કોરોના સામે જીવન રક્ષક કહેવાતી વેક્સિન આપવા માટેની તૈયારીઓ સુરત મહાનગર પાલિકાએ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે આજે મંગળવારે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલના ડો. આશિષ નાયક અને આરોગ્ય અધિકારી ઉમરીગર સાથેની ટીમે સ્મીમેર હોસ્પિટલ, પીપી સવાણી વિદ્યાલય, મગોબ શહેરી આરોગ્ય કેન્દ્ર અને એસડી ડાયમંડ હોસ્પિટલ ખાતે ડ્રાય રનનું આયોજન કર્યું હતું. જેમાં કોવિન પોર્ટલની કામગીરીની ચકાસણી, વેક્સિન સપ્લાય તેમજ લોજિસ્ટિક સપ્લાય, વેક્સિનેશન સેશનની સંપૂર્ણ કામગીરી, વગેરેની ચકાસણી કરવામાં આવી હતી. સરકારના આદેશ બાદ સુરતમાં તુરંત જ વેક્સિનની કામગીરી શરૂ કરવામાં આવશે.
એક બુથ પર 100 જણાંને રસી મુકાશે

1 બુથ ઉપર 100 લાભાર્થીને રસી મુકાશે. તેવામાં પહેલાં તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઇનર, 50 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ થશે. પછી 50 વર્ષથી નીચેના કો-મોર્બિડ પછી મોર્બિડ અને યુવાનોને વેક્સિનેશન કરાશે. હેલ્થવર્કર, કોરોના વોરિયર્સ અને પછી 50 વર્ષથી વધુના લોકોને રસી મુકાશે. જેઓ રહી ગયા છે તેમનું રજિસ્ટ્રેશન બીજા રાઉન્ડમાં કરાશે. જોકે આ તમામની સંખ્યા સરકારની ગાઇડલાઇન તેમજ સરકાર તરફથી ફાળવવામાં આવનાર વેક્સિન જથ્થા પરથી નક્કી થશે. પહેલો ડોઝ ઇમ્યુનિટી ક્રિએટ કરી રોગપ્રતિકારક ક્ષમતા વધારશે. જ્યારે બીજા ડોઝ આ ક્ષમતાને લાંબા સમય સુધી ટકાવી રાખશે.
આ રીતે થશે આખી પ્રક્રિયા

ફર્સ્ટ પ્રાયોરિટી લિસ્ટ પ્રમાણે તંત્ર લાભાર્થીને એસએમએસ મોકલશે. તે એસએમએસના આધારે જ નિયત સેન્ટર પર વેક્સિનેશન થશે. સુરત મનપા તમામ લોકોને વિનામૂલ્યે રસી પૂરી પાડશે.તમામ સરકારી હોસ્પિટલોની સાથે હેલ્થ સેન્ટર તેમજ 28 જેટલી મોટી ખાનગી હોસ્પિટલોમાં પણ આ સુવિધા રાખવામાં આવશે. અડાજણ હેલ્થ સેન્ટર પર 10 આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર અને 6 ડિપ ફ્રિજની છે. અહીંથી જરૂરિયાત મુજબ 52 હેલ્થ સેન્ટર પર રસી મોકલાશે. સુરત પાસે 14 લાખ વેક્સિનના ડોઝને સંગ્રહ કરી શકે તેવી વ્યવસ્થા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.