વિશ્વની સૌથી મોટી મેસેન્જર સર્વિસ વોટ્સએપની નવી પોલિસીને કારણે યૂઝર્સમાં મૂંઝવણ સાથે નારાજગી છે અને ઘણાં યુઝર્સ અને પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ રહ્યાં છે. સાયબર મીડિયા રિસર્ચના એક સર્વે અનુસાર, 28 ટકા યુઝર્સ હવે વોટ્સએપનો ઉપયોગ બંધ કરવાનું વિચાર્યું છે. જોકે, 79 ટકા યૂઝર્સ તેનો ઉપયોગ ચાલુ રાખવો કે બંધ કરવો તે અંગે નિર્ણય કરી શક્યા નથી. વોટ્સએપ તેની નવી પોલિસીને 8 ફેબ્રુઆરી 2021 થી અમલમાં મૂકવાનું હતુ, પરંતુ હાલ થોડા મહિના તેને મુલતવી રાખી છે.
વોટ્સએપની નવી નીતિથી 49 ટકા યૂઝર્સ ખૂબ ગુસ્સે છે અને 45 ટકા યૂઝર્સ એવું કહી રહ્આયાં છે કે તે ક્યારેય વોટ્સએપ પર વિશ્વાસ કરશે નહીં. જ્યારે 35 ટકા યૂઝર્સ તેનો વિશ્વાસ તુટી ગયાની વાત કરી રહ્યા છે.
જોખમ શું છે?
સાયબરમીડિયા દ્વારા થયેલ સંશોધન કહે છે કે વોટ્સએપ અને ફેસબુક મેસેંજરના મોટાભાગના વપરાશકર્તાઓ થર્ડ-પાર્ટી સર્વિસ પર ચેટ સંગ્રહિત થવાની ચિંતા કરે છે. રિસર્ચ ફર્મ અનુસાર, લગભગ દરરોજ 50 ટકાથી વધુ વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર વપરાશકર્તાઓ સ્પામ સંદેશા મેળવે છે. સર્વેમાં ભાગ લેનારા 50 ટકા વપરાશકર્તાઓ એવા હતા જેમને ફિશિંગ એટેક અને વાયરસ સહિતના અજાણ્યા નંબરોથી શંકાસ્પદ મેસેજ મળ્યા હતા.
સંભવત: મે 2021 માં અમલમાં લાવશે નવી પોલિસી
યૂઝર્સ તરફથી મળેલા નકારાત્મક પ્રતિસાદને કારણે કંપનીએ તેને 2021 મે સુધી મુલતવી રાખવી પડી. કંપની ઈચ્છે છે કે, આ દરમિયાન યુઝર વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને સારી રીતે વાંચે અને સમજે. નવી નીતિના અમલની તારીખ વધારવાનો નિર્ણય મોટાભાગે કંપનીની તરફેણમાં છે.