હવે સુરતને મેન્યુફેકચરીંગ કવોલિટીમાં આખા દેશને દિશા બતાવવાની જરૂર છે : પીયુષ ગોયલ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ બપોરે ૧રઃ૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટીનમ હોલમાં ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ તથા દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી પણ ઉપસ્થિત રહયા હતા. આ સેશનમાં ભારત સરકારના બંને મંત્રીઓ અને અધિકારી દ્વારા ઉદ્યોગકારો સાથે વ્યાપાર – ઉદ્યોગની જરૂરિયાતો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, આજના ઇન્ટરેકટીવ સેશનમાં ઇન્ડસ્ટ્રીને નડતી સમસ્યાઓ જાણવા મળી અને તેના નિરાકરણ માટે ઉદ્યોગકારો તરફથી સૂચનો પણ મળ્યા છે. જે ફાઇલો પેન્ડીંગ છે તેનો બે દિવસ બાદ અભ્યાસ શરૂ થઇ જશે. ભારતને સેકન્ડ કલાસ કવોલિટી જોઇશે જ નહીં, હવે ભારતને વર્લ્ડ કલાસ કવોલિટી ઉપર પહોંચાડવાનું છે. બીઆઇએસ સ્ટાન્ડર્ડ બનાવવા તૈયાર છે. યુકે, યુએઇ, યુરોપિયન યુનિયનના ર૭ દેશો એકઝીસ્ટીંગ એફટીએ પર નેગોશિએટ કરીને વિચારીએ. એફટીએ એકતરફી નથી, બંને તરફથી હોય છે. જે વસ્તુની ડિમાન્ડ કરવામાં આવે છે તો કઇ વસ્તુ છોડી શકાય તેની પણ ઉદ્યોગકારોએ તૈયારી રાખવી પડશે. સમગ્ર મામલે રિસ્ક ફેકટર સ્ટડી કરીને એકઝામીન કરવામાં આવશે. અન્ડર વેલ્યુએશન વિશે પણ ડીજીએફટી અને કસ્ટમ્સ સાથે વાત કરાશે.

તેમણે કહયું કે, મેગા ટેકસટાઇલ પાર્ક સુરતમાં બને તો અમારાથી વધારે ખુશ કોઇ નહીં થાય. પરંતુ એના માટે સુરતથી પ૦ કિલોમીટર દૂર જશો તો જમીન પણ સસ્તી મળશે. ટાયર ૩ અને ટાયર ર સીટીમાં જઇ શકાય છે, એના માટે રૂરલ એરિયામાં જવાશે તો પ્રાથમિકતા આપવામાં આવશે. મેગા ટેકસટાઇલ પાર્ક માટે સુરત નજીક સસ્તા દરે જમીન મળે તો તેની તપાસ કરવા તેમણે ઉદ્યોગકારોને સૂચન કયુ હતું. તેમણે કહયું કે, પીએલઆઇ સ્કીમનો લાભ લઇને પણ રોકાણ કરી શકાય છે. ટેકનિકલ ટેકસટાઇલ માટે પણ પ્રયાસ ચાલે છે. એમાં ભારત મોટા પ્રમાણમાં યોગદાન આપશે. જો કે, તેની સાથે સાથે કોટન, ખાદી અને હેન્ડલૂમને પણ પ્રોત્સાહન આપવાનું છે. એકસપોર્ટ માટે પણ જે લક્ષ્ય નકકી કરાયું છે તેને હાંસલ કરવાનું છે.

ઉદ્યોગકારોને સંબોધીને તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ મંત્રાલયનો વિષય હોય તમે રજૂઆત કરી શકો છો. ઉદ્યોગકારોને કોઇ તકલીફ નહીં થાય તે માટે અમે કટીબદ્ધ અને વચનબદ્ધ છે. ટફ સ્કીમમાં ઇન્ડસ્ટ્રી સાથે ચર્ચા કરીને સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. પીએલઆઇ સ્કીમમાં જો ઉદ્યોગકારોને મર્યાદા વધારે લાગતી હોય તો બે – ત્રણ ઉદ્યોગકારો ભેગા મળીને આ સ્કીમનો લાભ લઇ શકે છે. આ સ્કીમ અંતર્ગત ઇન્ટરનેશનલ લેવલે કામ કરવાનું છે અને ઇકોનોમી સ્કેલ કવોલિટી ઉપર ધ્યાન આપવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને પાવરકટ ફ્રી બનાવ્યું હતું. આવું કઇ રીતે થઇ શકે તે શીખવા માટે પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. હવે બીજી વખત ગુજરાતની મુલાકાતે હું સુરતમાં ટેકસટાઇલનું ઉત્પાદન કઇ રીતે થાય છે તે શીખવા માટે આવ્યું છું. સુરતને ડાયમંડ અને ટેકસટાઇલ સિટી કહેવાય છે પણ ચેમ્બરના પ્રમુખ દ્વારા ઇન્ડસ્ટ્રીની જે આંકડાકીય માહિતી આપવામાં આવી તે જોતા સુરતમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી ઝડપથી ડેવલપ થઇ રહી છે. આથી ચેમ્બરના પ્રમુખ પાસેથી ઇન્ડસ્ટ્રીની માહિતી મેળવી લીધી છે. સુરતમાં જે રીતે વિવિધ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ રહી છે તે જોતા ગૌરવ થાય છે. આથી હવે સુરતને આખા દેશને દિશા બતાવવાની છે અને વર્લ્ડ કલાસ કક્ષાએ કામ કરવાનું છે.

ભારતના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, ઉદ્યોગકારો તરફથી માંગણી કરવામાં આવતી હતી અને તેને પૂર્ણ કરવા માટે સાંસદ તરીકે રજૂઆત કરાતી હતી પણ હવે મંત્રી બન્યા પછી કામ કઇ રીતે લેવાનું છે તે જાણવા મળ્યું છે. અમારે માત્ર એક જ મંત્રાલયની કામગીરી કરવાની નથી. બીજા પ્રશ્નોના ઉકેલ માટે પણ કામ કરવાનું છે. સરકાર દ્વારા પરીણામલક્ષી કામો ઉપર ભાર આપવામાં આવી રહયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને સુરતમાં ઘણી જગ્યાએ વેકસીનેશન થઇ રહયું છે ત્યારે દિવાળી પહેલા દેશના મોટાભાગના લોકોને વેકસીન આપવાનું કામ પૂર્ણ કરી લેવામાં આવશે.

આજના ઇન્ટરેકટીવ સેશનમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રપથી વધુ ઉદ્યોગકારો દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સુરત એપેરલ પાર્ક માટે, ટેકસટાઇલમાં પાવર સબસિડી માટે, સોલાર પાવર માટે, એન્જીનિયરીંગ એન્ડ હાઇટેક ટેકનોલોજી માટે, સેફ ગાર્ડ ડયૂટી માટે, ફોરેન ટ્રેડ પોલિસી અંતર્ગત ફ્રી એકસપોર્ટમાં નડતી બેન્કીંગ સહિતની મુશ્કેલીઓ માટે, સુરતમાં મિત્રા પ્રોજેકટ સ્થાપવા માટે, ટેકસટાઇલ એકસપોર્ટ ઓરીએન્ટેડ બની શકે તે માટે માર્કેટીંગ સપોર્ટ માટે, મશીન રજિસ્ટ્રેશનની પ્રોસેસ સરળ કરવા માટે, પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રી માટે, ટફમાં અટકેલી નાના ઉદ્યોગકારોની સબસિડી રિલીઝ કરવા માટે, રો મટિરિયલ ઉપર બેઝીક કસ્ટમ ડયૂટી માટે, ફ્રોઝન ડિહાઇડ્રેડનો પ્લાન્ટ બનાવવા માટે અને ટેકસટાઇલ ઇન્ડિયાનું આયોજન સુરતમાં થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની અનોખી ઉજવણી કરતાં કેન્દ્રીય મંત્રીઓ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિન નિમિત્તે કેન્દ્રીય કાપડ, વાણિજય અને ઉદ્યોગ મંત્રીશ્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત શહેરના ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા સંચાલિત ઉમરાની દિવ્યાંગ બાળકોની શાળા ખાતે 71 બાળકોને સાધન-સહાય તથા શૈક્ષણિક કિટનુ વિતરણ તથા કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન અને પદ્મ કનુભાઈ ટેલરે ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું કે, 29 હજાર દિવ્યાંગો આ સંસ્થાનો લાભ લઈ ચુક્યા છે. સંવેદનશીલ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી દર વર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવતી હોવાનું જણાવી તેમના આ વર્ષના જન્મદિવસની ઉજવણી યાદગાર બની હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગોયલે જણાવ્યું કે, ભારતભરમાં વડાપ્રધાનના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દિવ્યાંગજનોની સેવા એ ઈશ્વરીય કાર્ય છે. પોતાના માટે નહી પણ અન્યોના કલ્યાણ માટે સેવાનુ દાયિત્વ નિભાવવારા સૌ કોઈને મંત્રીએ શુભકામના પાઠવી હતી

Leave a Reply

Translate »