લાઈસન્સ કૌભાંડ: સુરત આરટીઓના આસિ. ઈન્સ્પેક્ટર નિલેશ મેવાડા માસ્ટર માઈન્ડ!

સુરત આરટીઓમાં પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગના ‘સારથી’ સોફ્ટવેરમાં ચેડા કરીને 10 જેટલા વાહન માલિકોને પાકા લાઈસન્સ બારોબાર કાઢી આપવાના કૌભાંડમાં આખરે સુરત આરટીઓના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નિલેશ ત્રિભોવનદાસ મેવાડા (હાલ રહે નક્ષત્ર, અડાજણ: મૂળ- પાટણ)ને સાઈબર ક્રાઈમ પોલીસે દબોચ્યા છે.  જોકે, હાલ મેવાડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની ધરપકડ કરાય નથી. સારવાર બાદ તેની ધરપકડ કરાશે. જેના હાથેથી આ મેવાડા વેચાય ગયા હતા તે એજન્ટો સાહિલ વઢવાણિયા (ઘોડરોડ રોડ) , ઈન્દ્રસિંહ દોડિયા(સિટીલાઈટ)  અને જશ પંચાલ (પાલનપુર)ની પણ સાઈબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.  આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરની મેવાડાનું નામ બહાર આવતા જ પગલે આરટીઓ વર્તુળમાં સન્નાટો વ્યાપી ગયો છે. જોકે, હજી તપાસ ચાલી રહી છે અને તેમાં આરટીઓનો બીજા સ્ટાફના નામો પણ બહાર આવે તો નવાઈ નહીં. આરટીઓના જાણકારો કહે છે કે, એક આસિ. ઈન્સ્પેક્ટરનું આ કામ નથી તેમાં હજી બીજા માથાઓ સામેલ છે પરંતુ કોઈ કારણોસર તેઓને બચાવી લેવાયા છે!! મેવાડા છેલ્લા ચારેક વર્ષ ઉપરાંતથી સુરતમાં ફરજ બજાવે છે અને તે હાલના ઈન્ચાર્જ આરટીઓના પણ ખાસ હોવાની વાતો આરટીઓ વર્તુ‌ળમાં ચાલી રહી છે.’

સાયબર ક્રાઈમ દ્વારા જાહેર કરાયેલી અધિકૃત માહિતી મુજબ આરોપીઓએ 24 જૂન 2020, 27 જાન્યુઆરી 2021 તેમજ 27 જુલાઈ 2021ના રોજ સારથીમાં ખોટી રીતે પ્રવેશી, વીડીયો રેકોર્ડિંગ સાથે ચેડા કરીને  બારોબાર નવ જણાં ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થયા હોવાનો ડેટા પુશ કરી લાઈસન્સ ઈશ્યુ કરાવી દીધા હતા. ગેરકાયદે રીતે સિસ્ટમમાં પ્રવેશવા અંગે આ તમામ સામે  ઈન્ડિયન પીનલ કોડની કલમ 406, 465, 467, 468, 120 (બી) અને આઈટી એક્ટ 66(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ 9 અસલ લાઈસન્સ કબજે કર્યા છે અને ખોટી રીતે લાઈસન્સ કઢાવનારાઓની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું કે, આવું કૌભાંડ કોઈ અધિકારી કરે તે ખૂબ જ શરમજનક અને ગંભીર બાબત છે. આ મામલે અમે ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચાડીશું.

Leave a Reply

Translate »