સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)
ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે પોતાની હોમ પીચ પર સુરતમાં હતા. સવારે ફ્રેસ થઈ અચાનક તેઓ પાલ પાસેના સિદ્ધિવિનાયક મંદિરે દર્શને પહોંચ્યા અને ત્યાંથી બગલમાં જ આવેલી પાલ આરટીઓ ઓફિસ ખાતે સરપ્રાઈઝ વિઝિટમાં જઈ ચઢ્યાં.(મંદિરમાં નમન આયોજનના ભાગરૂપે જ હોઈ શકે તાકિ માલૂમ ન પડે કે સાહેબ સરપ્રાઝઈઝ વિઝિટ કરવાના છે) ઓફિસ હજી ખુલી જ હતી અને હર્ષભાઈ સીધા જ ઈન્ચાર્જ આરટીઓ આકાશ પટેલની ચેમ્બરમાં જઈ ચઢ્યાં. ચેમ્બરમાં કોઈ અધિકારી હતા નહીં. માત્ર પટાવાળો બહારથી દોડતો આવ્યો અને તેણે લાઈટ-પંખા ચાલુ કર્યાં. સંઘવી ખુરશી પર બેઠા અને પહેલો જ સવાલ પુછ્યો કે ક્યાં છે આરટીઓ સાહેબ? પહેલાંથી જ આફડો-ફાંફડો થઈ ગયેલો પટાવાળાએ જવાબ આપ્યો કે હજી આવ્યા નથી. તુરંત બીજો સવાલ સંઘવીએ કર્યો કે રોજ કેટલા વાગ્યે આવે છે? પટાવાળાએ કહ્યું કે, સાડા દસ, સવા દસ આસપાસ. ત્રીજો સવાલ આવ્યો કેમ 10 વાગ્યે નથી આવતા? પટાવાળાએ કહ્યું કે, દસ વાગ્યે આવે છે પણ કોઈક વાર સાડા દસ આસપાસ આવે છે. સંઘવીએ કહ્યું કે સારું. ચા પીવડાવો. સંઘવી સવારે 10-25 આસપાસ ઓફિસે પહોંચ્યા અને આરટીઓ ત્યારબાદની 15 મિનિટ બાદ- ઓફિસ ટાઈમ 10-30નો છે.
આ વાતચીત દરમિયાન બહાર ભગદડ મચી હતી. મંત્રી આવ્યાની બૂમો પડી હતી. કોઈએ તુરંત ઈન્ચાર્જ આરટીઓ આકાશ પટેલને કોલ કરી દીધો. સાહેબ દોડતા કેબિનમાં આવ્યા અને ફરી શરુ થઈ આખી ઓફિસની વિઝિટ. નોંધનીય છે કે, આ પહેલા વાહનવ્યહાર મંત્રી સુરતની પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી હતા.
વિઝિટ કરવાનું કારણ શું?
આમ તો હર્ષભાઈ સંઘવી અચાનક જ છાપામારી કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરતા આવ્યા છે. થોડા સમય પહેલાં તેઓ સાબરમતિ જેલમાં પહોંચ્યા હતા. સુરત જેલની વિઝિટ પણ કરી આવ્યા. ઉપરાંત દરેક જેલોમાં છાપામારી કરાવી ચુક્યા છે. હવે સુરતની પાલ આરટીઓ કચેરી પહોંચ્યા. સુરત પાલ આરટીઓ આમ તો ભ્રષ્ટાચાર મામલે વગોવાયેલી છે. ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ કરવા માટે ઉપલકની રકમ વસૂલવાનો મામલો હોય. લાઈસન્સ બારોબાર બનાવી આપવાનો મામલો , બેકલોકનો મામલો અને વાહનચાલકોને આરસીબુક-લાઈસન્સ ઘરે પહોંચતા ન હોવાની ફરિયાદ હોય. રૂપિયા વિના ફેસલેસમાં પણ કામ થતુ ન હોવાની બૂમો સહિતના અનેક મામલાઓ છે અને તેમાં અનેકવાર ફરિયાદો વડી કચેરી તેમજ એસીબીમાં થઈ છે. ટીમો આવે છે પણ કડક એક્શન અત્યારસુધી જોવા નથી મળ્યા. હાલમાં જ વિવાદ બાદ છ મહિનાની અંદર જ ઈન્ચાર્જ આરટીઓ ગજ્જરની બદલી કરી દેવાય અને હવે આકાશ પટેલને વડોદરાથી ચાર્જ સોંપાયો છે. જોકે, સંઘવી લોકફરિયાદ સાંભળવાના ઈરાદે આરટીઓમાં પહોંચ્યા અને લોકોએ ફરિયાદો પણ કરી. સંઘવીએ ડ્રાઈવિંગ ટેસ્ટ, ડેટા એન્ટ્રી, લાઈસન્સ શાખાનું નિરિક્ષણ કર્યું અને જરૂરી સૂચનાઓ આપી. સફાઈ મામલે પણ તાકિદ કરી હોવાનું જાણવા મળ્યું છે.





શું ફરિયાદ થઈ?
આરટીઓ બહાર ઉભેલા કેટલાક અરજદારોએ કહ્યું કે, આરટીઓમાં ઝડપી કામ થતા નથી. અમારે ધક્કા ખાવાનો વારો આવે છે. ફેસલેસની સુવિધા છતા અમને રુબરુ બોલાવવામાં આવે છે. એક યુવકે પોલીસ ખૂબ દંડ ફટકારી આરટીઓ મેમો આપતી હોવાની ફરિયાદ કરી તો સંઘવીએ કહ્યું કે, નિયમ મુજબ પોલીસ -આરટીઓ કાર્યવાહી તો કરશે જ. તમારે કાગળિયા સાથે રાખવા. વીમો , લાઈસન્સ, આરસીબુક સાથે રાખવી પડશે. એક યુવકે કહ્યું કે, મને વરિયાવ ચેકપોસ્ટ પર પકડ્યો. મારી પાસે લાઈસન્સ હતું. પણ મારા કાકાની ગાડી હતી તેની આરસીબુક ન હતી. તો મને પોલીસે લાફો માર્યો અને પીધો હોવાનો આરોપ મુક્યો. સંઘવીએ કહ્યું કે, ટીમને નામ લખાવી લો હું જોવડાવી લઈશ.
ઈન્ચાર્જ આરટીઓ વડી કચેરીના ખાસ!!
અતરંગ સૂત્રોનું માનીએ તો ઈન્ચાર્જ આરટીઓ આકાશ પટેલ તે આરટીઓ કમિશનર કચેરીના ખાસ હોવાનું કહેવાય છે. ગજ્જર સાહેબને અહીંથી પાણીચું પકડાવ્યા બાદ તેમને વડોદરાથી અહીં મુકવામાં આવ્યા. કહેવાય છે કે, તેઓને બદનામીમાંથી સુરત આરટીઓને બહાર કાઢી સારી સિસ્ટમ ઊભી કરવા મુકાયા છે અને તેના અનુરૂપ તેઓ કેટલાક પગલાં ભરી રહ્યાં છે. જેવા કે તેઓ એજન્ટોને પોતાની કેબિન પ્રવેશવા દેતા નથી. અગર કોઈ કામથી આવી પણ જાય તો તેને કેબિનમાં બેસવા નથી દેતા. કેબિનમાં ઊભા રાખીને તુરંત કામની જે કંઈ રજૂઆતો હોય અથવા કામ હોય તે પુરું કરીને બહાર મોકલી આપે છે. એટલે કે તેઓ ‘બચી’ રહ્યાં છે. વડોદરા સહિતની નાની આરટીઓમાં આમ તો મોટાભાગે 90 ટકા કામગીરી ફેસલેસ થાય છે પરંતુ સુરતમાં હજી 20-30 ટકા જ કામગીરી ફેસલેસ થાય છે. ઘણાં ‘જી’ લેતા આરટીઓ ઈન્સ્પેક્ટર ફેસલેસ એપ્લિકેશનમાં પણ કોઈને કોઈ વાંધાવચકાં કાઢીને અરજદારને બોલાવીને પોતાનું કામ કઢાવવામાં માહેર છે. જેથી, હજી સુરતમાં પુરેપુરું ફેસલેસ અમલી બની શક્યું નથી. નવા આરટીઓ માટે તે સિસ્ટમ ઊભી કરવાનો પડકાર રહેશે.
(આરટીઓની અનેક ઈન્સાઈટ સ્ટોરી માટે વાંચતા રહો ન્યૂઝનેટવર્કસ)