હવે સિવિલમાં તબીબી સ્ટાફ અને દર્દીઓ માટે કાઉન્સેલિંગ, સંગીત થેરાપી, ધાર્મિક પ્રવચનો, હાસ્ય થેરાપી

છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીમાં જીવની પરવા કર્યા વિના દર્દીઓની સેવા સારવાર માટે અથાગ મહેનત કરી રહેલા ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ તથા સિવિલના વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ દર્દીઓને મદદરૂપ થવા અને તેમનું મનોબળ વધારવા માટે સુરત સિવિલ આરોગ્ય તંત્ર અને પદાધિકારીઓએ અગ્રણી એન.જી.ઓ., સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે નવી સિવિલ ખાતે સકારાત્મક બેઠક યોજી હતી.
નવી સિવિલમાં દાખલ થયેલા દર્દીઓના સગાવ્હાલાઓની સાથે ઓડિયો અને વિડિઓ કોલથી સંપર્ક કરી દર્દીઓની સ્થિતિ વિશે વાકેફ કરાવવામાં આવે છે, આ સુવિધા ઉપયોગી હોવાથી તેના પર ભાર મૂકી વિસ્તારવામાં આવશે. તબીબી સ્ટાફ સાથે દર્દીઓનું મનોબળ મજબૂત બને એ માટે મનોચિકિત્સક કાઉન્સેલિંગ, સંગીત થેરાપી વિવિધ ધાર્મિક પ્રવચનો, હાસ્ય થેરાપી જેવા વિવિધ કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવશે.
બેઠકમાં દર્દીઓના માનસ પર હકારાત્મક અસરો પડે, મનોબળ જળવાઈ રહે અને કોરોના સામે લડવા માટે માનસિક રીતે સજ્જ બને એ માટે સૌએ આ પ્રકારના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા માટે તત્પરતા દાખવી હતી. એક એક દર્દીનું જીવન અમૂલ્ય છે એવા ભાવથી સેવાકાર્ય કરવા અને ગંભીર બિમારીમાંથી તેઓને સ્વસ્થ કરવા આરોગ્ય તંત્ર અને સામાજિક સંસ્થાઓ કટિબદ્ધ બન્યા હતા. જે માટે વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરી સમયબદ્ધ આયોજન કરવા માટે ડો.કેતન નાયક તથા ડો. ચેતન આચાર્યને જવાબદારી સોંપવામાં આવી હતી.

સાંસદ દર્શનાબેન જરદોશ,રાજ્ય સરકારના નાણાસચિવ અને ખાસ ફરજ પરના અધિકારી મિલિન્દ તોરવણે, સિવિલ આરોગ્ય તંત્રવાહકો ઋતંભરા મહેતા, રાગિણી વર્મા, આર.એમ.ઓ. કેતન નાયક, યોગેશભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ અને અગ્રણી સેવાભાવી સંસ્થાઓ છાંયડો, પ્રજાપિતા બ્રહ્માકુમારી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શહેર સંગઠન હેલ્પડેસ્ક, માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, કચ્છી પટેલ સેવા સંસ્થા, ગૌસેવા સંસ્થા, યુથ નેશન, આઈ સ્ટેપ ફાઉન્ડેશન, જલારામ ટ્રસ્ટ, મજૂર મિત્ર મંડળ, માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ વગેરે વિવિધ સંસ્થાઓ વચ્ચે યોજાયેલી આ સકારાત્મક બેઠકમાં આરોગ્ય સુવિધાઓને વ્યાપક બનાવવા તેમજ સિવિલ હોસ્પિટલના દર્દીઓની સુખાકારી માટે મદદરૂપ થવા માટે સૌએ એકસૂરે તત્પરતા દર્શાવી હતી.

Leave a Reply

Translate »