સ્કૂલ ખોલવા સરકાર મક્કમ તો વાલી મંડળે કહ્યું વિદ્યાર્થીને ચેપ લાગે તો બિલ સ્કૂલ ભરે

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવા માટે સરકારે જાહેરાત કરી દીધી છે. માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે કેટલીક સ્કૂલોએ તૈયારી શરૂ કરી છે અને વાલીઓના અભિપ્રાય વોટ્સએપ પર મેસેજ મારફત લેવામાં આવી રહ્યાં છે. આમ તો મોટાભાગના વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનો નનૈયો ભણી દીધો છે અને જ્યાં સુધી કોરોના રસી ન આવે અથવા સંપૂર્ણ અંકુશ ન આવે ત્યાં સુધી સ્કૂલ શરૂ ન કરી ઓનલાઈન અભ્યાસ કરાવવા પર ભાર મુક્યો છે. એવામાં ગુજરાત વાલી મંડળે સરકાર સમક્ષ માંગ કરી છે કે, સ્કૂલો શરૂ થયા બાદ જો કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેનું હોસ્પિટલનું બિલ સ્કૂલોએ ભરવાનું રહેશે. તે ઉપરાંત દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે કોવિડ-19 વોર્ડ ઊભો કરવાનો રહેશે.
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે મીડીયાને જણાવ્યું હતું કે સરકાર 23મી નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવા મક્કમ છે. ત્યારે અમારી માંગ છે કે , સ્કૂલો શરુ થયા પછી દરેક સ્કૂલની બહાર કોવિડ-19નું ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવું તેમજ રાજ્યના દરેક જિલ્લામાં તથા શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે ખાસ કોવિડ-19 વોર્ડ ઉભો કરવાનો રહેશે. RTPCR નો રિપોર્ટ દરેક શિક્ષણ અને નોન ટીચિંગ સ્ટાફ તથા સ્કૂલના અન્ય સ્ટાફે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સમક્ષ રજુ કરવાનો રહેશે. જો કોઈપણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની સારવાર માટેનું હોસ્પિટલનું બિલ સ્કૂલોએ ભરવાનું રહેશે.

વાલી બાંયેધરી પત્રક પર સહી ન કરે, વાલીઓ પર જવાબદારી ન થોપાય: વાલીમંડળ

ઉપરાંત સરકારે સ્કૂલો શરૂ કરવાની પોલિસી કે SOP તૈયાર કરતા સમયે શિક્ષણ તજજ્ઞો અને વાલીમંડળને સાથે રાખવાં જોઇએ. વાલી બાંહેધરી આપશે તો સંચાલકોની કોઇ જવાબદારી રહેશે નહીં. આ સ્થિતિમાં માત્ર એકની જવાબદારી નક્કી થવી જોઇએ નહીં. સ્કૂલો શરૂ કરવા મુદ્દે વાલીમંડળને સામેલ કરવા સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે બાળકને સ્કૂલે મોકલવાની જવાબદારી વાલીની રહેશે નહીં. વાલી બાળકની કોઈ બાંહેધરી પર સહી કરશે નહીં. સરકાર સ્કૂલો ખોલવા અંગે જે પોલિસી તૈયાર કરે તેને વાલી પર થોપી દેવામાં ન આવે. વાલી પાસે બાળકોને સ્કૂલે મોકલવા કે ન મોકલવા અંગે વિકલ્પ હોવો જોઇએ.

સરકારે 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવા આ રીતની ગાઈડલાઈન જારી કરી છે…

  • 23 નવેમ્બરથી તમામ સરકારી/ સ્વ નિર્ભર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન  શૈક્ષણિક કાર્ય ફરીથી શરુ કરવામાં આવશે. ઓફલાઈન શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે. તથા તે માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થીના વાલીઓ પાસેથી લેખિતમાં સંમતિ પત્રક મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ના જોડાય તેઓ માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા સ્કૂલોએ કરવાની રહેશે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત ચેનલ અને દૂરદર્શન ડી.ડી. ગિરનાર પરથી પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના રહેશે.
  • અઠવાડિયાના સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલોએ બોલાવવાના રહેશે. જ્યારે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને સ્કૂલોએ બોલાવવાના રહેશે.
  • વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતાને ધ્યાને લઈને શાળાઓએ વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે. જેથી 2 વિદ્યાર્થીઓ વચ્ચે ભારત સરકારની SOP પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. વધુમાં કયા વિષય/અભ્યાસક્રમ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય લેવા માટે સ્કૂલના આચાર્ય સક્ષમ રહેશે.
  • વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે ફેસ માસ્ક ફરજિયાત રહેશે. અને સતત મોનીટરિંગ દ્વારા કોઈ પણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી કે શિક્ષક શાળા સંકૂલમાં ના પ્રવેશે તેની કાળજી સંબંધિત સત્તાધિકારીએ લેવાની રહેશે.
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા અથવા પરિવારમાં કોરોના સંક્રમિત કોઈ વ્યક્તિ હોય તેવા વિદ્યાર્થી કે સ્ટાફના કોઈ પણ વ્યક્તિ સ્કૂલમાં હાજર રહી શકશે નહીં. કન્ટેન્ટમેન્ટ ઝોનના વિસ્તારમાં સ્કૂલ હોય તો સ્કૂલ ખોલી શકાશે નહીં.
  • ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ S.O.Pમાં દર્શાવ્યા પ્રમાણે તમામ સંબંધિતો જેવા કે આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ,SMC સભ્ય વગેરેના કેપેસીટી બિલ્ડિંગ અંગેની કાર્યવાહી ગુજરાત શૈક્ષણિક સંશાધન અને તાલિમ પરિષદ તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને કરવાની રહેશે.
  • આ તમામ કાર્યવાહી ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ S.O.P/ માર્ગદર્શિકાની ગાઈડલાઈનને અનુસરીને કરવાની રહેશે.(www.education.gov.in પર ઓનલાઈન ઉપલબ્ધ છે)

Leave a Reply

Translate »