ઉદ્યોગમાં યુનિયને હડતાળ કરવાના 14 દિવસ પહેલા સંસ્થાને નોટિસ આપવી પડશે

 ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને એફડીઆઇને આકર્ષવા ભારત સરકારના પ્રયાસોમાંથી એક એવા ચાર નવા મજુર કોડ કે જે કાયદાનું સ્વરૂપ લઇ ચૂકયા છે. આવા અત્યંત જરૂરી વિષય ઉપર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નવા ચાર મજુર કોડ ઉપર નોલેજ સિરીજનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે મંગળવારે, તા. ૩ નવેમ્બર ર૦ર૦ના રોજ ‘ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, ર૦ર૦’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વક્‌તા તરીકે ગુજરાતના ભૂતપૂર્વ એડીશનલ લેબર કમિશનર કે.એસ. ગીલ દ્વારા કોડ ઓન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, ર૦ર૦થી તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કે.એસ. ગીલે જણાવ્યું હતું કે, એપ્રિલ ર૦ર૧થી ચારેય મજુર કોડ ભારતમાં લાગુ પડવા જઇ રહયાં છે. જેમાં ટ્રેડ યુનિયન એક્‌ટ, સ્ટેન્ડીંગ ઓર્ડર અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્‌ટ ખતમ થઇ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડમાં સમાઇ જશે. કોડમાં ૩૦૦ કે તેથી નીચે કામદારોવાળી સંસ્થાઓ સરકારની મંજૂરી વગર જ કામદારોને લે ઓફ / છટણી કે સંસ્થા બંધ કરી શકશે. ભારતમાં લગભગ ૮૦ ટકા જેવા ઉદ્યોગોમાં અનુમાનીત ૩૦૦થી નીચે કામદારો હોય છે, જેઓને આનો સીધો લાભ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગમાં યુનિયને હડતાળ કરવાના ૧૪ દિવસ પહેલા સંસ્થાને નોટીસ આપવી પડશે. લેબર કોર્ટ સંપૂર્ણ રીતે નાબુદ થશે અને ટ્રિબ્યુનલમાં તમામ કોર્ટ કેસો ટ્રાન્સફર થશે. ૩૦૦થી ઉપર કામદારોવાળી સંસ્થાઓએ સ્ટેન્ડીંગ ઓર્ડર ફરજિયાત સર્ટિફાઇડ કરાવવાના રહેશે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. જ્યારે ચેમ્બરની લેબર લો કમિટીના ચેરમેન અને સવાણી ઇન્સ્ટીટયુટ ઓફ લેબર લોજ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટના ફાઉન્ડર સોહેલ સવાણીએ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું.

Leave a Reply

Translate »