સુરત મહાનગર પાલિકના ડેપ્યુટી મેયર નિરવ શાહે કોરોનાકાળમાં માનવતાની મહેક ફેલાવી છે. તેઓએ કપરા સમયમાં ‘સંપ્રતિ કોવિડ આઈસોલેસન સેન્ટર’ઊભું કરીને 1025 કોરોના દર્દીઓની વિનામુલ્યે સેવા કરી છે.દર્દીઓની સેવા કરી તેમના હોસ્પિટલ પાછળ થતા અંદાજિત ખર્ચ મુજબ 10 કરોડથી વધુની રકમ બચાવી છે. અને ભોજન-ભજનની પણ વ્યવસ્થા કરાય. નિરવ શાહે સાથોસાથ તેઓએ લોકડાઉન દરમિયાન હજારો લોકોને ભોજન પહોંચાડ્યું છે. ત્યાંસુધી મુંગા જનજનાવરો માટે પણ અલાયદું સેવા કેન્દ્ર ખોલીને તેઓને પણ ફળફળાદિ, શાકભાજી અને બિસ્કિટ ખવડાવી ખરા અર્થમાં જીવદયા પ્રેમી તરીકે ઉભરી આવ્યા છે. તેઓએ કોરોના વોરિયર્સને તહેવારેમાં કીટનું વિતરણ પણ કર્યું હતું.
સુરતમાં કોરોના સંક્રમણની ધીમી શરૂઆત બાદ જયારે તેની સંખ્યા ફટાફટ વધી અને વિવિધ વિસ્તારોમાં ચેપ ફેલાવા લાગ્યો. જૈન સમાજમાં કોરોનગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધતા રોજગારી વગરના આ કપરા સમયમાં મેડિકલનો ખર્ચ આર્થિક બોજ ન બને તે હેતુથી ડેપ્યુટી મેયર નિરવભાઈ શાહ દ્વારા શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘના પ્રમુખ નીતિનભાઈ શાહ દ્વારા સંપ્રતિ કોવીડ આઇસોલેશન સેન્ટર દિવાળી બાગ કમ્યુનિટી હોલ અડાજણ ખાતે શરુ કરવામાં આવ્યું.
ધાર્મિકતા, યોગા સાથે કોવિડ સેન્ટરમાં સારવાર અપાય
જે રોગે દુનિયાને ઘૂંટણિયે બેસાડી છે ત્યારે આ કોવિડ સેન્ટરમાં દાખલ થયેલા 1025 જેટલા દર્દીઓએ જાણે એક તહેવારની ઉજવણી કરતા હોય એ રીતે કર્યો અને આ લડાઈમાં જીતીને પોતાના પરિવાર સાથે ફરીથી આનંદ ઉલ્લાસ સાથે જીવનની શરૂઆત કરી.
સંપ્રતિ કોવીડ આઇસોલેશન સેન્ટરમાં દરરોજ પ્રભુ દર્શન, યોગા, પ્રભુ વંદના, આરતી, મંગલ દીવો ત્રણેય સમયની સાધર્મિક ભક્તિ,ચોવીયારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
હોમિયોપેથીક, આયુર્વેદિક, એલોપેથીથી કરાયો ઉપચાર, મનોરંજન પણ પુરુ પડાયું
નેબ્યુલાઇઝર,ઇન્જેક્શન,બોટલ,ઓક્સિજન,હોમિયોપેથીક,આયુર્વેદિક અને એલોપેથી દવાઓ તથા તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટની સુવિધા સહિત સફળ ઉપચાર સાથે 24 કલાક ડોક્ટર અને નર્સની દેખરેખ નીચે સારવાર લઈ 1025 થી વધુ દર્દીઓ સરેરાશ 10 દિવસ રહ્યા. એક દર્દીના એક દિવસના S.M.C બેડના ભાવ મુજબ ગણતરી કરતા અંદાજિત 10 કરોડ રૂપિયા આ જૈન સમાજ અને સુરત શહેરના પ્રજાજનોના હોસ્પિટલ તેમજ મેડિકલ માં જતાં બચ્યા. મનોરંજન માટે પ્રોજેક્ટર વાઇફાઇ જેવી સુવિધાઓ સહિત શારીરિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતાં ક્રિકેટ,વોલીબોલ,સંગીતખુરશી જેવી રમતો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થતા નું પણ ધ્યાન રાખવામાં આવ્યું.
આ કોવિડ સેન્ટરમાં તહેવારોની પણ ઉજવણી કરાય
કોરોના મહામારી માં જ્યારે સોશિયલ ડિસ્ટન્સ જ એક માત્ર પોતાને સંક્રમિત થતા અટકાવવાનો ઉપાય હતો ત્યારે તહેવારોની ઉજવણીથી સહુ વંચિત રહ્યાં છે ત્યારે “સંપ્રતિ કોવીડ આઇસોલેશન સેન્ટર”માં દરેક પ્રકારના સાવચેતી ના નિયમોના પાલન સાથે રક્ષાબંધન, પર્યુષણ મહાપર્વ, મહાવીરસ્વામી જન્મવાંચન અને નવરાત્રીમાં આદ્યશક્તિની આરાધના અને ગરબાની ઉજવણી જોશભેર કરવામાં આવી.
સેવા સાથે આશિર્વાદ મળ્યા: નિરવ શાહ
ડેપ્યુટી મેયર નિરવ શાહે કહ્યું કે, આઈસોલેશન સેન્ટરમાં દસ મહિનાના બાળકથી લઈને 85 વર્ષના વડીલોએ અમને સેવા કરવાનો લાભ આપ્યો સાથે જૈન સમાજના 20 થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોના આચારનું ચુસ્તપણે પાલન થાય તે રીતે અલગ વ્યવસ્થા કરી તેઓની સેવા સાથે આશિર્વાદ મેળવવાનો અનેરો અવસર અમને પ્રાપ્ત થયો તે અમારા માટે સૌભાગ્યની વાત છે. અમે આ કોરોનાકાળમાં માનવીય સેવા સાથે જીવદયાની પણ સેવા કરી શક્યા તેમનો અમને સંતોષ છે.