સુરત જિલ્લામાં કેટલીક જગ્યાએ ખેડૂતોના બંધની અસર જોવા મળી, અટકાયત

કૃષિ વિરોધી ત્રણ કાયદાઓ,વિજળી બિલ 2020,નવા મજૂર કાયદાઓ, તથા નવી શિક્ષણ નીતિ ની વિરુદ્ધમાં સંયુક્ત કિસાન મોર્ચા દ્વાર આપવા આવેલ આદેશ મુજબ ગુજરાત સમન્વય સમિતિના કન્વીનર દ્વારા ગુજરાતમાં પણ તા.27/09/2021 ના ભારત બંધ ના એલાન માં પોતાની સ્વેચ્છાએ બિનરાજકીય રીતે ખેડૂતોના હિતમાં આપવામાં આવેલા ભારત બંધના એલાનમાં શાંતિપ્રિય રીતે જોડાવા માટે દરેક સહકારી અને ખેડૂત આગેવાનો તથા તમામ સમાજના આગેવાનોને અને સામાન્ય જનતાને તેમજ વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. કામરેજ નજીક હાઈવે જામ કરવા માટે ટાયરો પણ સળગાવવામાં આવ્યા હતા. પોલીસે ખેડૂત આગેવાનોની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.


આ બંધના અનુસંધાનમાં આજ રોજ ઓલપાડ ખાતે ખેડૂત સમાજ ગુજરાત પ્રમુખ જયેશભાઇ પટેલ,ખેડૂત અને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક,દક્ષિણ ગુજરાતના પ્રમુખ રમેશભાઈ પટેલ ,જયેંદ્રભાઈ દેસાઈ,યોગેન્દ્રભાઈ પટેલ સહિતના ખેડૂત આગેવાનો દ્વારા ઓલપાડ ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પ્રદર્શન દરમ્યાન તમામ ખેડૂત આગેવાનો ઓલપાડ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા.


સુરત જિલ્લામાં કામરેજ -પલસાણા ખાતે પણ ખેડૂત સમાજ ગુજરાત અને કૉંગ્રેસના આગેવાનો જીજ્ઞેશભાઈ મોદી,ધર્મેદ્રસિંહ ,રસિક પટેલ સહિતના આગેવાનો દ્વારા ભારત બંધના સમર્થન કરવામાં આવતા પોલીસ દ્વારા તેમને પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા.
સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલભાઈ પટેલ,જયેશભાઇ પટેલ સહિતના આગેવાનોની પ્રદર્શન દરમ્યાન બારડોલી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.


સૂરત જિલ્લાના ઉમરપાડા, મહુવા અને માંગરોળ ખાતે પણ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધના એલાન ને સમર્થન માટે પ્રદર્શન કરનાર ખેડૂત અને કૉંગ્રેસના આગેવાનો ની અટકાયત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Translate »