પુત્રના લગ્ન પ્રસંગે સુરતના ઉદ્યોગપતિએ દિવ્યાંગો અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ફાઈવસ્ટાર હોટલમાં બોલાવી પ્રેમથી જમાડ્યા

  • રાજા શેખ,સુરત

‘‘ જે માણસાઈથી મઢેલી હોય છે, તે ઝૂંપડી પણ હવેલી હોય છે’’

ઘણી એવી શખ્સિયત હોય છે તે એવા સતકર્મો કરે છે કે જેનાથી ઈશ્વર પામી શકાય તેવા આશિર્વાદ મળે છે. કહેવાય છે ને કે માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં. તમારી ગમે તેટલી હેસિયત હોય પણ તમારા દિલમાં માણસાઈનું ટીપુંય ન હોય તો તે હેસિયત રદ્દી સમાન જ કહી શકાય. સુરતમાં આવી જ માણસાઈ દેખાડતો, માનવીય અભિગમનો કિસ્સો સામે આવ્યો.

સામાન્ય રીતે કોઈના ઘરમાં પ્રસંગ હોય તો ગરીબોને જમાડી દે છે અથવા જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડી દે છે પરંતુ સુરતમાં એક ઉદ્યોગપતિ ફારુક પટેલ(કેપી)એ પોતાના પુત્ર અફ્ફાન પટેલના નિકાહ 6 ઓગષ્ટે થયા બાદ પુત્રવધુ શબા અમીનને પોતાના ઘરમાં આવકારવા માટે એક નોખો કાર્યક્રમ કર્યો. સુરતના ઈતિહાસમાં કદાચ પહેલીવાર આવું બન્યું હશે કે કોઈએ લગ્ન પ્રસંગે ડિસેબલ (દિવ્યાંગો), લાચાર બાળકો તેમજ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ફાઈવસ્ટાર કહેવાતી મેરિયોટ હોટલમાં આમંત્રિત કર્યા અને તેમને આદરપૂર્વક હોટલ લાવવાની વ્યવસ્થા કરી. તેમના માટે સંગીત વિશેષજ્ઞોની સાથે ખૂબ મનોરંજન પણ પુરું પાડ્યું. ગીતો ગવડાવ્યા. ગરબા રમાડ્યા.

શું કહે છે, દિવ્યાંગો અને વૃદ્ધો સાંભલો આ વીડીયોમાં….

 સોલાર અને વિન્ડ એનર્જી ક્ષેત્રે કામ કરતી કંપની કેપી ગ્રુપના સીએમડી ફારુક પટેલ, નવ દંપત્તિ તથા તેમના પરિવારજનો, મિત્રો અને કંપનીનો સ્ટાફ આ સતકર્મમાં તેમની સાથે જોડાયા અને તેઓએ જાતે આ વૃધ્ધાશ્રમના વૃધ્ધોની પોતાના સગા મા-બાપની જેમ સેવા કરી. વિકલાંગ બાળકોની સેવા કરી. પોતાના હાથે જમાડ્યા. પુત્ર અફ્ફાનના નિકાહ કરવાનું નક્કી કરાયું અને તેમાં સૌથી પહેલા આ સેવાકીય કાર્યક્રમ નક્કી કરાયો. નિકાહના દિવસ 6 ઓગષ્ટે પણ સૌથી પહેલા યતીમખાનાના બાળકોને ભોજન પહોંચાડાયું અને બાદમાં જ પરિવારજનોએ મોંઢામાં કોળિયો મુક્યો.

ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ, અંબિકા નિકેતન અને મોઢેશ્વરી સમાજે કહ્યું કે આટલી ઈજ્જત અમને ક્યારેય મળી નથી!

પદ્મ શ્રી કનુભાઈ ટેલરના ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટમાંથી 150 જેટલા દિવ્યાંગ બાળકો મેરિયોટ હોટલ લવાયા હતા. જ્યારે અંબિકા નિકેતન વૃદ્ધાશ્રમ અને મોઢેશ્વરી વૃદ્ધાશ્રમ મળીને 90 જેટલા વૃદ્ધો પણ હોટલ પર લવાયા હતા. ફારુક પટેલના પરિવારજનો અને મિત્રોએ તેમની ભવ્ય રીતે આગતા સ્વાગતા કરી હતી. પરિવારના સભ્યોએ પોતાના હાથેથી ભોજન કરાવ્યું. ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી અને પદ્મશ્રી કનુભાઈ ટેલરના પુત્રી રચનાબેને આ તબક્કે કહ્યું કે, 25 વર્ષથી અમારું ટ્રસ્ટ કાર્યરત છે પણ આવી ઈજ્જત અમને ક્યારેય પણ મળી નથી. અમારા બાળકોને ફાઈવસ્ટાર હોટલમાં બોલાવીને જમાડાય અને તેમની આગતાસ્વાગતા થાય તેવું ઈતિહાસમાં પહેલીવાર બન્યુ છે. મોઢેશ્વરી વૃધ્ધાઆશ્રમના સંચાલક રાજુભાઈ ભગતએ કહ્યું હતું કે, આમ તો વૃધ્ધાશ્રમમાં વૃધ્ધો કોઈ મજબૂરી કે પરિવારના ત્યજવાને કારણે આવતા હોય છે. કદાચ કોઈ પરિવાર પ્રેમ ન આપે તેવો પ્રેમ, સન્માન, આદર ફારુકભાઈના પરિવાર તરફથી અમને મળ્યો છે. અંબિકા નિકેતનના મેનેજર મેહુલભાઈ સોલંકી તરફથી બોલતા એક દંપત્તિએ કહ્યું હતું કે, આટલી આગતાસ્વાગતા અમને પરિવારમાં પણ નથી મળી. આ પળ અમને રોજ સપનામાં આપશે. આ પ્રસંગે ફારુકભાઈ તથા તેમના પરિવાર અને મિત્રો ભાવુક થઈ ગયા હતા અને ઈશ્વરથી દુઆ ગુજારી હતી કે દુનિયામાં કોઈ પણ વૃદ્ધોએ તકલીફમાંથી ન ગુજરવું પડે.

દરેક ટ્રસ્ટને એક-એક લાખનું દાન આપ્યું, બે દિવ્યાંગ બાળકોને સી.એ. બનાવવાની જવાબદારી ઉઠાવી

ઉદ્યોગપતિ ફારુક પટેલના ટ્રસ્ટ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ, અંબિકા નિકેતન વૃદ્ધાશ્રમ તેમજ પાલના મોઢેશ્વરી વૃધ્ધાશ્રમને એક-એક લાખ રૂપિયાનું ડોનેશન પણ આપવામાં આવ્યું. ઉપરાંત બે સી.એ. બનવા ઈચ્છુક દિવ્યાંગ બાળકોને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવાની જવાબદારી પણ ફારુકભાઈએ ઉપાડી લેવાની જાહેરાત કરી. આવનારા તમામ વિકલાંગ બાળકો તેમજ વૃધ્ધોને રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી. આ પળે ઘણાં વૃદ્ધો ખૂબ જ રડ્યા હતા. તેમની સાથે પુરો કેપી પરિવાર પણ ભાવુક થઈ ગયો હતો. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તરફથી આખુ આયોજન ઈરફાનભાઈ મોમ્બાસાવાળા, આશિષભાઈ મીઠાણી, શાહીદુલ હસન, જનકભાઈ ટેલર, સોહેલ ડભોયા , રફીક બર્મા, સરફરાઝ પટેલ અને ઈમરાન પટેલે કર્યું હતું. કાર્યક્રમમાં વિશેષરૂપે પૂર્વ ડેપ્યુટી મેયર નિરવભાઈ શાહ અને ઈન્ટુકના પ્રમુખ નૈષધ દેસાઈ પણ જોડાયા હતા.

Leave a Reply

Translate »