આજરોજ સુરત મહાનરપાલિકા દ્વારા ઉધના ઝોનમાં બમરોલી સંકુલ ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.૧૩૦.૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ટ્રાન્સમીશન લાઈન, ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સાંસદ સી.આર.પાટીલ તથા મેયર જગદીશ પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું.
આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે “ આપણા રાજયમાં ગામથી લઈને મહાનગરપાલિકામાં પીવા લાયક પાણી, શાળાઓ, હોસ્પિટલો, રોડ, ડ્રેનેઝ લાઇન સહિતના અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. પાણી વિના ઔદ્યોગિક એકમો ચલાવી ન શકાય. એકમો માટે પાણી મુળભુત જરૂરીયાત છે. આવા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગંદા પાણીને શુધ્ધ કરીને ઔદ્યોગિક એકમોની જરૂરિયાતને પરિપૂર્ણ કરી શકાશે તેમ પાટીલે જણાવ્યું હતું.”
આ પ્રસંગે મહાનગર પાલિકાના મેયર ડો.જગદિશ પટેલે જાણાવ્યું કે “આપણું સુરત શહેર અનેક પ્રકલ્પોના નિર્માણથી દેશભરમાં ખ્યાતિ પામ્યું છે. શહેરમાં અનેક સ્થળો પર લોકોને ઉપયોગી વિકાસકામોને પાલિકાએ સાકારિત કર્યા છે, જેમા સૌથી મોટા ફાળો રાજય સરકારનો છે. આ પ્લાન્ટના નિર્માણથી રહેણાંક વિસ્તારોમાંથી નીકળતા ગંદા પાણીને શુધ્ધ કરીને ફરી ઔદ્યોગિક એકમોને આપવામાં આવશે. જેનાથી પર્યાવરણની જાળવણી સાથે પાણીનો ફરી ઉપયોગ શકય બનશે. આપણું શહેર માત્ર એવું શહેર છે જેમાં ૯૪ ટકા ડ્રેનેજ નેટવર્ક છે. ૯૯.૫ ટકા લોકો ભુર્ગભ નેટવર્કનો લાભ લઈ રહ્યા છે. ૧૧૫૭ કિલો મીટર લંબાઇની ભુર્ગભ ડ્રેનેઝ લાઇન પાલિકાએ બનાવી હોવાનું મેયરે કહ્યું હતું.
સચીન જી.આઇ.ડી.સી. સ્થિત ટેક્ષટાઈલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીસ વેલફેર ઓસોસિયેશનની જગનભાગીદારીથી તૈયાર થયેલા પ્લાન્ટથી ઔદ્યોગિક એકમોની પાણીની જરૂરીયાત પૂર્ણ થશે. જેનાથી અંદાજીત ૨૧ લાખ લીટર ગંદા પાણીને શુધ્ધ કરીને ફરી ઉપયોગમાં લઈ શકાશે.
