મુગલીસરાના મોરીશ એન્જિનીયરને 90 ટકા કોરોના ઈન્ફેક્શનથી ઉગારીને નવી સિવિલના તબીબોએ બક્ષ્યું નવજીવન
સુરતના મુગલીસરા મિશન કમ્પાઉન્ડમાં રહેતા ૪૭ વર્ષીય મોરીશ એન્જિનીયરને નવી સિવિલમાં ૪૧ દિવસની મેરેથોન સારવાર બાદ ૯૦ ટકા કોરોના ઈન્ફેક્શનથી ઉગારીને નવી સિવિલના તબીબોએ નવજીવન બક્ષ્યું છે.
૨૩ વર્ષથી સુરત મહાનગરપાલિકાના લોકસેવા ખાતામાં ફરજ બજાવે છે છે, તેમજ હાલ પાલિકાના પાણી પુરવઠાના ટેન્કર વિભાગમાં સેવા આપતાં મોરીશ એન્જીનિયરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, કોરોના રોગ હોય કે અન્ય કોઈ પણ બિમારી હોય, મજબૂત મનોબળથી ડર્યા કે હાર્યા વિના હિંમતપૂર્વક સામનો કરીશું તો જલદી જ સ્વસ્થ થઈ શકાય છે.
કોરોના સંક્રમિત થવા અંગે નિખાલસ એકરાર કરતાં મોરીશ જણાવે છે કે, ‘હું ભૂલથી એક જ વાર માસ્ક પહેર્યા વગર જ બહાર નીકળ્યો, અને એ જ મારા જીવનની મોટી ભૂલ હતી. આ સમયે જ હું કોરોનાના સંક્રમણનો ભોગ બન્યો હતો. ૨૧ ઓક્ટોબરથી તાવ, શરદી જેવા પ્રાથમિક લક્ષણો જણાયા. પ્રાઈવેટ ક્લિનિક પર રિપોર્ટ કરાવી સારવાર શરૂ કરી, પરંતુ ૨૬ ઓક્ટોબરે એકાએક તબિયત લથડતા પરિવારે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો. મારી હાલત અત્યંત ગંભીર હતી, મારાથી શ્વાસ ન લેવાતો હતો. અને એક એક શ્વાસ લેવા માટે ઝઝૂમવું પડતું હતું. મને તો એટલી જ ખબર છે કે, સિવિલ હોસ્પિટલના તબીબો ના હોત તો મારો જીવ બચી શક્યો ન હોત. અમે નવી સિવિલનું ઋણ ક્યારેય ચૂકવી નહિ શકીએ એમ મોરીશ કૃતજ્ઞતાથી જણાવે છે.
મોરીશ વધુમાં જણાવે છે કે, મારી ત્રણ વર્ષથી ડાયાબિટીસથી સારવાર ચાલે છે, અને છેલ્લા આઠ મહિનાથી બ્લડ પ્રેશરની બિમારી પણ થઈ છે, અધૂરામાં પૂરૂ કોરોના થયો એટલે પરિવાર ચિંતામાં હતો. પરંતુ નવી સિવિલમાં દાખલ થયો અને ઝડપી સારવાર મળી. તબીબો પરિવારજનો સાથે વિડીયો કોલથી વાત કરાવતાં અને આશ્વાસન આપતા. સામે પરિવારજનો પણ મને હિંમત અને સધિયારો આપતાં, એટલે કોરોનાની બીક તો જરાયે ન હતી, અને સાજા થવાનો સો ટકા વિશ્વાસ હતો.
નવી સિવિલના સ્ટેમસેલ બિલ્ડીંગના કોવિડ ICUમાં ફરજ બજાવતા ડો.અશ્વિન વસાવાએ જણાવ્યું કે, મોરીશ એન્જિનીયર જ્યારે દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને ૫૭ ટકા જેટલું જ થઈ ગયું હતું, એટલે તાત્કાલિક કોવિડ ICUમાં ટ્રીટમેન્ટ શરૂ કરી. તેમનું એચ.આર.સિટી સ્કેન કરાવતા ફેફસામાં કોરોનાનું ૯૦ ટકા જેટલું ઈન્ફેક્શન જણાયું. મોરીશભાઈને ARDSની અસર થઈ હતી. ARDS એટલે ‘એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ’માં ખૂબ જ ઝડપથી દર્દી ગંભીર સ્થિતિમાં જવાની શક્યતા રહે છે અને તેને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાવા સાથે ઓક્સિજન લેવલ ઝડપથી ઘટી જાય છે. મોરીશભાઈને ૨૧ દિવસ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ ૨૦ દિવસ જનરલ વોર્ડમાં ઓક્સિજન પર સારવાર આપવામાં હતી. ડાયાબિટીસની સાથે કોવિડની સારવારમાં રેમડેસિવિર, ટોસિલિઝુમાબ, પ્લાઝમા, સ્ટીરોઈડ સહિતની મોંઘી સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી. સમયસર સારવાર મળતા તબિયતમાં રિકવરી લાવવામાં તબીબોને ખૂબ જ ઝડપી સફળતા મળી.