ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના આર્થિક અને વેપારી સંબંધો સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે વધતા રોકાણ, ઔદ્યોગિક સહકાર અને વ્યાપારી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ભારતથી સુરત સ્થિત કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક જી. પટેલ સહિતનું ઉદ્યોગજગતનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયાની મુલાકાતે પહોંચ્યું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગની નવી તકો શોધવાનો અને વેપારી સંબંધોને વધુ વિસ્તૃત કરવાનો છે.
સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત ડૉ. સુહેલ ખાને ભારતીય પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેપી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક પટેલ કરી રહ્યા છે. તેમની સાથે હિલાલ ESG લિમિટેડના મુખ્ય સલાહકાર જફર સરેશવાલા પણ હાજર છે. પ્રતિનિધિમંડળની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સાઉદી અરેબિયામાં રોકાણ, ઊર્જા, રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી અને અન્ય આર્થિક ક્ષેત્રોમાં સહયોગની નવી સંભાવનાઓ શોધવાનો છે.

રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુલાકાતની માહિતી શેર કરતાં જણાવ્યું કે રાજદૂત ડૉ. સુહેલ ખાને ભારતીય ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઝડપથી મજબૂત બની રહેલા આર્થિક સંબંધો અને વેપારી સહયોગની સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
દૂતાવાસના જણાવ્યા મુજબ, બેઠકમાં બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) ભાગીદારી, રોકાણ સહયોગ અને લાંબા ગાળાના આર્થિક સંબંધોને નવી ગતિ આપવાના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બંને પક્ષોએ સહમતી વ્યક્ત કરી કે ભારત અને સાઉદી અરેબિયાના ખાનગી ક્ષેત્રો વચ્ચે વધતો સહયોગ ભવિષ્યમાં બંને દેશોની અર્થવ્યવસ્થાઓ માટે લાભદાયક સાબિત થશે.

કેપી ગ્રુપની મહત્વપૂર્ણ ભૂમિકા, સાઉદી ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઓથોરિટીના CEO સાથે પણ ડૉ. ફારુક પટેલની મુલાકાત
પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ડૉ. ફારુક પટેલ ભારતની અગ્રણી કંપની કેપી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. કંપની ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સોલાર અને વિન્ડ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને ઈન્ફ્રા. ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં અગ્રેસર છે. ઉપરાંત કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલ સહિતના પ્રતિનિધિમંડળે સાઉદી ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઓથોરિટીના સીઈઓ ખાલેદ અલ- ખત્તાફે સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

આ બેઠકનો મુખ્ય હેતુ સાઉદી અરેબિયામાં કેપી ગ્રુપના વિસ્તરણની સંભાવનાઓનું અન્વેષણ કરવાનો તેમજ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) અને સંબંધિત ઉદ્યોગોમાં રોકાણ આધારિત સહયોગને વધુ મજબૂત બનાવવાનો હતો.
બંને પક્ષોએ સાઉદી અરેબિયામાં ઉપલબ્ધ રોકાણની તકો અને ત્યાંના વ્યવસાયલક્ષી વાતાવરણ દ્વારા મળતા સ્પર્ધાત્મક લાભોની પણ વિસ્તૃત સમીક્ષા કરી. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ઉદ્યોગોનું લોકલાઇઝેશન, ઉત્પાદન એકમો (મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ) સ્થાપવાની સંભાવનાઓ તથા સ્થાનિક અને પ્રાદેશિક બજારોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેના સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી.
નિષ્ણાતોનું માનવું છે કે સાઉદી અરેબિયા પણ પોતાના વિઝન 2030 કાર્યક્રમ હેઠળ ઊર્જાના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવા અને હરિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે સક્રિય રીતે કાર્યરત છે. તેથી ભારતીય કંપનીઓ માટે ત્યાં રોકાણ અને ભાગીદારીની વિશાળ તકો ઉપલબ્ધ છે.
કેપી ગ્રુપના સીએમડી ડો. ફારુક પટેલે કહ્યું હતું કે, સઉદી અરબમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સહિતના સેક્ટરમાં ઘણી મોટી તક રહેલી છે. અમારી મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી છે અને તેનું પરિણામ તમને આગામી દિવસોમાં જોવા મળશે
