રેલવેના ટીસીને ‘ખેપિયો’ સમજી લિંબાયત પોલીસે ફટકાર્યો

સુરતની લિંબાયત પોલીસના ત્રણ ડિસ્ટાફના જવાનો તેમજ તેમના રિક્ષાચાલકે સુરત રેલવેમાં ટિકિટ એક્ઝામીનર તરીકે ફરજ બજાવતા સુકેશકુમાર મનમોહન સિંઘને મારમાર્યો હોવાના આરોપ સાથેની ફરિયાદ પોલીસ કમિશનર સમક્ષ થઈ છે.

પોલીસ કમિશનર કચેરીએ થયેલી ફરિયાદ મુજબ ઘટના 26 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યા આસપાસ બની હતી.  ટીસી બિમાર હતા અને ખબર પુછવના ઘરે આવેલા મિત્ર ગજેન્દ્રસિંહ સાથે રેલવે સ્ટેશન પાસે દવા લેવા ગયા હતા તે સમયે રેલવે કોલોની,લિંબાયત પાસે તેઓની બાઈક આંતરીને દારૂનો ‘ખેપિયો’ કહીંને માલ ક્યા છે. દારૂ કોણ લઈ જઈ રહ્યું છે, પૈસા લાવો, હપ્તો લાવો કહ્યું હતું. પોતે ટીસી તરીકેની ઓળખ આપી હોવા છતા ત્રણ ડિસ્ટાફવાળા અને તેમનો રિક્ષાવાળો તૂટી પડ્યા હતા. હાથ, પગમાં ઈજા પહોંચાડી હતી. વીસથી ત્રીસ લાકડીના ફટકા શરીરે માર્યા હતા. હાથમાંનો મોબાઈલ ફોન પણ ફટકો મારી નીચે પાડી દઈ નુકશાન કર્યું હતું અને લિંબાયત પોલીસ મથકે ઉપરના માળે લઈ ગયા હતા. આખી ઘટના દરમિયાન ખૂબ ગંદી ગંદી ગાળો પણ બોલી હતી. સાથે મિત્ર ગજેન્દ્રને પણ મારમાર્યો હતો. શરીરે ઝામટા પડી ગયા હતા.

ફરિયાદમાં ઉલ્લેખ મુજબ ટીસી સુકેશકુમારની પત્ની બિહાર પોલીસમાં નોકરી કરતી હોવાથી તેઓએ તે હકીકત પણ જણાવી હતી પરંતુ ડીસ્ટાફના માણસો કોઈ વાત માનવા તૈયાર ન હતા. આખરે બિહાર, મુંગેરમાં પોલીસ ફરજ બજાવતી પત્ની રીભાકુમારીએ ફોન પર વાત કરતા અને હકીકત સમજી ગયેલા પોલીસવાળાઓએ બળજબરીપૂર્વેક માફીનામુ લખાવીને ઘરે જવા દીધા હતા.

ટીસી સુકેશકુમાર બિમાર હોવાથી તેઓએ આજે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે અને ત્રણ ડિસ્ટાફવાળા અને તેમના રીક્ષાવાળા સામે ગુનો નોંધવા અને તેઓ દારૂવાળા પાસે હપ્તાની વાત કરતા હોય તે અંગે ખાતાકીય તપાસ કરવા પણ માંગ કરી છે. વકીલ જાવેદ મુલ્તાનીના માધ્યમથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે.

Leave a Reply

Translate »