સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટના બોર્ડ રૂમમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરની અધ્યક્ષતામાં મળેલી મિટીંગમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિ વિષયે વિસ્તૃત ચર્ચા થઇ હતી. આ ઉપરાંત, મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ ચેમ્બરના હોદ્દેદારો સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી.
ચેમ્બર તેના તમામ સભ્યોને અને એસોસીએશનોને એવી નમ્ર વિનંતી કરે છે કે આપના ઔદ્યોગિક સંસ્થાનોમાં કોવીડ-૧૯ સંદર્ભે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરે. કોઇપણ કારીગર માસ્ક વગર સંસ્થામાં પ્રવેશ કરવો જોઈએ નહિ. કારખાનાઓ અથવા તો સંસ્થાનોમાં પ્રવેશ દ્વારે હેન્ડ સેનિટાઈઝરની વ્યવસ્થા હોવી જરૂરી છે. કામ કરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થવું અતિ આવશ્યક છે.
કામદારો અને કારીગરોની બિન જરૂરી ગતિવિધિઓ પર અંકુશ લાવવા માટે ભલામણ કરવામાં આવે છે. સોમવારથી જયારે કારખાનાઓ કાર્યરત થશે ત્યારે વતનથી પરત આવેલા કામદારો અને કારીગરો કે જેઓને કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ જણાય તો તેઓને સુરત મહાનગરપાલિકાના કોવીડ ટેસ્ટીંગ સેન્ટર પર મોકલીને ટેસ્ટ કરાવવો અતિ આવશ્યક છે અથવા તો તેઓને સાત દિવસ માટે હોમ કોરન્ટાઇન કરવા કે જેથી કોરોનાનો વ્યાપ વધે નહિ.
સુરત છેલ્લા એક મહિનાથી ધમધમતું થયું છે. જરા સરખી ભૂલ વધુ એક વખત આપણને આર્થિક અને શારીરિક રીતે નુકસાન કરાવી શકે છે. આ બાબતને આપણે ભૂલવી જોઈએ નહિ.
દિનેશ નાવડીયા
પ્રમુખ