સમાજ વ્હારે: કતારગામમાં પાટીદાર સમાજે 54 બેડનું કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું

કોરોના મહામારીના બીજા તબક્કામાં વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને સુરત શહેરમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજો, ટ્રસ્ટો દ્વારા ૧૭થી વધુ કોવિડ આઈસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આજે વધુ એક આઈસોલેશન સેન્ટરને ખુલ્લુ મુકાયું હતું.
ઘરના એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને ઘરના અન્ય સભ્યને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર અત્યારે સૌથી જરૂરી વ્યવસ્થા હોય તો એ આઇસોલેશન વોર્ડની છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા અને દર્દીને મદદ કરવાના હેતુથી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ-વેડરોડ મેડીકલ એસોસિએશનના સહયોગથી ૫૪ બેડનું કોવિડ કેર આઇસોલેશન સેવા સેન્ટર, કતારગામ આંબાતલાવડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે પાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીના હસ્તે ખુલ્લુ મુકાયું હતું.
આ આઇશોલેશન સેન્ટરમાં જે દર્દીને ડોક્ટર દ્વારા ઘરે હોમ ક્વોરેન્ટાઇન થવાની સુચના આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય એવા દર્દીઓ તથા હોસ્પિટલમાંથી રજા લીધા પછી ડોક્ટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓને આ આઇશોલેશન વોર્ડમાં પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત દર્દીની તપાસ માટે કન્સલ્ટન્ટ 15 ડોક્ટરની ટીમ તેમજ વિઝીટર 15 ડોક્ટરો સાથે કુલ 30 તજજ્ઞ ડોક્ટરોની ટીમ સેવા આપી દર્દીઓને દવા પણ પુરી પાડશે. સાથોસાથ દર્દીઓને સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્ક જેવી તમામ સુવિધાઓ વિના મુલ્યે આપવામાં આવશે.
આ સેન્ટર પર કોરોનાની સારવાર માટે ઓક્સિજન બેડ, એમ્બ્યુલન્સ, દવાઓ, નર્સિંગ સ્ટાફ, કોવિડ રિપોર્ટ, કોરોના રસીકરણ કેન્દ્ર તથા અનેક સુવિધા સાથેનું કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત કોરોનાના દર્દીઓ તણાવમુક્ત થાય તે માટે પ્રતિદિન વિવિધ કાર્યક્રમો યોજી અને એલઇડી સ્કીન દ્વારા મોટીવેટ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ શેટા, ઉપપ્રમુખ કાળુભાઈ ભીમનાથ ગોવિંદભાઇ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, મથુરભાઈ સવાણી, ચેમ્બર્સના ખજાનચીશ્રી મનીશભાઈ કાપડીયા અને સમાજના અન્ય અગ્રણી, તેમજ વિવિધ સમિતિઓના વ્યવસ્થાપકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Translate »