સીએમ ફંડમાંથી 5 લાખની સહાય ને સુરતીનું થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ

આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા પરિવારો માટે અણધાર્યો ખર્ચ આવી પડે ત્યારે પરિવાર નાસીપાસ થઈ જાય છે. આવા સમયે રાજ્ય સરકારની યોજનાઓ આશીર્વાદરૂપ બનતી હોય છે. સુરત ડુમ્મસના ગૌરવભાઈ પટેલ માટે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડે જીવનપથનો નુતન અવસર આપ્યો છે. બ્લડ કેન્સરથી પીડાતા ગૌરવભાઈ પટેલનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાતાં પરિવાર માટે આફતનો સમય અવસરમાં પલટાયો છે. રૂા.પાંચ લાખની સહાયે ગરીબ પરિવારના યુવાનને નવજીવન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી આર્થિક સ્થિતિ સારી ન હોય એવા પરિવારના સભ્યોને ગંભીર બિમારીની સારવાર માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
ગૌરવભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના લોકસેવા વિભાગમાં બેલદાર તરીકે નોકરી કરે છે. તેઓ જણાવે છે કે, ‘છેલ્લા એક વર્ષથી બ્લડ-કેન્સરથી પીડિત છું. કેન્સરના કારણે શારીરિક સ્થિતિ વધુ કથળતાં ડોક્ટરોએ છેલ્લા વિકલ્પ તરીકે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે જણાવ્યું હતુ. ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઘણો થાય તેમ હતો. પિતા હ્રદયની બિમારીના કારણે નોકરી કરવાં માટે સક્ષમ ન હોવાથી પોતાની નોકરી છોડી દીધી હતી. જેથી પરિવારના ભરણપોષણની મારી જવાબદારી વધી ગઈ.

આરોગ્યમંત્રી કાનાણીએ કરી ભલામણ

https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/06172416/kumar-kanani.jpg?impolicy=abp_cdn&imwidth=640
ગૌરવભાઈના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ કરવો અશક્ય હતો. આ દરમિયાન સમાજસેવી સમીરભાઈ બોઘરા પાસેથી “મુખ્યમંત્રી રાહત નિધિ” વિશે જાણવા મળ્યું. તેમણે આરોગ્ય રાજ્યમંત્રી કુમારભાઈ કાનાણીનો સંપર્ક કર્યો. તેઓએ સ્થિતિ સમજીને વિનાવિલંબે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂ.પાંચ લાખની સહાયની ભલામણ કરી આપી અને તુરંત જ રાજ્ય સરકાર તરફથી સહાય મંજુર કરવામાં આવી છે.
ગૌરવભાઈના ભાઈ દેવાંગ પટેલે જણાવ્યું કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા ખુબ જ લાંબી હોય છે, લોહીના કેન્સર, થેલેસેમિયા તથા જન્મજાત થતાં કેટલાક રોગોમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર કારગર નિવડે છે. જેથી કેન્સરની સારવારના ભાગરૂપે ઓપરેશન પહેલા તેમની બે વાર કિમોથેરાપી કરવામાં આવી. ભાઈને મારા એચ.એલ.એ-સ્ટેમસેલ મેચ થઈ જતાં મેં સ્ટેમસેલ આપ્યાં અને ૨૪ સપ્ટેમ્બરના રોજ અઠવા ગેટ પાસે આવેલી મહાવીર હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું. રાજ્ય સરકારની સહાય અમને ખુબ ઉપયોગી સાબિત થઈ છે.
ગૌરવભાઈનો પરિવાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય વિભાગનો આભાર માને છે.
નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવાર માટે મુખ્યમંત્રી રાહતનિધિ યોજના ઉપયોગી બની રહી છે.

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ શું છે?

હાડકાની અંદર રહેલાં માવાને એટલે કે હાડકાના પોલાણમાં રહેલા સ્પંજ જેવા ટીસ્યુને બોનમેરો કહે છે. બોનમેરો છાતીના હાડકામાં, ખોપરીમાં, થાપામાં, પાંસળીમાં અને કરોડરજ્જુમાં હોય છે. જેમાં રહેલા સ્ટેમ સેલ્સ લોહીના કણો બનાવે છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટમાં હાડકાના માવાને બદલવામાં આવે છે. જેના માટે બોનમેરો દાતાની જરૂર પડે છે અને HLA બ્લડ ટેસ્ટ કરવો પડે છે. માનવશરીરના કોષમાં હ્યુમન લ્યુકોસાઈટ એન્ટીજન(એચ.એલ.એ) આવેલા હોય છે. એચ.એલ.એ મળતા આવે તો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. મોટા ભાગે દર્દીના સગા ભાઈ-બહેનની જ બોનમેરો મેચ થાય છે. એચ.એલ.એ. સો ટકા મેચ થતું હોય તો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સફળ થવાની શક્યતા વધારે હોય છે.

Leave a Reply

Translate »