• Sun. Mar 24th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

સુરત નવી સિવિલના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટએ બે મહિનામાં 3.50 લાખ જેટલા રિપોર્ટ કર્યા

કોરોનાના કહેર વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર રાત-દિવસ એક કરીને દર્દીનારાયણની સેવામાં અવિરતપણે સેવાયજ્ઞ કરી રહ્યું છે. સુરતની નવી સિવિલમાં દાખલ થનાર કોરોનાના દર્દીઓની સાથે અન્ય દર્દીઓની સારવાર માટે અનેક પ્રકારના ટેસ્ટની પણ જરૂરિયાત પડતી હોય છે. તેવા સમયે સિવિલનું બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દિવસ-રાત જોયા વિના રાઉન્ડ ધ કલોક સિવિલમાં સારવાર મેળવી રહેલા હજારો દર્દીઓના વિવિધ પ્રકારના 100થી લઈને 120 પ્રકારના ટેસ્ટ કરવાની કપરી કામગીરી કરી રહ્યું છે.
બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટેમન્ટના એસો. પ્રોફેસર ડૉ.પિયુષ ટેલર જણાવે છે કે, સિવિલનું બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દર્દીના સી.આર.પી, IL-ઈન્ટરલ્યુકીન-6, લિવર, કિડની, પિત્તાશય, કેન્સર, સ્વાદુપિંડ, પ્રેગનન્સીને લગતા વિવિધ પ્રકારના 100થી 120 પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. અહીં પાંચ આધુનિક મશીનનો ઉપલબ્ધ છે, જે શહેરમાં મોટી લેબોરેટરી સિવાય ભાગ્યે જ અન્ય લેબોરેટરીમાં જોવા મળે છે. સિવિલમાં સારવાર લેતા અંદાજિત 800થી વધુ દર્દીઓના વિવિધ પ્રકારના રોજના 4500 થી 5000 ટેસ્ટ કરવામાં આવે છે. ખાનગી લેબોરેટરીમાં પી.સી.ટી., ફેરિટીન જેવા એક રિપોર્ટ કરાવવાનો ભાવ રૂા.1400 થાય છે, જે અહીં દર્દીઓને વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.
છેલ્લા માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન અંદાજિત 3.50 લાખ જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે. અહીં રાઉન્ડ ધ કલોક એક હેડ, 9 ડોક્ટર, 18 ટેકનિશ્યન, 13 સર્વન્ટો સહિત 41 સ્ટાફગણ ફરજ બજાવી રહ્યા છે. આ ડિપાર્ટમેન્ટમાં 13 જેટલા સર્વન્ટો સિવિલ કેમ્પસમાં આવેલી ત્રણ કોવિડ હોસ્પિટલોમાં પી.પી.ઈ કિટ પહેરીને સવાર-સાંજે બે વાર દર્દીઓના સેમ્પલ એકઠા કરવાનું કાર્ય કરી રહ્યા છે. અને ત્રણથી ચાર કલાકમાં દર્દીનો રીપોર્ટ તૈયાર કરીને જે તે દર્દીના તબીબને પહોંચતો કરવામાં આવે છે. જેમાં મહત્વની વાત તો એ છે કે, લેબમાં તૈયાર થતો રિપોર્ટ ડોકટર પોતાના મોબાઈલમાં જોઈ શકે તે માટે ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી છે. રિપોર્ટ તૈયાર થયાના ૧૦ સેકન્ડમાં દર્દીની સારવાર કરનાર ડોકટર આ રિપોર્ટ પોતાના મોબાઈલમાં જોઈ શકે છે. બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ ડો.શૈલેષ પટેલે વિકસાવેલા સોફટવેરની મદદથી જે તે દર્દીનો રિપોર્ટ ડોકટર એમ.આર.ડી. નંબર એન્ટર કરીને સરળતાથી જોઈ શકે છે. આ કામગીરીમાં બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક ફરજ બજાવીને સાચા અર્થમાં કોરોના વોરિયર્સની ફરજ બજાવી રહ્યા છે. કેમેસ્ટ્રી વિભાગના ડો.સરિતા પટેલ, ટેકનીકલ વિરેશ પટેલ, કિશોર વાધાણી, નિહારીકા, રમેશભાઈ પટેલ, સંદિપ ગોયલ, અનિલ જાદવ, વજીરભાઈ સહિતના અન્ય કર્મયોગીઓ ફરજ બજાવી રહ્યા છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »