UK સ્ટ્રેનને કારણે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અમદાવાદમાં માર્ચમાં અત્યારસુધીના સૌથી વધુ 9670 કેસ

સંક્રમણ:UK સ્ટ્રેનને કારણે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અમદાવાદમાં માર્ચમાં અત્યારસુધીના સૌથી વધુ 9670 કેસ
  • પાલડીમાં એક જ પરિવારના 6 સભ્યને કોરોનાનો ચેપ, દંપતીએ 5 દિવસ પહેલાં રસી લીધી હતી
  • રસીના બે ડોઝ પછી એન્ટિબોડી ડેવલપ થાય છે

અમદાવાદ શહેરમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ને વઘુ ખરાબ થઈ રહી છે. શહેરમાં માર્ચમાં અત્યારસુધીના સૌથી વધુ 9670 કેસ નોંધાયા છે. મે 2020માં કોરોનાવાયરસ ચરમસીમાએ હતો ત્યારે પણ 9154 કેસ નોંધાયા હતા. આમ, માર્ચના કેસે નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ દૈનિક 613 કેસ આવ્યા છે, જ્યારે 3 દર્દીનાં મૃત્યુ થયાં છે. માર્ચ 22થી માર્ચ 31 સુધીના 10 દિવસમાં 5671 કેસ નોંધાયા હતા, જે માર્ચમાં નોંધાયેલા કુલ કેસના લગભગ 58 ટકા થાય છે. એ જ રીતે સમગ્ર ફેબ્રુઆરીમાં કોરોનાવાયરસથી 18 દર્દીનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે માર્ચમાં મૃત્યુઆંક 43 રહ્યો હતો. આમ, એક મહિનામાં મૃત્યુઆંકમાં પણ લગભગ 140 ટકાનો વધારો જોવા મળ્યો છે. કેસની સમીક્ષાને આધારે મ્યુનિ.ના હેલ્થ વિભાગે શહેરના વધુ 19 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂક્યા છે.

45થી વધુ વયના લોકોનું વેક્સિનેશન શરૂ
ગુરુવારથી 45થી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે અમદાવાદમાં સૌથી વધુ 32797 લોકોએ રસી લીધી હતી. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 8475ને રસી મૂકવામાં આવી હતી અને પછી 3053 લોકોને રસી સાથે ઉત્તર ઝોનનો ક્રમ આવે છે. શહેરમાં આવેલાં 380 રસી કેન્દ્રો પર સવારથી લોકોની ભીડ જોવા મળી હતી. મ્યુનિ.એ 14 મોટા કમ્યુનિટી હોલમાં પણ રસી માટેની વ્યવસ્થા ગોઠવી છે. મ્યુનિ.એ 30 એપ્રિલ સુધીમાં 20 લાખ લોકોને રસી મૂકવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલી ચર્ચા પ્રમાણે વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવાશે. તમામ રસી કેન્દ્રોને પાંચ દિવસ ચાલે તેટલો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે.

પ્રથમ દિવસે અમદાવાદમાં સૌથી વધુ 32797 લોકોએ રસી લીધી (ફાઈલ ફોટો).

પ્રથમ દિવસે અમદાવાદમાં સૌથી વધુ 32797 લોકોએ રસી લીધી (ફાઈલ ફોટો).

UK સ્ટ્રેનને કારણે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે: ડૉ. તેજસ પટેલ
રાજ્યની કોવિડ કોર કમિટીના સભ્ય ડો.તેજસ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી અમદાવાદ સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઉછાળાનું મુખ્ય કારણ યુ.કે. સ્ટ્રેન છે. આનાથી સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાય છે અને એક વ્યક્તિને ચેપ લાગતાં આખો પરિવાર સંક્રમિત થાય છે. કોરોનાના અગાઉ જોવા મળેલા સ્ટ્રેનની સરખામણીએ આ સ્ટ્રેનને કારણે ચેપ ફેલાવાની ઝડપ પ્રમાણમાં 70 ટકા જેટલી વધી જતી હોય છે, પરંતુ રાહતની વાત એ છે કે ગત વર્ષ કરતાં વાયરસ ઓછો ગંભીર છે. જો લોકોએ હજુ પણ કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવું એ જ માત્ર ઉપાય છે.

મેં ગત જાન્યુઆરીમાં કહ્યું હતું કે લોકો જો ઉત્તરાયણ અને હોળીના તહેવારો સાચવી લેશે અને ભીડ નહીં કરે તો રાજ્યમાં કોરોના વકરશે નહીં, પરંતુ, લોકોએ સાવધાની રાખી નહીં, જેને કારણે હાલમાં કેસ વધ્યા છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે ગત વર્ષ કરતાં આ વાયરસનું સંક્રમણ ભલે ઝડપી હોય પણ એની ગંભીરતા ઓછી છે. જોકે કોરોનાનું ઝડપી નિદાન અને સારવાર જરૂરી છે. ઝડપી નિદાન અને સારવારથી જેટલા ઓછા લોકો વેન્ટિલેટર પર જશે તેટલો મૃત્યુદર ઘટશે. એટલું જ નહિ, લોકો હજુ પણ સમજે, ટોળે ન વળે, માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે તો આગામી બે મહિનામાં કોરોના કંટ્રોલમાં આવી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

પાલડીમાં એક જ પરિવારના 6 સભ્યોને કોરોનાનો ચેપ
ઝાયડ્સ હેલ્થકેરમાં જોબ કરતા યુવક અને તેની પત્નીએ કોરોનાની રસી લીધાના 5 દિવસ પછી બંને કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. એટલું જ નહીં, પરિવારના અન્ય 4 સભ્યો પણ સંક્રમિત થયા હતા.
પાલડી જલારામ મંદિર પાસેના મેઘધનુષ્ય ફ્લેટમાં રહેતા યાત્રિક પંડ્યા ઝાયડસ હેલ્થકેરમાં એરિયા બિઝનેસ મેનેજર છે. 5 દિવસ પહેલાં યાત્રિક અને તેમનાં પત્ની હરિણીબેને કોરોનાની રસી લીધી હતી. રસી લીધા પછી એક દિવસ સામાન્ય તાવ આવ્યો હતો. ત્યાર બાદ તાવ ઊતરવાની જગ્યાએ વધતો ગયો, 5 દિવસ સુધી તાવ ન ઊતરતાં બંનેએ કોરોના ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યાં હતાં. માતા-પિતા-ભાઈ સહિતના પરિવારના 4 સભ્યોએ પણ કોરોનાનો રિપોર્ટ કઢાવતાં તેઓ પણ પોઝિટિવ આવ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધાના 20થી 25 દિવસ પછી શરીરમાં કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થતો હોય છે.

નવજાતથી માંડી 11 વર્ષ સુધીના 9 બાળકને કોરોના
કોરોના નાનાં ભૂલકાંને ઓછી અસર કરે એવું મનાય છે, પરંતુ હાલમાં સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં નવજાતથી લઇને 11 વર્ષ સુધીનાં 9 બાળકો સારવાર લઇ રહ્યાં છે, જેમાંથી બે બાળકોની હાલત ગંભીર છે. ડિસેમ્બર-2020થી ફેબ્રુઆરી-2021 પછી આ માર્ચ મહિનામાં સૌથી વધુ 12 કોરોનાગ્રસ્ત દર્દી દાખલ કરાયા હતા, જેથી પુખ્તો સાથે હવે બાળકોને પણ કોરોનાથી પૂરતી તકેદારી રાખવાની જરૂર છે.
સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને બાળ સર્જરી વિભાગના વડા ડો.રાકેશ જોષી જણાવે છે કે ડિસેમ્બર-2020થી લઇને ફેબ્રુઆરી-2021 દરમિયાન હોસ્પિટલમાં શરદી, કફ અને તાવ સાથે કોવિડના બાળ દર્દીના 1-2 કેસ નોંધાતા હતા, પરંતુ આ માર્ચમાં નવજાતથી લઈ 11 વર્ષ સુધીનાં 12 બાળકોને સારવાર અપાઇ છે. હાલ 9 બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી 1 ઓક્સિજન પર અને એક હાઇ ઓક્સિજન પર છે.

નાનાં બાળકોને પણ થઈ શકે છે કોરોના (ફાઈલ ફોટો).

નાનાં બાળકોને પણ થઈ શકે છે કોરોના (ફાઈલ ફોટો).

કોરોનાવાયરસને કાબૂમાં લેવા માટે તમામે રસી લેવી અત્યંત જરૂરી છે
RNA વાયરસ હોવાથી મ્યૂટેશન ખૂબ જ ઝડપી થાય છે, જેથી વેક્સિન લેવા છતાં સાવધાની ન રાખો તો પોઝિટિવ થઇ શકાય છે છતાં પણ દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જ જોઇએ. વેક્સિન લેનારના ડેટા પ્રમાણે જેમણે વેક્સિન લીધી હોય છતાં પણ કોરાનાવાયરસથી સંક્રમિત થાય અને વાયરસ ફેફસાં સુધી પહોંચે, પરંતુ આવા લોકો ઘણા ઝડપથી સારા થાય છે તેમજ તેમને વેન્ટિલેટર પર મૂકવાની સંભાવનાથી લઇને મૃત્યુની શક્યતા ઓછી થઇ જાય છે.

ગુજરાત-મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં તેજસ ટ્રેન એક મહિના માટે બંધ
ગુજરાત અ્ને મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી ખાનગી તેજસ ટ્રેન શુક્રવારથી એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક મહિના પછી પરિસ્થિતિની સમીક્ષા કરી ટ્રેન ચાલુ કરવી કે નહીં એનો નિર્ણય લેવામાં આવશે. એડવાન્સ બુકિંગ કરાવનારા તમામ પેસેન્જરોની ટિકિટ કેન્સલ કરી પૂરેપૂરું રિફંડ આપવામાં આવશે. જાન્યુઆરી 2020માં ટ્રેન શરૂ થયા બાદ કોરોનાને કારણે ત્રીજીવાર ટ્રેન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »