દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી, સુરત જિલ્લામાં 28 માર્ચથી 3 એપ્રિલ સુધી દાંડીયાત્રાનું પરિભ્રમણ


પ્રધાનમંત્રી તા.12મી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશેઃ ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી થશે

ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો તા.૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશે. જેના અનુસંધાને રાજયના વિવિધ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ દેશભકિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત સુરત જિલ્લામાં સવારે ૧૦.૦૦ વાગે બારડોલીના ટાઉન હોલ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બારડોલી તાલુકાના હરિપુરા ખાતે રમત ગમત, સાંસ્કૃતિક રાજયમંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા કામરેજના દાદા ભગવાન મંદિરના પટાંગણ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષતામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમો યોજાશે.
ભારતની આઝાદી માટે અનેક વિરલાઓએ બલિદાનો આપ્યા છે. જેના ૭૫ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે દેશની સ્વતંત્રતાની ભૂમીકામાં મહત્વનું યોગદાન આપનાર બારડોલી તાલુકા મથકે રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર કાર્યક્રમ યોજાશે. મહાત્મા ગાંધીજીનો બારડોલી સાથે અનોખો નાતો રહ્યો છે. સરદાર વલ્લભભાઈની આગેવાની હેઠળ ખેડુતોએ કર વધારા સામે આંદોલન છેડીને ખેડુતોને અન્યાયી વેરામાંથી મુકિત અપાવી હતી. જયારે સુભાષચંદ્ર બોઝે હરિપુરા ખાતે કોગ્રેસના અધિવેશન દ્વારા આઝાદીના જંગમાં પ્રજાજનોમાં નવા જોમનો સંચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ ત્રણેય સ્થળના કાર્યક્રમોમાં કરવામાં આવશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મી.ની દાંડીયાત્રા યોજાશે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરો સાથોસાથ રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને તેમની સ્મૃતિ સાથે આગળ ધપાવવાના હેતુથી આ યાત્રા સાબરમતિથી દાંડી પરિભ્રમણ કરશે.
મુળ યાત્રા મુજબ તા.૨૮મી માર્ચના રોજ સાંજે ૪.૧૫ વાગે પદયાત્રા ઓલપાડ તાલુકાના વડોલી વાંક હદમાં પ્રવેશ કરશે. જયાં ઉમરાછી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જયાંથી વડોલી, ભાદોલ, કદરામા, એરથાણ, ટકારમા, સોંદામીઠા, ભાટગામ, રાજનગર, ગોલા, અછારણ, સાંધીયેર, પરીયા, દેલાડ, છાપરાભાઠા, ડીંડોલી, ઉધના, દેલાડવા પાટિયા, સણીયા કણદે, ખરવાસા, વાંઝ, પોપડા ગામેથી નવસારી જિલ્લામાં પ્રવેશશે.
તા.૨૮મી માર્ચથી ૩જી એપ્રિલ સુધી સુરત જિલ્લા-શહેરમાં પરિભ્રમણ દરમિયાન દાંડીયાત્રા ઓલપાડના ઉમરાછી, ભટગામ, દેલાડ, છાપરાભાઠા, વાંઝ ગામોમાં રાત્રીરોકાણ કરશે. જયાં રાત્રિ રોકાણ દરમ્યાન રાષ્ટ્ર ભાવનાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ પદયાત્રા દરમ્યાન રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સાંસદો-ધારાસભ્યો, પદાધિકારીઓ, અગ્રણીઓ યાત્રામાં જોડાશે.
પદયાત્રા દરમિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ તથા માહિતી વિભાગ, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે છાપરાભાઠા ખાતે દાંડીયાત્રા તથા અન્ય વિવિધ થીમ આધારિત ત્રિ-દિવસીય પ્રદર્શન યોજાશે.
નોંધનીય છે કે, મહાત્મા ગાંધીજીએ તા.૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ મીઠા ઉપરના કરને નાબૂદ કરવા સવિનય કાનૂન ભંગ માટે પૂ.ગાંધી બાપુએ દાંડી યાત્રા કરીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી.

Leave a Reply

Translate »