દિવાળી માટે એસટી નિગમે આ વ્યવસ્થા કરી છે, સુરતથી કેમ ડિમાન્ડ નથી?

કોરાનાકાળમાં સરકારી ગાઈડલાઈનને અનુસરતા જીએસઆરટીસી (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ, એસટી) વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને  નવી 34 પ્રિમીયમ વોલ્વો બસો દોડાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આજ ચાર નવેમ્બરથી નવી 34 બસો દોડાવવાની શરૂઆત કરી છે. કોરોનાને કારણે 3 તબક્કામાં એસટી નિગમ દ્વારા 40-40 પ્રિમીયમ બસો દોડાવવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. તે અંતર્ગત હાલમાં 120 વોલ્વો સીટર, વોલ્વો સ્લીપર અને બસો દોડી રહી છે ત્યારે દિવાળીને ધ્યાનમાં રાખીને નવી 34 બસો ચલાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. જોકે, સુરતથી આ વખતે દિવાળી સ્પેશિયલ બસો દોડાવવામાં આવે છે તેની સંખ્યા કદાચ બહુ ઓછી હોય શકે છે.

દિવાળીને ધ્યાને રાખીને વધુ 34 બસો ચલાવવામાં આવશે. જેમાં ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વોલ્વો બસ દોડશે. ઉપરાંત દીવમાં પણ મુસાફરોના ઘસારાને ધ્યાને રાખીને વોલ્વો સીટર અને સ્લીપર બસ શરૂ કરાશે. તેમજ ભુજથી સુરત, ભુજથી વડોદરા, મુન્દ્રાથી દીવ તેમજ રાજકોટથી નાથદ્વારા AC સ્લીપર બસ શરૂ કરવામાં આવશે. જેનું  એડવાન્સ બુકિંગ  શરૂ કરી દેવામાં આવ્યું છે.

સુરતથી વધારાની દિવાળી બસો ઓછી દોડી શકે

દર વર્ષે દિવાળી વેકેશન દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ગોધરા-દાહોદ માટે 500 જેટલી વધારાની એસટી બસોનું પ્લાનિગ કરવામાં આવે છે અને તે માટે ગ્રુપ બુકિંગ એડવાન્સમાં શરૂ કરી દેવામાં આવે છે. જોકે, આ વર્ષે હજી સુધી તેવું કોઈ પ્લાનિંગ કરાયું નથી. સુરત એસટીના વિભાગીય નિયામક સંજય જોશીને આ અંગે પુછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે, કોરોના કાળમાં આમ પણ ધંધા-રોજગાર લાંબો સમય બંધ રહ્યાં છે અને હજી તે શરૂ થયા છે. હીરા ઉદ્યોગ પણ હાલ જ શરૂ થયો છે. લોકડાઉન અને ત્યારબાદ લાંબો સમય લોકો વતન રહીને આવ્યા છે. જ્યારે ઘણાં હજી આવ્યા જ નથી ત્યારે ફરી વતન જવા માટે બસની ડિમાન્ડ એવી જોવા મળી નથી. આ મામલે અમે બેઠકો કરી રહ્યાં છે. જોકે, દર વર્ષની જેમ એટલી બસ કદાચ નહીં દોડાવાય. જરૂરિયાત મુજબ નિર્ણય લેવાશે.

ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, દિવાળી વેકેશનમાં આ વખતે વતન જવાનું કોઈ પ્લાનિંગ જ નથી. ઘણાં મહિનાઓથી રત્નકલાકારો ઘરે બેઠા હતા. માંડ હવે ધીરેધીરે ગાડી પાટે ચઢી રહી છે ત્યારે વેકેશનનું અમે વિચાર્યું જ નથી. માત્ર પાંચ દિવસનું વેકેશન એ પણ તહેવારને લઈને ના છૂટકે રાખ્યું છે. હજી, 20 ટકા કારીગરો વતનથી પરત ફર્યા જ નથી. એવામાં ફરી એસટી બસ અને ભાંડાની ચર્ચા કરીએ તેવું સંભવ નથી. આ વખતે રત્નકલાકરો વતન જશે જ નહીં અને તેઓ પોતાની આર્થિક સ્થિતિ સુધારવા કામ કરવા માંગી રહ્યાં છે.

Leave a Reply

Translate »