સુરત:: વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં ભારતે કોરોનાની રસીના ૧૦૦ કરોડ ડોઝનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિની ઊજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સુરત પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિની મધુર સુરાવલિ છેડીને કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓ,કોરોના વૉરિયર્સને બિરદાવાયા હતાં. પોલીસ બેન્ડ દ્વારા ‘હમ હોંગે કામિયાબ’ સહિત રાષ્ટ્રભક્તિના ગીતો રજૂ કરીને કોરોના સામેની લડાઈમાં આપણે ચોક્કસ સંપૂર્ણ વિજયી થઈશું એવો સૂર પૂરાવ્યો હતો, જ્યારે ઓરકેસ્ટ્રા ગ્રૂપના સંગીતકારોએ પણ સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, કોરોના વેક્સીનના સો કરોડ ડોઝની સિદ્ધિ એ દેશના લાખો આરોગ્યકર્મીઓના રાતદિવસના પરિશ્રમની ફળશ્રુતિ છે. હવે આપણું લક્ષ્ય કોરોનાને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનું છે. સાથે રહીને પરસ્પર સહયોગથી સહિયારા પ્રયાસો કરીશું તો કોરોનાને દેશવટો આપવામાં અવશ્ય સફળ થઈશું એવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે ૧૦૦ કરોડ ડોઝના સુરક્ષા કવચમાં મહામૂલું યોગદાન આપનાર ઉપસ્થિત સૌ આરોગ્ય કર્મીઓ, મેડિકલ પેરામેડિકલ સ્ટાફને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મ્યુ.કમિશનર શ્રી બંછાનિધિ પાની, અગ્રણી ઉદ્યોગપતિઓ લાલજીભાઈ પટેલ અને સેવંતીભાઈ શાહ, સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો.જિતેન્દ્ર આર. દર્શન, નર્સિંગ સ્ટાફ, પોલીસ જવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત કોરોના વોરિયર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.
