રાજય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના દાંત વિભાગને આપવામાં આવેલું રૂા.૧૮ લાખના ખર્ચે અદ્યતન ઓ.પી.જી.ડિઝીટલ એકસરે મશીનનું ધારાસભ્ય હર્ષ સંધવીએ ઉદ્દધાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સિવિલમાં રોજના ૨૫થી વધુ દાંતના દર્દીઓને આ મશીનથકી અદ્યતન સારવાર ઉપલબ્ધ બનશે. આ અવસરે ધારાસભ્યશ્રીએ સિવિલના રેડિયોલોજી વિભાગને બે ડિઝીટલ એકસ-રે મશીન ખરીદવા માટે પોતાની ધારાસભ્યની ગ્રાંટ આપવાની જાહેરાત કરી હતી. એક એકસ-રે મશીન અંદાજીત રૂા.૧૦ થી ૧૨ લાખની કિંમતનું મળે છે. હવે ધારાસભ્યશ્રીની ગ્રાંટ મળવાથી સિવિલને બે નવા એકસ-રે મશીનો ઉપલબ્ધ થશે.
દાંત વિભાગને મળેલા અદ્યતન મશીનથકી દાંતના જડબાનો ચેપ, દાંતનો સડો, ડાપણ ડાધ, રૂટ કેનાલ, અકસ્માતના કિસ્સાઓમાં જડબાને થયેલી ઈજાઓનું ચોક્કસ નિદાન કરી સારવાર માટે આ મશીન અત્યંત ઉપયોગી બનશે. આ ઉપરાંત મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સારવાર માટે આ મશીન આશીર્વાદ રૂપ બનશે.
આ પ્રસંગે મેડીકલ કોલેજના ડીન. ડો.ઋુતબરા મહેતા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોલવેલકર, રેડિયોલોજી વિભાગના વડા ડો.પૂર્વી દેસાઈ, આર.એમ.ઓ. કેતન નાયક, ગુજરાત નર્સિગ કાઉન્સીગના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, દિનેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.