સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 4680 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે
કોરોના સામે જંગ સમાન વિશ્વના સૌથી મોટા એવા દેશવ્યાપી રસીકરણ અભિયાનનો આજે તા.૧૬મીથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુરત જિલ્લામાં જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયાના માર્ગદર્શન મુજબ સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના ૪૦૦ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી મૂકાશે. તેમજ સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત આ ચાર તાલુકાના કુલ ૪૬૮૦ આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે. જેમાં બારડોલી તાલુકામાં ૧૦૩૭, મહુવામાં ૧૦૮૭, ચોર્યાસીમાં ૧૭૯૮ અને ઓલપાડ તાલુકામાં ૭૫૮ આરોગ્યકર્મીઓનો સમાવેશ થાય છે. રસીકરણની પ્રક્રિયા દરમિયાન દરરોજ ૧૦૦ની સંખ્યામાં અગ્રીમ હરોળના કોરોના યોદ્ધા આરોગ્ય સેનાનીઓ રસી અપાશે.
રસીકરણ કેન્દ્રો પર ફરજ બજાવનાર મેડિકલ ઓફિસરો , આરોગ્ય કર્મચારીઓ અને મદદકર્તા સ્ટાફને તાલીમબદ્ધ કરાયા છે. સ્વદેશી કોરોના રસી સંપૂર્ણ સુરક્ષિત છે, છતાં કોઈપણ આડઅસરને પહોંચી વળવા તંત્ર સાબદુ છે. અન્ય વિભાગો તેમજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, ઈન્ડિયન પીડિયાટ્રિક્સ એસોસિએશન તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ પણ રસીકરણ અભિયાનમાં સહયોગી બની છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખભાઈ ચૌધરીની નિગરાની હેઠળ જિલ્લા આર.સી.એચ. ઓફિસરો, જિલ્લા તથા તાલુકા આરોગ્ય અધિકારીઓ કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે.