સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આજ રોજ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલને જીઇબી દ્વારા ૧પ વર્ષ પહેલા બનેલા બાઉન્ડ્રી ડી માર્કીંગની કાયદાકીય જોગવાઇમાં હાલની ઔદ્યોગિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ફેરફારો કરવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.
ચેમ્બરે ઉર્જા મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, એચટી પાવર કનેક્શન આપતી વખતે ડિસ્કોમ દ્વારા જીઇબીના આજથી ૧પ વર્ષ પહેલા બનેલા પરિપત્રને અનુસરવામાં આવે છે. આ પરીપત્ર પ્રમાણે એચ.ટી. કનેક્શન મેળવવા ઈચ્છતી કંપની દ્વારા પાવર બાઉન્ડ્રીને ફીઝીકલી ડી માર્કીંગ કરવાની જોગવાઈ છે. પરિપત્રની કલમ ૧.૩ મુજબ કોઈપણ ખુલ્લી જગ્યામાં બે આજુ–બાજુના એકમો વચ્ચે ઓછામાં ઓછી છ ફૂટની ઊંચાઈ જી.આઇ. વાયર ફેન્સીંગ, ચેઈન લીન્ક ફેન્સીંગ હોવું ફરજીયાત છે.
આ જ પરિપત્રની કલમ ૧.ર મુજબ કોઈપણ બાંધકામ થયેલી બિલ્ડીંગ કે ફેક્ટરી શેડ, એ ભોંયતળીયાથી છત સુધી કાયમી પ્રકૃતિની દિવાલથી અલગ તારવવી જોઈએ. પરંતુ હાલમાં ચલિત ફાયર સેફ્ટી નોમ્સ પ્રમાણે ફાયર એકઝીટ આપવાનું પ્રાવધાન હોય, કલમ ૧.ર નું પાલન કરવું કાયદાકીય દ્રષ્ટિએ ફેક્ટરી એક્ટ પ્રમાણે શક્ય થતું નથી. વધુમાં ઔદ્યોગિક એકમો ગ્રામીણ વિસ્તારમાં આવેલા હોય અને એ એકમની જમીન ઘણી મોટી હોય, કલમ ૧.૩ ની જોગવાઈ મુજબ બાર્બડ વાયર ફેન્સીંગ કરી શકતી નથી.
ઉપરોક્ત બંને સંજોગોને ધ્યાનમાં રાખી નવા એચ.ટી. કનેક્શન આપવાની જોગવાઈ, જે આજથી ૧પ વર્ષ પહેલા બનેલા જે તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવેલી હોઇ પણ આજની ઔદ્યોગિક સ્થિતિ અને ફાયર સેફ્ટીના ધોરણો મુજબ સુસંગત નથી. આથી તેને બદલવું અનિવાર્ય બને છે. કારણ કે, નવા એચ.ટી. કનેક્શન લેતી વખતે ડિસ્કોમ દ્વારા ઉપરોક્ત પરિપત્રને ધ્યાને લઈ નવા કનેક્શન અપાતું નથી અને જો કનેક્શન લેવા જઈએ તો ફાયર સેફ્ટીના ધોરણો પરિપૂર્ણ થતા નથી. આથી આ જોગવાઇ બદલવા માંગણી કરાઈ છે. હાલની ઔદ્યોગિક વ્યવસ્થા પ્રમાણે પાણી, સ્ટીમ, ફ્લ્યુઈડ/એફ્લ્યુએન્ટ જેવી ચીજ વસ્તુઓનું એક ઔદ્યોગિક એસ્ટેટમાં કોમન હોય છે અને સહીયારુ વપરાશ / સહીયારુ નિકાલ કરવા અંતર્ગત માળખાકીય સુવિધાઓનું એકભાગ હોઇ શકે છે. જેના કારણે બે આજુ–બાજુમાં આવેલા ઔદ્યોગિક એકમો સંપૂર્ણ રીતે ફીઝીકલી ડી માર્કીંગ કરવું શકય નથી. આ બધી સ્થિતિને ધ્યાને લઈ નવા એચ.ટી. કનેક્શન મેળવવાની જોગવાઈ અંગેના પરિપત્રમાં જરૂરી ફેરફાર કરવા માટે ચેમ્બર દ્વારા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group