ગુજરાતમાં હુરતીઓ (સુરતી)ઓનો પોતિકો તહેવાર ચંદની પડવો. શરદ પૂર્ણિમાના દિને ખુલ્લા આકાશમાં ફૂટપાટ ઉપર કે હરવાફરવાના સ્થળો પર જાહેરમાં બિરાજીને સુરતી વાનગી ઘારી (જગવિખ્યાત)ને આરોગવા ટેવાયેલા સુરતીલાલાઓ આ વખતે કોરાનાકાળમાં થોડી મર્યાદા સાથે આ તહેવારને ઉજવશે. આમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસદાદાઓ આ તહેવારને રસ્તા પર ઉજવવા માટે થોડોઘણો અંકુશ લગાવી બેઠા છે. હવે કોરાનાકાળમાં શરૂ થયેલી તહેવારોની સિઝનમાં ચંદની પડવાએ ઘારી ખાવા સુરતીઓ ઘેલા થયા છે અને દુકાનો પર હમણાંથી લાઈન લગાવી રહ્યાં છે. ઘરઘથ્થુ બનાવતા સુરતીઓ માવો લેવા દોડાદોડી કરે છે. ઘારી સાથે ભૂંસુ (ફરસાણ)ની પણ ખરીદી ઉમટી છે ત્યારે સોનાના વરખવાળી ઘારી પણ એક દુકાનદારે બનાવી છે. જોકે, તેનો ભાવ કિલોનો એટલો છે કે માલેતુજારને જ પોષાય એ પણ ખાવાનો શોખીન હોવો જોઈએ.
હાલ સોનાનો ભાવ વધ્યો છે ત્યારે 38 થી 40 હજાર રૂપિયે 160 લિફનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સુરતીઓ માટે તેના વરખવાળી રૂ.9 થી 11 હજાર કિલોની ઘારી આ વખતે બજારમાં છે. શહેરના વિવિધ વિક્રેતાઓ દ્વારા ઓર્ડરના આધારે આ ઘારીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આવી ઘારી બનાવનાર એસ.મોતીરામના ગૌરાંગ સુખડીયાએ મીડીયાને જણાવ્યું કે , અમે બુધવારે સાંજે જ સોનાના વરખવાળી ઘારી તૈયાર કરી છે. જેના સુરત બહારથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. તેઓ કહે છે કે, કોરોનાની સ્થિતિ વચ્ચે ઉત્સાહનો માહોલ બને તે માટે સોનાના વરખવાળી ઘારી આ વખતે અમે પ્રથમ વખત બનાવી છે. જેની કિલો દીઠ કિંમત રૂ.11,000 છે. જ્યારે 24 કેરેટના રોહન મિઠાઈવાલા જણાવે છે કે, એક વર્ષ પૂર્વે સોનાના વરખવાળી 160 લીફ રૂ.22 થી 25 હજારમાં મળતી હતી. સોનાના વધેલા દર સાથે લિફના આજે દર રૂ.38 થી 40 હજાર સાથે રૂ.12 થી 15 હજારનો વધારો નોંધાયો છે. ઓર્ડરના આધારે અમે સોનાના વરખવાળી ઘારી બનાવી છે. અંદાજે 15 લીફ 1 કિલો ઘારી માટે વપરાય છે. જે અંદાજે રૂ.9000 કિલોએ વેચાણ થશે. બાકી વિવિધ પ્રકારની ઘારીનો ભાવ તો 400થી લઈને 700 રૂપિયે સુધી કિલોનો છે.
ઘારીનો ઈતિહાસ પણ જાણવા જેવો
ઇ.સ 1836માં સુરતમાં નિર્મળદાસજી નામના સંત દ્વારા કોટસફીલ રોડ પર આવેલા શેષનારાયણ મંદિરમાં એક મઠની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં દેવશંકરભાઇ શુકલ નામના વ્યક્તિ દ્વારા તેમને મળેલા અનાજમાંથી સંત નિર્મળદાસજીના મઠમાં રસોઇ કરી જમાડતા હતા. સંત નિર્મળદાસજીએ દેવશંકરભાઇને વિશિષ્ટ પ્રકારની મીઠાઇ બનાવવાની રીત શીખવાડી હતી. આ મિઠાઇને ઘારી નામ આપ્યુ હતું. ત્યાર બાદ દેવશંકરભાઇએ ગુરુ દ્વારા શીખવવામાં આવેલા મીઠાઈની પદ્ધતિ બાદ ઇ.સ. 1838માં લાલગેટ ખાતે સૌ પ્રથમ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરી હતી. તે સમયે આઝાદીની ચળવળ ચાલી રહી હતી. ઈ.સ.1857ના અંગ્રેજો સામે મોરચો ખોલનાર વીપ્લવ અને તાત્યા ટોપે અને તેમના સૈન્યે પણ ઘારી ખાધી હતી અને તે દિવસ આસો વદ પડવો હતો અને ત્યારથી જ ચંદની પડવાના દિવસે ઘારી ખાવાની પ્રથા શરુ થઇ હતી.