કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્યમાં શાળા-કોલેજો 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. શાળા-કોલેજો ખોલવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. તો બીજી તરફ ડૉક્ટરો પણ સરકારને આ મહામારી શાળા શરૂ ન કરવા માટે અપીલ કરી રહ્યા છે અને વાલીઓ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદમાં તો કેસ વધતા રાત્રિ કરફ્યુ ફરી શુક્રવારથી લાગી જવાનો છે ત્યારે પણ રાજ્ય સરકાર દ્વારા શાળા ખોલવાના નિર્ણયમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેવામાં સુરતમાં શાળા કોલેજો શરૂ કરવાને લઇને સુરત મહાનગરપાલિકાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીએ જાહેરાત કરી છે કે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં શાળાઓ શરૂ કરવામાં આવશે નહીં. આં ઉપરાંત તેમણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ અપીલ કરી હતી અને ગાઈડલાઈન અનુસાર જ શાળા-કોલેજો શરૂ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શાળા અને કોલેજો રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર ખુલે તે પ્રકારે તમામ શાળા અને કોલેજોના સંચાલકોની સાથે એક બેઠક કરવામાં આવી છે. આ બાબતે શાળાના સંચાલકોને તો ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે પણ સાથે-સાથે વાલીઓને પણ ખાસ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતી એક પણ શાળા ખોલી શકાશે નહીં. માત્ર નોન કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં જ શાળા ખોલી શકાશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડલાઈન બાબતે વાલીઓ અને બાળકોને માહિતી આપવામાં આવે અને ગાઈડલાઈનનું કડકપણે અમલ કરવામાં આવે તો જ 23 તારીખ પછી શાળા ખોલી શકાય.સુરતમાં શાળા કોલેજો શરૂ થયા પછી વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા શાળા અને કોલેજનાં સંચાલકો સાથે બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં શાળા-કોલેજનાં સંચાલકોને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. બીજી તરફ, શાળા સંચાલકોએ વાલીઓને વોટ્સએપ પર ફોર્મ મોકલીને સંમત્તિ માંગી રહ્યાં છે. જોકે, 90 ટકા વાલીઓ હજી પણ બાળકોને સ્કૂલ મોકલાવાનો ઈન્કાર કરી રહ્યાં છે. હવે દેશભરમાં કેસ વધી રહ્યાં છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી ત્યારે વાલીઓ ચિતિંત હોય તે સ્વભાવિક છે. પહેલા જે વાલીઓએ મોકલવા સંમત હતા તેઓ હવે બાળકો માટે કોઈ રિસ્ક લેવા તૈયાર નથી. ત્યારે ઓનલાઈન શિક્ષણ પર જ ભાર મુકાય તેવું લાગી રહ્યું છે. શાળા સંચાલકોને પણ સ્કૂલની સાથે ઓનલાઈન શિક્ષણ આપવું મુશ્કેલીરૂપ સાબિત થઈ શકે છે.