• Sat. Mar 23rd, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

‘કોર્પોરેટરની ગ્રાંટમાંથી બાંકડા મૂકી આપવામાં આવશે નહીં’, આપના ફોર્મમાં આવો ઉલ્લેખ શા માટે?

  • સ્ટોરી: રાજા શેખ, 98980 34910

આપની સુવિધા, આપનો અધિકાર અને આપ દ્વારા, આપને દ્વાર અંતર્ગત આમ આદમી પાર્ટી સુરતમાં લોકોના કામો કરવા સામેથી ઉત્સુક દેખાય રહી છે. સુરતમાં ચૂંટાયેલા આપના 27 નગરસેવકો આમ તો દર સપ્તાહે સોસાયટી સોસાયટી ફરી ફરીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની કોશિશ કરી રહ્યાં છે. ત્યારે હવે સુરત મહાનગર પાલિકા તરફથી પ્રત્યેક નગરસેવકને ફાળવવામાં આવેલી 10-10 લાખની ગ્રાંટનો ઉપયોગ કરવા સામેથી પ્રજાજનો સમક્ષ તત્પરતા દેખાડી રહ્યાં છે. આમ આદમી પાર્ટી સુરત તરફથી દરેક વોર્ડના નગર સેવકના અલાયદા ફોટા સાથેનું એક ફોર્મ જારી કરવામાં આવ્યું છે અને તેમાં પાયાની સુવિધાઓ રસ્તા, ગટરલાઈન, પાણીની લાઈન, સીસીટીવી કેમેરા, સ્ટ્રીટલાઈટ સહિતના કામો માટે અગર ગ્રાંટની જરૂરત હોય તો તે માટે અરજીપત્રકો મંગાવવામાં આવી રહ્યાં છે. ફોર્મમાં એવું સ્પષ્ટ લખાયું છે કે, આ ગ્રાંટ માત્ર પાયાની સુવિધાઓ માટે જ ફાળવાશે, કોર્પોરેટરની ગ્રાંટમાંથી બાંકડા મૂકી આપવામાં આવશે નહીં.

અમે પાયાની સુવિધાની ગ્રાંટ આપવા માટેની તમામ મદદ કરીશું

આમ આદમી પાર્ટીના સુરત મહાનગર પાલિકામાં વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ અમને કહ્યું કે, અમારી પાર્ટીએ અમારા દરેક નગરસેવકની ગ્રાંટ પાયાની સુવિધાઓ માટે વપરાય તે માટે નિર્ણય કર્યો છે. વિપક્ષી નેતા તરીકે મને વર્ષ 2021-22 માટે ફાળવાયેલી રૂ70 લાખ અને દરેક નગરસેવકને મળેલી રૂ. 10 લાખની ગ્રાંટ રસ્તા, અધિકૃત ગટર-પાણીની લાઈન, સોસાયટીના સીસીટીવી કેમેરા, સ્ટ્રીટલાઈટ સહિત માટે વપરાય અને તેના પર જ અમારું ફોક્સ રહે તે માટે ફોર્મ છપાવી સામેથી તેને પબ્લિશ કરાયા છે. સોસાયટી કે નાગરિકો અમને તે ફોર્મ ભરીને મોકલશે તો તે માટે સ્ક્રુટીની કરીને અમે ગ્રાંટ ફાળવીશું. અગર લોકોને મહાપાલિકામાં તે માટેની ફાઈલ પ્રોડ્યુસ કરવામાં, ડોક્યુમેન્ટ ભેગા કરવામાં કે અન્ય કોઈ તકલીફ હશે તો તે માટે પણ અમારા કાર્યકરો મદદ કરશે. આવા તમામ કામોમાં 80 ટકા સુરત મનપા આપતી હોય છે,જ્યારે 20 ટકા સોસાયટીએ ભરવાના હોય છે. ગ્રાંટ મંજૂર થાય તો 10 ટકા નગરસેવકે આપવાની હોય છે. જે પ્રોસેસ કરીને અમે આપીશું.

શા માટે ફોર્મમાં લખાવ્યું કે, બાંકડા મુકી આપવામાં આવશે નહીં?

આ મતલબના અમારા સવાલનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, અગાઉના નગરસેવકો, ધારાસભ્યો કે સાંસદો બાંકડાને જ વિકાસ સમજી બેઠા હતા અને તેઓ તેમના ફોટા તેમજ નામ બાંકડા પર લખાવીને પબ્લિસિટી કરતા હતા. જોકે, લોકોને ખરી જરૂરિયાત પાયાની સુવિધાઓ આપવાની છે. બીજુ કે, બાંકડા મુકાવની ભ્રષ્ટાચાર પણ ખૂબ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. એક બાંકડાની કિંમત રૂ. 1500 જેટલી જ થાય છે પરંતુ તેના રૂ. 3500થી વધુના બિલો મુકીને લાખોની ખાયકી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ મત છે કે, પ્રજાના પરસેવાની કમાણીથી ભરાતા ટેક્સના નાણાં તેમને પાયાની સુવિધાઓ જ પુરી પાડવામાં વપરાય તો જ તે લેખે લાગે. બાંકડા પર બેસવાથી વિકાસ થતો નથી. લોકોને સુખ-સુવિધા પુરી પાડવાથી વિકાસ થાય છે. જેથી, અમે ફોર્મ પર પહેલાથી જ સ્પષ્તતા કરી દીધી છે. જેથી, કોઈ બાંકડાની ડિમાન્ડ અમારીથી કરે જ નહીં.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »