ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા કામદારોના હિતમાં ચેમ્બરની કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા રાજ્ય સરકારના મંત્રીને વિવિધ મુદ્દાઓ સાથેની રજૂઆત
સુરત. ચેમ્બરની લેબર લો કમિટીના ચેરમેન સોહેલ સવાણીએ ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવાર સાથે રૂબરૂ મુલાકાત કરી હયાત મજૂર કાયદાઓ અને આવનારા ચાર નવા મજૂર કોડ સંદર્ભે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા કામદારોના હિતમાં રજૂઆત કરી હતી. મંત્રીએ આ અંગે વિસ્તૃત ચર્ચા કરવા માટે ચેમ્બરને નવી દિલ્હી ખાતે પધારવા આમંત્રણ પણ આપ્યું હતું. આ અંગેની રજૂઆત ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરને પણ કરવામાં આવી હતી.
આઝાદી સમયના જટિલ મજૂર કાયદાઓનું સરળીકરણ કરી કુલ ર૯ જેટલા મજૂર કાયદાઓનો આવનારા ચાર નવા મજૂર કોડમાં સમાવેશ કરી જુદા–જુદા લાયસન્સોને બદલે એક જ લાયસન્સ અને ઓનલાઇન સિંગલ રિટર્ન જેવા ઘણા બધા ફેરફારો કરી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ કામદારોના હિતમાં વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવેલા ધરખમ ફેરફારો અંગે ચેમ્બર વતી સોહેલ સવાણીએ મંત્રીને અભિનંદન આપ્યા હતા.
ચેમ્બર દ્વારા નીચે મુજબના વિવિધ મુદ્દાઓને લઇને રજૂઆત કરવામાં આવી હતી.
- અગાઉ સરકારે સ્મોલ ફેકટરીઝ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટની જોગવાઇ અનુસાર ૪૦થી ઓછા કામદારોવાળી સંસ્થાઓને મજૂર કાયદામાંથી છૂટછાટ મળશે તેવી જાહેરાત કરી હતી. આ કાયદામાંથી એમ.એસ.એમ.ઇ.ને સેલ્ફ ડેકલેરેશન આપી આવી છૂટછાટ ૪ નવા મજૂર કોડમાં પણ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
- મજૂર કાયદા હેઠળ ઇન્સ્પેકશન પ્રથામાં માલિકો દ્વારા સેલ્ફ ડેકલેરેશન આપી દર વર્ષના ઇન્સ્પેકશનમાં જરૂરી છૂટછાટ મળી રહે તે અંગે રજૂઆત કરી હતી.
- ર૦થી ઓછા કામદાર ધરાવતી સંસ્થા, ફેકટરી, કોન્ટ્રાકટરો અને કન્સ્ટ્રકશન સાઇટ ઉપર માસિક પગારની ચૂકવણી રોકડથી કરી શકાય તે માટે રજૂઆત કરી હતી. આ બાબતે ગુજરાત સરકારના વર્ષ ર૦૧૭ના નોટિફિકેશન (એકઝમ્પ્શન) મુજબ મંજૂરી મળી રહે તેવી માંગણી કરી હતી.
- આવનારા ૪ નવા મજૂર કોડમાં પગારની વ્યાખ્યા વધુ સરળ અને સમજણભરી બની રહે તે માટે રજૂઆત કરી હતી.
- પ્રોવિડન્ડ ફંડમાં કામદારનો ફાળો ૧ર ટકાથી ઘટાડીને ૮.૩૩ ટકા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
- ગ્રેજ્યુઇટીની ચૂકવણી પ વર્ષના બદલે ૭ વર્ષમાં કરવામાં આવે.
- ઇએસઆઇની હોસ્પિટલોમાં માળખાગત સુવિધાઓ અને સારવાર વધુ સારી અને સગવડ સાથે આપવામાં આવે.
- ઇએસઆઇમાં નોંધાયેલા કામદારોને વાર્ષિક હેલ્થ ચેકઅપની સુવિધા આપવામાં આવે.
- ઇએસઆઇ અને પ્રાઇવેટ ઇન્સ્યુરન્સ આ બેમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો અધિકાર કામદારોને મળી રહે.