સુરત:સોમવાર: સુરત શહેરમાં રોજબરોજ હજારો લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે સુરત મહાનગરપાલિકા અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ૧૮ થી ૪૪ વર્ષની વયના દિવ્યાંગો માટે વિનામૂલ્યે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૦૨ દિવ્યાંગોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા.
આ વેળાએ ભારત વિકાસ પરિષદના પ્રમુખ રૂપીન પચ્ચીગરે જણાવ્યું કે, ‘સામાન્ય નાગરિકોની જેમ જ દિવ્યાંગો પણ વેકસીન મેળવી સુરક્ષિત થાય અને સંક્રમણને અકાવવા મદદરૂપ બને તેવા આશયથી રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વિકાસ પરિષદે શહેરની અનેક સંસ્થાઓ અને શાળાઓનો સંપર્ક કરીને તેમજ દિવ્યાંગો સાથે ફોન પર વાતચીત સંપર્ક કરીને એમનું વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કર્યું હતું અને રસીકરણ માટે એપોઈમેન્ટ આપી હતી.’
અઠવાગેટ ખાતે રહેતા દિવ્યાંગ ૪૧ વર્ષીય જિજ્ઞેશભાઈ મહેતાએ જણાવ્યું કે, ‘‘હું હીરા ઉદ્યોગમાં કામ કરી મારૂ ગુજરાન ચલાવું છું. કોરોના સંક્રમણથી બચવા માટે રસી અને કોરોના માર્ગદર્શિકાઓનું પાલન એકમાત્ર શસ્ત્ર છે. પરિવહનનો અભાવ હોવાથી સંસ્થા દ્વારા પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જેના કારણે હું અને મારા જેવા અનેક દિવ્યાંગ ભાઈઓ-બહેનો સરળતાથી વ્યવસ્થા થઈ હતી. વેક્સિન લીધા બાદ મને કોઇ પણ પ્રકારની આડઅસર જણાઈ નથી. તેથી હું શહેરના પ્રત્યેક શહેરીજનો વેકસીન લેવા અને તેનાથી તેમના પરિવારને સુરક્ષિત કરવા વિનંતી કરૂ છું.’’
શહેરના ઉધના ખાતે રહેતા રાજેશકુમાર વાળા તેમના ૧૯ વર્ષીય પુત્ર જિગરને વેક્સિન અપાવવા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘જિગરને બોલવામાં તકલીફ છે. તે જીવનવિકાસ શાળામાં અભ્યાસ કરતો હોવાથી તેનું શાળા તરફથી જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેના કારણે મારા પુત્રને રસી અપાવવા સરળતા થઈ છે. વધુમાં તેમણે કહ્યું કે, મને ગર્વ છે કે કોરોના સામેની જંગ જીતવામાં જિગરે પણ પોતાનું નામ નોંધાવ્યું છે.’