સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામણને બજેટ પૂર્વે પરોક્ષ વેરા સંદર્ભે રજૂઆતો કરવામાં આવી છે. ચેમ્બરે કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આ નાણાંકીય વર્ષ કોરોનાને કારણે અજોડ રહ્યું અને ઐતિહાસિક રીતે વિશ્વ અર્થતંત્રને ખરાબ અસર થઈ. આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી વેપાર અને ઉદ્યોગને બહાર પાડવા સરકારે લીધેલા પગલા પ્રશંસનીય છે છતાં અર્થતંત્રને ફરી પાટે લાવવા હજી ઘણું કરવાની જરૂર છે. ચેમ્બરે ખાસ અનુરોધ કર્યો કે આવનાર વર્ષ કરદાતાઓ માટે દયાળુ રાખવાની જરૂર છે.
ચેમ્બરે સૂચવ્યું છે કે, છ દાયકાઓમાં અવારનવાર સુધારા, પાછલી અસરના સુધારાને લીધે આવકવેરા કાયદો બહુ ગૂંચવાઇ ગયો છે. એના પાલન માટે ધંધાએ વકીલ રાખવો પડે છે. એટલે જો ખરેખર કોઇ સુધારાની જરૂર ન હોય તો આ કાયદાને એમ ને એમ છોડી દેવો, સ્પષ્ટતા અને સમજણ માટે એને સ્થિર થવા દેવો. બજેટમાં જીડીપી ગ્રોથ વધારવા પર ભારની જરૂર છે. ચેમ્બરે આ સિવાય પરોક્ષ વેરામાં ફેરફારો અને સુધારા માટે જે રજૂઆતો કરી એ મુખ્યત્વે નીચે મુજબ છે.
- વ્યાજની જવાબદારી અંગે સીજીએસટી એક્ટની કલમ પ૦માં સુધારોઃ કર ભરવાનો રહી જાય તો કરદાતાએ એના પર વ્યાજ ભરવું પડે. વ્યાજની ગણતરી માટે હજી કોઇ ચોક્કસ નિયમો ઠરાવાયા નથી એટલે વિભાગ નોટિસમાં વ્યાજની ગણતરી કરી મોકલે છે એ રદબાતલ ઠરે છે. વિભાગે ગણતરીની જે પદ્ધતિ અપનાવી છે એનાથી આ મુદ્દો ઊભો થયો છે. તે ડ્યુ ડેટથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને કેશ ચૂકવણી ધ્યાને લીધા વિના કુલ જવાબદારી પર વ્યાજ નક્કી કરે છે. સરકારે હવે ૧ સપ્ટેમ્બર ર૦ર૦થી ચોખ્ખી જવાબદારી પર વ્યાજ લેવાનું ઠરાવ્યું છે. ઓગસ્ટનું આ જાહેરનામું રિટ્રોસ્પેકટીવલી અસરથી અમલી કરવાને બદલે પ્રોસ્પેક્ટીવલી અમલી કરાતા મૂંઝવણ ઉભી થઇ છે. એટલે આને પાછલી અસરથી અમલી કરવા જરૂરી સુધારો કરવો.
- સબ કોન્ટ્રાક્ટર માટેના દર : સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓના વકર્સ કોન્ટ્રાકટ માટે સબ કોન્ટ્રાકટર માટેના દર સ્ટ્રિમલાઇન કરાયા છે અને મુખ્ય કોન્ટ્રાકટર જેટલા રખાયા છે પણ જ્યાં મેઇન કોન્ટ્રાકટરને જીએસટીમાંથી મુક્તિ છે એવા કેસમાં સબ કોન્ટ્રાકટર્સને લાગુ દર માટે હજી ગૂંચવાડો હોઇ એમને પણ મુક્તિ માટે આવશ્યક સુધારો જરૂરી છે.
- GSTR 3Bમાં સુધારાની મહિને એક વાર છૂટ : હાલની જોગવાઇ મુજબ જીએસટીઆર ૩બી એકવાર ફાઇલ થઇ ગયા બાદ તેમાં સુધારાની કોઇ મંજૂરી નથી. આવા સંજોગોમાં જો જીએસટીઆર ૩બીમાં કોઇ ક્ષતિ રહી જાય તો તેને સુધારવાની મંજૂરી મળવી જોઇએ.
- પેમેન્ટના ૧૮૦ દિવસના ગાળામાં છૂટછાટ માટે કલમ ૧૬ (ર) સુધારવી : આ કલમ મુજબ કરદાતાએ જો ઇનપુટ ટેક્ષ ક્રેડિટ જોઇતી હોય તો તેના પરચેઝ બીલનું પેમેન્ટ ૧૮૦ દિવસની અંદર કરવાની જોગવાઇ છે. કોવિડ– ૧૯ના કારણે ઘણા ઉદ્યોગો ઉપરોકત કલમનું પાલન કરી શકયા નથી. આથી આ કલમમાં સુધારો કરી પેમેન્ટ માટે વધુ દિવસ ફાળવવાની જોગવાઇ કરવી જોઇએ અને ઉપરોકત કલમમાં કરવામાં આવનાર ફેરફાર નાણાંકીય વર્ષ ર૦ર૦–ર૧ અને વર્ષ ર૦ર૧–ર૦રર સુધી અમલમાં રહેવો જોઇએ.
- વકર્સ કોન્ટ્રાક્ટ્સ, એમ્પ્લોઇઝ ગૃપ ઇન્સ્યોરન્સ પર આઇટીસીની છૂટ : હાલમાં સીજીએસટી એક્ટની કલમ ૧૭ (પ) પ્રમાણે અમુક પ્રકારની સેવાઓ ઉપર ભરેલ જીએસટી આઇટીસીને પાત્ર નથી. જેમાં વકર્સ કોન્ટ્રાકટ્સ સર્વિસ પર ઇનપુટ ટેક્ષ ક્રેડિટની છૂટ માટે જરૂરી સુધારા કરવામાં આવે. સાથે સાથે હાલની કોવિડ–૧૯ની સ્થિતિને ધ્યાને લેતા કંપનીઓએ ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ દરેક કર્મચારીઓની સલામતી માટે વીમા પાછળ ખર્ચ કરવો પડે છે અને વીમા ઉપર જીએસટી ભરવો પડે છે. હાલની જોગવાઇ પ્રમાણે તેની ઉપર ઇનપુટ ટેકસ ક્રેડિટ મળતી નથી અને કંપનીના વપરાશમાં કર્મચારીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનો કે જે ૧૩ લોકોથી વધુની ક્ષમતાવાળા હોય તેવા વાહનોની ખરીદી ઉપર લાગતા જીએસટી ઉપર આઇટીસી મેળવવાના પાત્ર થતા હોય તો આ જોગવાઇમાં બદલાવ કરી ૧૩ લોકોથી ઓછી ક્ષમતાવાળા વાહનોની ખરીદી ઉપર લાગતા જીએસટી ઉપર પણ આઇટીસી મળવી જોઇએ. તદુપરાંત ગૃહ મંત્રાલયની જોગવાઇ મુજબ કર્મચારીઓ માટે લીધેલ ઇન્સ્યુરન્સ પોલિસી ઉપર ભરેલ જીએસટીમાં પણ આઇટીસી મળવી જોઇએ.
- અપીલગાળો લંબાવવો : લોકડાઉન, કરફયૂ અને કોરોના મહામારીની સ્થિતિને જોતા કરદાતાઓને ઘણી મુશ્કેલીઓ પડે છે. આથી આવા તમામ કેસોમાં અપીલ દાખલ કરવાની મુદત ૩૧ માર્ચ ર૦રર સુધી લંબાવવી જોઇએ.
- કલમ ૭૩ (પ) અને ૭૪ (પ)માં યોગ્ય તફાવત કરવો : કલમ ૭૩ એવા કેસોને લગતી છે, જેમાં કોઇ છેતરપિંડી કે જાણી જોઇને હકીકત છૂપાવાઇ નથી. કલમ ૭૪ ઠગાઇને લગતા કેસોની છે. કરદાતાઓનો ઇરાદો મલિન ન હોય તો પણ ડિપાર્ટમેન્ટ કલમ ૭૪ ઉગામે છે. જો આમ જ હોય તો કલમ ૭૩ શું કામની? એટલે વેપારના હિતમાં બંને કલમ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરતો પરિપત્ર કે યોગ્ય સૂચનાઓ જારી કરવામાં આવે.
- કલમ ૧ર૯ (પ) અને ૧૩૦ (પ)માં તફાવત કરવો : કલમ ૧ર૯ માલસામાનની જપ્તી, અટકાયત અને છોડવાને સંબંધિત છે, જ્યારે કલમ ૧૩૦ (પ) સામાન જપ્ત કરીને ટેક્ષ, પેનલ્ટી, ફાઇન વસૂલવાને સંબંધિત છે. બંને કલમ પરસ્પર વિશેષ છે. કલમ ૧૩૦માં શબ્દપ્રયોગ ‘કરચૂકવણી ટાળવાના ઇરાદે’ મહત્વનો છે. જો ઇરાદો સ્પષ્ટ હોય તો કર ચૂકવવાની નિષ્ફળતા માત્ર રહેતી નથી. બંને કલમોમાં કેટલીક વિસંગતતા છે અને ડિપાર્ટમેન્ટ દરેક કેસમાં ૧૩૦ લગાવે છે. કાઉન્સિલે આ બંને કલમો ફરી જોઇને તેમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી જોઇએ.
- ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી જોબ વર્ક માટે ખાસ પ્રક્રિયા– આઇટીસી ૦૪ : આઇટીસી ૦૪માં ઇનપુટ કે જોબ વર્કરને મોકલેલા કે પાછા મેળવેલા સામાનની વિગતો હોય છે. દર ત્રણ મહિને પછીના મહિનાના રપમાં દિવસે એ ભરવાનું હોય છે. પણ ટેક્ષ્ટાઇલમાં જોબ વર્ક માટે સામાનની હેરફેર બહુ મોટી હોય છે અને ઉદ્યોગના પ્રકારને જોતા આ માટે ખાસ પ્રક્રિયા અગાઉના સેન્ટ્રલ એક્સાઇઝ નિયમો ર૦૦ર, નિયમ ૧રબી જેવી લાવવાની જરૂર છે જેથી તે વધુ સરળ અને યુઝર ફ્રેન્ડલી બને.
- કાર્યક્ષેત્રની વ્યાખ્યા અને ક્રોસ એમ્પાવરમેન્ટ નિયંત્રિત કરવું : સીજીએસટી અને એસજીએસટી બંનેની કલમ ૬ માં રિફંડના હેતુ માટે જ જે તે રાજ્ય કે કેન્દ્રના અધિકારીઓ યોગ્ય અધિકારી તરીકે અધિકૃત છે પણ રસપ્રદ રીતે ઇન્સ્પેક્શન, સર્ચ, સિઝર અને ધરપકડ માટે કોઇ જાહેરનામું નથી. છતાં કેન્દ્રના અધિકારીઓ રાજ્યમાં અને રાજ્યના કેન્દ્ર હેઠળ આવતા કરદાતાઓ પર આવી સત્તા વાપરે છે. કમિશનરોએ સૂચના આપી છે અને કાઉન્સિલમાં પણ ચર્ચાની મિનિટ્સ છે તેમજ સરકારે પણ ક્રોસ એમ્પાવરમેન્ટ નિયંત્રિત કરવા નોટિફિકેશનની જરૂર અનુભવી છે ત્યારે તે વહેલી તકે કરવું અને કાર્યક્ષેત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવી જોઇએ.
- મોડી ચૂકવણી પર વ્યાજ ૧૮ ટકા અને ર૪ ટકાથી ઘટાડી ૧ર ટકા કરવું : સીજીએસટી એક્ટ કલમ પ૦ (૩) પ્રમાણે વિલંબિત ચૂકવણી ઉપર કરદાતાને ર૪ ટકાથી વધારે ટેક્ષ નહીં લાગવો જોઇએ તેવી જોગવાઇ છે અને કલમ પ૦ (૧) પ્રમાણે ૧૮ ટકા વ્યાજની જોગવાઇ છે. આ જોગવાઇમાં દર્શાવેલ વ્યાજદર ઘણો ઉંચો હોઇ તેને ૧ર ટકા સુધી લઇ જવા સૂચન આપવામાં આવ્યું છે.
- આઇટીસી મેળવવા નોંધાયેલ વ્યક્તિએ ઇનવોઇસ, ડેબિટ નોટ અપલોડ કરવા સંબંધી નિયમ ૩૬ (૪)ને ૩૧ માર્ચ ર૦ર૧ સુધી મુલત્વી રાખવામાં આવે.
- સીજીએસટી રૂલ ૮૯ (પ) મુજબ આવતા ઇનપુટ સર્વિસના રિફંડ માટે સરકાર/કાઉન્સિલ દ્વારા સત્વરે પગલાં લેવામાં આવે.
- જીએસટીઆર ૯ અને ૯સી ફાઇલ કરવાની મુદત ૩૦ જૂન ર૦ર૧ સુધી લંબાવવામાં આવે.
- સીજીએસટી એક્ટની કલમ ૧ર હેઠળ આવરી લેવાતા પેમેન્ટ ઉપર આઇટીસી કલમ ૧૬ (ર) (બી) પ્રમાણેની જોગવાઇ સપ્લાયરને ઘણી તકલીફમાં મૂકે છે. આ સંજોગોમાં એડવાન્સ પેમેન્ટ ઉપર જીએસટી લાયેબિલિટીની જોગવાઇમાં રાહત આપવામાં આવે.
- સીજીએસટી રૂલ ૧૩૮ E (a) & (b) મુજબ કોઇપણ કરદાતાના જીએસટીઆર ૩બી સતત બે મહિના સુધી બાકી રહયા હોય એ સંજોગોમાં ઇ–વે બીલની સુવિધા બ્લોક કરવામાં આવે છે તો ઉપરોકત કલમ જે વેપારીનું એન્યુઅલ ટર્નઓવર રૂપિયા પ કરોડથી વધુ હોય તેના માટે જ લાગુ કરવામાં આવે.