રમુખ અને કેપી ગ્રુપના સીએમડી ફારુક પટેલે તેમના ખુદના ટ્રસ્ટ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તરફથી યુપીએસસીના વિદ્યાર્થાઓ માટે હાઈટેક લાઈબ્રેરી બનાવી આપવાની જાહેરાત કરી હતી. જેને બેઠકમાં હાજર યતીમખાના સોસાયટીના પ્રમુખ યુનુસભાઈ ચક્કીવાલા, કમિટી સભ્ય કાસીમભાઈ ભામ, રઝીભાઈ, યુનુસ ઠાકુર સહિતના આગેવાનોએ વધાવી લીધી હતી. હાઈટેક લાઈબ્રેરી માટે ચતીમખાનામાં જ જગ્યાની ફાળવણી કરવામાં આવશે અને અહીં જ યુપીએસસીની તૈયારી માટે વિદ્યાર્થીઓના એન્ટ્રેસ ટેસ્ટ લઈને પ્રવેશ અપાશે. ગરીબ હોનહાર બાળકોને વિનામૂલ્યે તૈયારી કરાવવા માટે બંને સંસ્થા કટિબદ્ધ છે. બેઠકમાં પીમેટના ફાઉન્ડર મોહંમદભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, યુપીએસસના વર્ગ માટે 25 જુલાઈ 2021થી રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આખો પ્રોગ્રામ નિવૃત્ત આઈએએસ એચ.એ.બાદી સાહેબ તેમજ નિવૃત્ત જીએએસ એમ.એ. સૈયદ સાહેબ મેનેજ કરશે. વિદ્યાર્થીઓનું સિલેક્સન મેટિર આધારે કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે બોર્ડિંગ અને લોજિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. નોંધનીય છે કે પીમેટ સીએ, એન્જિનિયરિંગ, મેડીકલ-પેરામેડીકલ માટે ગરીબ બાળકોને પહેલાથી જ તક આપતું આવ્યું છે અને તેમાંથી ઘણાં હોનહાર વિદ્યાર્થીઓ પોતાની કરિયર બનાવી આગળ વધ્યા છે. બે વર્ષ પહેલા પીમેટ દ્વારા મુન્સી મનુબરવાળા ટ્રસ્ટ સાથે મળીને યુપીએસસીના ક્લાસ શરૂ કર્યા છે. સાથોસાથ તેઓ ગિફ્ટેડ-30 નામનું એજ્યુકેશન મોડલ પણ ચલાવી રહ્યાં છે.