સુરતના સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં દુકાનમાં બેસી રહેલા વેપારીઓ અને કર્મચારીઓ પાસે આવી પોલીસ માસ્ક વિનાનો દંડ ફટકારે છે. આ વિડીયો સુરતના સલાબતપુરા વિસ્તારનો હોવાની ચર્ચા છે. દુકાનમાં ગ્રાહકો નથી અને વેપારીઓ અને કર્મચારીઓ પણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે દૂર બેઠા હોવા છતા બળજબરીપૂર્વક દંડ લેવાતા નારાજગી છે. વિડીયો વાયરલ થયા બાદ વેપારીઓ પોલીસની આવી કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
કોરોનાકાળ દરમિયાન માસ્ક વિના દંડ વસૂલવાની ઝૂંબેશ પોલીસ અને મહાનગર પાલિકા ચલાવી રહી છે પરંતુ તેમાં આડેધડ દંડ વસુલાતો હોવાની ફરિયાદો છે. પોલીસ તો કડકાઈ દાખવીને કામગીરીમાં અડચણરૂપ થવાના કેસ પણ કરી રહી છે. સુરતના સલાબતપુરા વિસ્તારનો એક વીડીયો વાયરલ થયો છે જેમાં એક કાપડની દુકાનની અંદર વેપારી સહિત ત્રણ લોકો બેઠા છે. આ ત્રણ લોકોએ માસ્ક નથી પહેર્યું. દુકાનની અંદર કોઈ ગ્રાહક પણ નથી પરંતુ ત્યારે જ એક પોલીસકર્મી દુકાનમાં આવે છે.અને આ લોકોનો વિડીયો શુટિંગ કરી દંડની ઉઘરાણી કરે છે. આ બધી બાબત સીસીટીવીમાં આવી ગઈ છે અને તે વીડીયો વાયરલ પણ થયો છે. કોરોનાકાળમાં લોકડાઉન અને ત્યારબાદ તબક્કા વાર અનલોક કરવામાં આવ્યું હતું. પરંતુ સુરતમાં હજી પણ ધંધા રોજગાર બંધ જેવી હાલતમાં જોવા મળી રહ્યા છે. અને લોકોની આર્થિક સ્થિતિ પણ ખરાબ છે ત્યારે પોલીસને પણ જાણે દંડ ઉઘરાવવામાં જ રસ હોય તેવી કામગીરી કરી રહી છે. લોકો પોલીસની આવી કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
વેપારીઓ રોષ ઠાલવી રહ્યાં છે કે રાજકીય નેતાઓના જાહેર કાર્યક્રમો અને રેલીઓ વખતે કોઈ કાર્યવાહી થતી નથી અને સામાન્ય નાગરીકો પાસેથી આ રીતે દંડ વસુલવામાં આવી રહ્યો છે. બીજુ કે શહેરમાં રોજ હત્યાઓ થઈ રહી છે. ગુનાખોરીએ માજા મુકી છે ત્યારે પોલીસ તે ડામવાને બદલે દંડ પાછળ પડી છે અને તે પણ બળજબરી ખોટી રીતે વસૂલવામાં આવી રહ્યો છે. પોલીસ ખોટી હેરાનગતિ બંધ કરી માનવીય અભિગમ દાખવે તે પણ ખુબ જ જરૂરી બન્યું છે.